Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ન્યૂઝ શોર્ટમાં: વરલી-શિવડી કનેક્ટર પરથી સળિયો પડ્યો, ૨૩ વર્ષનો એક યુવાન ઘાયલ

ન્યૂઝ શોર્ટમાં: વરલી-શિવડી કનેક્ટર પરથી સળિયો પડ્યો, ૨૩ વર્ષનો એક યુવાન ઘાયલ

Published : 01 March, 2026 07:39 AM | Modified : 01 March, 2026 09:41 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સળિયો નીચેથી પસાર થઈ રહેલા ૨૩ વર્ષના યુવાનને વાગતાં તેને KEM હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. 

તસવીર: સૈયદ સમીર અબેદી

તસવીર: સૈયદ સમીર અબેદી


મુલુંડના LBS રોડ પર મેટ્રોના સ્લૅબનો ટુકડો પડવાથી એક જણનું મોત થવાની ઘટના તાજી છે ત્યાં વરલી-શિવડી કનેક્ટર પરથી સળિયો નીચે પડવાની ઘટના બહાર આવી છે. એ સળિયો નીચેથી પસાર થઈ રહેલા ૨૩ વર્ષના યુવાનને વાગતાં તેને KEM હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. 

બોટ્સ્વાનાથી ૯ ચિત્તા આવી ગયા



ગઈ કાલે સવારે બોટ્સ્વાનાથી આવેલા ૬ માદા અને ૩ નર એમ કુલ નવ ચિત્તા મધ્ય પ્રદેશના શ્યોપુર પાસે કુનો નૅશનલ પાર્કમાં છોડવામાં આવ્યા હતા. કેન્દ્રીય પર્યાવરણપ્રધાન ભૂપેન્દ્ર યાદવે ચિત્તાઓને જંગલમાં છોડ્યા હતા. હવે ભારતમાં ચિત્તાઓની કુલ સંખ્યા ૪૮ થઈ ગઈ છે. નવા આવેલા ચિત્તાઓને શરૂઆતમાં છ અઠવાડિયાં માટે અલગ વાડામાં પ્રાણીનિષ્ણાતોની નિગરાનીમાં રાખવામાં આવશે.


ફૅક્ટરીમાં બ્લાસ્ટ : ૨૧નાં મોત, ૮ લોકો ગંભીર ઘાયલ

આંધ્ર પ્રદેશના કાકીનાડા જિલ્લામાં એક નાનકડા ગામમાં શનિવારે ફટાકડા બનાવતી ફૅક્ટરીમાં થયેલા વિસ્ફોટે આસપાસના પાંચ કિલોમીટરના વિસ્તારને ધ્રુજાવી નાખ્યો હતો. વિસ્ફોટ પછી ફાટી નીકળેલી આગમાં ૨૧ લોકો જીવતા ભૂંજાયા હતા. ગામની બહાર આ ફૅક્ટરી હોવાથી આગમાંથી લોકોને બચાવવાની કામગીરીમાં પણ મોડું થઈ ગયું હતું. પોલીસે કહ્યું હતું કે ધડાકો એટલો પ્રચંડ હતો કે ફૅક્ટરીમાં કામ કરતા લોકોની લાશો આસપાસનાં ખેતરોમાં જઈને પડી હતી. આસપાસના વિસ્તારોમાં વિખેરાયેલી લાશોને એકઠી કરવા માટે પોલીસે ડ્રોનનો સહારો લીધો હતો. 


હવે બ્રીચ કૅન્ડી હૉસ્પિટલમાં શરદ પવારને દાખલ કરવામાં આવ્યા

નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (SP)ના વડા શરદ પવારને ગઈ કાલે બ્રીચ કૅન્ડી હૉસ્પિટલમાં માઇલ્ડ ડીહાઇડ્રેશનને કારણે દાખલ કરવામાં આવ્યા હતા. ડૉક્ટરોએ તેમને આરામ કરવા જણાવ્યું છે અને ઉંમરને કારણે હવે તેમની રોગપ્રતિકારક શક્તિ ઘટી ગઈ છે એટલે લોકો સાથે મળવાનું પણ ઓછું કરવા જણાવ્યું છે. તેમની તબિયત બગડી હોવાની જા‌ણ થતાં જ મુંબઈના પાલક પ્રધાન અને ભારતીય જનતા પાર્ટીના નેતા આશિષ શેલાર તેમની ખબર કાઢવા બ્રીચ કૅન્ડી હૉસ્પિટલ પહોંચી ગયા હતા અને ડૉક્ટરો સાથે વાતચીત પણ કરી હતી. તાજેતરના સમયમાં તેમને ત્રીજી વાર હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

