અમેરિકા-ઈરાન યુદ્ધ પછી પહેલી વાર કમર્શિયલ LPG સિલિન્ડરના ભાવમાં ૧૮૩.૫૦ રૂપિયાનો ઘટાડો
પ્રતીકાત્મક તસવીર
વૈશ્વિક સ્તરે તેલના ભાવમાં ઘટાડો થતાં ભારતમાં પ્રાઇવેટ ઑઇલ કંપની નાયરા એનર્જીએ ગઈ કાલથી પેટ્રોલના ભાવમાં પ્રતિ લીટર પાંચ રૂપિયા અને ડીઝલના ભાવમાં પ્રતિ લીટર ૩ રૂપિયાનો ઘટાડો કર્યો છે. દેશમાં નાયરાના આશરે ૭૦૦૦ પેટ્રોલ-પમ્પ છે. ભૂ-રાજકીય તનાવ અને તેલપુરવઠામાં વિક્ષેપ અંગેની ચિંતાઓ ઓછી થયા પછી વૈશ્વિક સ્તરે ક્રૂડ ઑઇલના ભાવમાં ઘટાડાના પગલે ભાવમાં ઘટાડો થયો છે. જોકે જાહેર ક્ષેત્રની તેલકંપનીઓ ઇન્ડિયન ઑઇલ, ભારત પેટ્રોલિયમ અને હિન્દુસ્તાન પેટ્રોલિયમે ભાવમાં કોઈ ઘટાડો જાહેર કર્યો નથી.
મહારાષ્ટ્રના નાયરા પમ્પ પર પેટ્રોલ હવે ૧૧૧.૬૬ રૂપિયાના ભાવે વેચાઈ રહ્યું છે જ્યારે ડીઝલ ૯૭.૯૯ રૂપિયાના ભાવે વેચાઈ રહ્યું છે. જોકે વિવિધ જિલ્લામાં ભાવમાં થોડી વધઘટ રહેશે.
ADVERTISEMENT
અમેરિકા-ઈરાન યુદ્ધ પછી પહેલી વાર કમર્શિયલ LPG સિલિન્ડરના ભાવમાં ૧૮૩.૫૦ રૂપિયાનો ઘટાડો
૨૮ ફેબ્રુઆરીએ અમેરિકા-ઈરાન યુદ્ધ શરૂ થયા પછી પહેલી વાર ૧૯ કિલોગ્રામના કમર્શિયલ લિક્વિફાઇડ પેટ્રોલિયમ ગૅસ (LPG) સિલિન્ડરના ભાવમાં ૧૮૩.૫૦ રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. મુંબઈમાં સિલિન્ડરની કિંમત હવે ૩૦૬૭ રૂપિયાથી ઘટીને ૨૮૮૫.૫૦ રૂપિયા થઈ ગઈ છે. પહેલી મેના દિવસે કમર્શિયલ સિલિન્ડરમાં ૯૯૩ રૂપિયાનો ભારે વધારો જોવા મળ્યો હતો, ત્યાર બાદ પહેલી જૂને ૪૨ રૂપિયાનો વધારો થયો હતો. ઈરાન સંઘર્ષ પહેલાં ભારતમાં ૧૯ કિલોગ્રામના કમર્શિયલ LPG સિલિન્ડરની કિંમત આશરે ૧૮૧૪ રૂપિયા હતી.
ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ પાંચ કિલોગ્રામ ફ્રી ટ્રેડ LPG (FTL) સિલિન્ડરના ભાવમાં પણ ૧૩.૫૦ રૂપિયાનો ઘટાડો કર્યો છે.
