નવી મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશનનો પ્લાન, ઇન્સ્ટિટ્યૂટ ઑફ કેમિકલ ટેક્નૉલૉજીએ આપ્યો પ્રસ્તાવ
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
તહેવારો દરમ્યાન પર્યાવરણને નુકસાન થતું અટકાવવા અને કચરાના યોગ્ય નિકાલ માટે નવી મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (NMMC)નો નવો પ્લાન વિચારણા હેઠળ છે. વિસર્જન કરાયેલી પ્લાસ્ટર ઑફ પૅરિસ (PoP)ની મૂર્તિઓને રીસાઇકલ કરીને એમાંથી ફરી નવી મૂર્તિ તેમ જ સ્કૂલના વિદ્યાર્થીઓ માટે સ્ટડી-ટેબલ જેવું ફર્નિચર બનાવવાની આધુનિક ટેક્નૉલૉજી પર કામ ચાલી રહ્યું છે.
NMMCના કમિશનર કૈલાશ શિંદેએ જણાવ્યું હતું કે ‘ઇન્સ્ટિટ્યૂટ ઑફ કેમિકલ ટેક્નૉલૉજી (ICT) દ્વારા એક પાઇલટ પ્રોજેક્ટનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે. આ ટેક્નૉલૉજીની મદદથી તહેવારો બાદ એકત્રિત થતી PoPની મૂર્તિઓને પ્રોસેસ કરીને ફરીથી નવી મૂર્તિ બનાવવા માટેનો કાચો માલ તૈયાર કરવામાં આવશે. સ્થાનિક મૂર્તિકારોએ પણ આ રીસાઇકલ કરેલા કાચા માલનો ઉપયોગ કરવા માટે સંમતિ દર્શાવી છે. એ ઉપરાંત એક પ્રાઇવેટ કંપનીના મૉડલ પર પણ વિચારણા ચાલી રહી છે જે નકામી બનેલી PoPની મૂર્તિઓમાંથી સ્કૂલનું ફર્નિચર તૈયાર કરશે.’
આગામી ઉત્સવો દરમ્યાન મૂર્તિઓના વિસર્જનની પ્રક્રિયા પર કડક દેખરેખ રાખવા માટે પાલિકા મૂર્તિઓનું ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ (GPS) ટૅગિંગ કરશે, જેથી કઈ મૂર્તિ ક્યાં વિસર્જિત થઈ એનું ચોક્કસ ટ્રૅકિંગ થઈ શકે.