આજે વેસ્ટર્ન રેલવેમાં જમ્બો અને સેન્ટ્રલમાં મેગા બ્લૉક

મેઇન્ટેનન્સના કામ માટે વેસ્ટર્ન રેલવેમાં ચર્ચગેટ અને બાંદરા વચ્ચે આવતી અને જતી એમ બન્ને તરફની સ્લો લાઇન પર રવિવારે સવારના ૧૦.૩૫ વાગ્યાથી બપોરના ૩.૩૦ સુધી જમ્બો બ્લૉક રાખવામાં આવ્યો છે. આ સમય દરમ્યાન સ્લો ટ્રેનો ફાસ્ટ ટ્રૅક પર દોડશે. એથી કેટલીક ટ્રેનો કૅન્સલ કરવામાં આવશે. ચર્ચગેટ જતી કેટલીક ટ્રેનોને બાંદરા અથવા દાદર પર ટર્મિનેટ કરવામાં આવશે અને ત્યાંથી જ પાછી બોરીવલી તરફ છોડવામાં આવશે. સેન્ટ્રલ રેલવેમાં રેગ્યુલર મેઇન્ટેનન્સ વર્ક માટે મેગા બ્લૉક લેવામાં આવ્યો છે. છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (CSMT)થી વિદ્યાવિહાર દરમ્યાન સ્લો ટ્રૅક પર સવારે ૧૦.૫૫ વાગ્યાથી બપોરે ૩.૫૫ વાગ્યા સુધી બ્લૉક રહેશે. એથી આ સમય દરમ્યાન સ્લો ટ્રેનો ફાસ્ટ ટ્રૅક પર દોડાવવામાં આવશે. હાર્બર લાઇનમાં સવારના ૧૧ વાગ્યાથી સાંજના ૪.૧૦ વાગ્યા સુધી કુર્લાથી વાશી દરમ્યાન બ્લૉક લેવામાં આવ્યો છે. આ સમયગાળા દરમ્યાન CSMTથી કુર્લા અને વાશીથી પનવેલ ટ્રેનો દોડશે. 

આજે ઘાટકોપરમાં શ્રી બૉમ્બે કંઠી ભાટિયા મહાજન દ્વારા હોળીના ર‌સિયાનું આયોજન

શ્રી બૉમ્બે કંઠી ભાટિયા મહાજન દ્વારા આજે ઘાટકોપર-ઈસ્ટમાં એમ. જી. રોડ પર આવેલી વીરજી મદનજી વાડીમાં ઠાકોરજીને અતિપ્રિય એવા હોળીના રસિયાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ભાટિયા જ્ઞાતિના જાણીતા જયેશ આશર તથા સાથી કલાકારો ‘હોળી કે રસિયા’ કાર્યક્રમ પ્રસ્તુત કરશે. સાંજે ૫.૩૦ વાગ્યાથી આયોજિત આ કાર્યક્રમમાં મહાજન દ્વારા સમસ્ત ભાટિયા વૈષ્ણવજનોને તથા સમાજની પરણેલી દીકરીઆને સહપરિવાર ભાવભર્યું આમંત્રણ છે. કાર્યક્રમ બાદ અલ્પાહારની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.

ST બસ માટે રાજ્ય સરકારે કાર્ડ બહાર પાડ્યાં, એક જ અઠવાડિયામાં એક લાખ રજિસ્ટ્રેશન થયાં

મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કૉર્પોરેશન (MSRTC) દ્વારા પ્રવાસીઓની સુવિધા માટે જે રીતે મુંબઈમાં બેસ્ટ દ્વારા ‘ચલો’ ઍપ શરૂ કરવામાં આવી છે એવું જ દેશભરમાં ચાલી શકે એવું નૅશનલ મોબાઇલ કૉમન મૉબિલિટી કાર્ડ (NMCM) સ્ટેટ ટ્રાન્સપોર્ટ (ST)ની બસના પ્રવાસીઓ માટે ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવ્યું છે. એક જ અઠવાડિયામાં એને અભૂતપૂર્વ રિસ્પૉન્સ મળ્યો છે અને એક લાખ જેટલા લોકોએ એ કાર્ડ રજિસ્ટર કરાવ્યું છે. આમ હવે ST પણ ડિજિટલ બની રહી છે એમ ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર પ્રતાપ સરનાઈકે જણાવ્યું હતું. આ કાર્ડ દેશભરમાં મલ્ટિપલ ટ્રાન્સપોર્ટ માટે વાપરી શકાય છે. MSRTC દ્વારા કહેવાયું છે કે જ્યાં સુધી કન્સેશન મેળવતા પૅસેન્જરોમાંથી ૮૦ ટકા જેટલા પૅસેન્જર રજિસ્ટર નથી થતા ત્યાં સુધી આ કાર્ડને ફરજિયાત નહીં બનાવાય.

Whatsapp-channel Whatsapp-channel

01 March, 2026 09:41 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK