Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > News In Shorts: કેટલીક વિદેશી શક્તિઓ ભારતને રોકવાનો પ્રયાસ કરી રહી છે, પણ હવે ભારતને કોઈ રોકી નહીં શકે

News In Shorts: કેટલીક વિદેશી શક્તિઓ ભારતને રોકવાનો પ્રયાસ કરી રહી છે, પણ હવે ભારતને કોઈ રોકી નહીં શકે

Published : 11 August, 2026 07:23 AM | Modified : 11 August, 2026 09:59 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ભારતના વિકાસનો વિશ્વાસ તિરંગા રૅલીમાં દેવેન્દ્ર ફડણવીસે વ્યક્ત કર્યો

ગઈ કાલે મુંબઈમાં મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસની આગેવાની હેઠળ ભારતીય જનતા પાર્ટી (BJP) દ્વારા તિરંગા રૅલીનું આયોજન કરવામાં આવ્યું હતું

ગઈ કાલે મુંબઈમાં મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસની આગેવાની હેઠળ ભારતીય જનતા પાર્ટી (BJP) દ્વારા તિરંગા રૅલીનું આયોજન કરવામાં આવ્યું હતું


દેશભરમાં સ્વતંત્રતાદિન નિમિત્તે તિરંગા રૅલીનું આયોજન કરવામાં આવ્યું છે. એ સંદર્ભે ગઈ કાલે મુંબઈમાં મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસની આગેવાની હેઠળ ભારતીય જનતા પાર્ટી (BJP) દ્વારા તિરંગા રૅલીનું આયોજન કરવામાં આવ્યું હતું. કોસ્ટલ રોડ અને વરલી પ્રૉમનેડ પર યોજાયેલી રૅલીમાં તેમણે જનમેદનીને સંબોધી હતી અને દેશભક્તિ ગીત પણ ગાયું હતું. દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે ‘ભારતને હવે કોઈ નહીં રોકી શકે. કેટલીક વિદેશી શક્તિઓ ભારતને રોકવાનો પ્રયાસ કરી રહી છે. તેમનું માનવું છે કે ભારતની ઘોડદોડ રોકાવી જોઈએ. તેમને ડર છે કે જો ભારતની ઘોડદોડ (વિકાસ) આવી જ રીતે ચાલુ રહી તો જગતની સૌથી વધુ મહાસત્તા ધરાવતો દેશ ભારત બની જશે. ભારતના ઇન્ટર્નલ મામલાઓમાં કેટલાક લોકો ચંચુપાત કરવાનો પ્રયાસ કરે છે, પણ હું તેમને કહેવા માગીશ કે આ હાથમાં તિરંગો લઈને બહાર પડેલા યુવાનો છે. તેમને રોકવાની તાકાત તમારામાં નથી, ભારતને રોકવાની તાકાત તમારામાં નથી.’

BMC કા બુલડોઝર




અસલ્ફામાં ગેરકાયદે સ્ટૉલ્સ પર ગઈ કાલે બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશનના અતિક્રમણ વિભાગે કાર્યવાહી કરી હતી અને જેસીબીની મદદથી એ સ્ટૉલ્સ હટાવી લીધા હતા. એ કાર્યવાહી જોઈને રસ્તે જતા રાહદારીઓ પણ થંભી જઈ એ ઘટનાને પોતાના મોબાઇલમાં કેદ કરી લેતા જોવા મળ્યા હતા.

નારીએ નાગને નાથ્યો


કૉન્ગ્રેસનાં નેતાં અને પ્રવક્તા શીતલ મ્હાત્રેની ઑફિસમાં સોમવારે નાગનું એક બચ્ચું આવી ચડ્યું હતું. શીતલ મ્હાત્રેએ જ એને સેફલી પકડી લીધું હતું અને કાચની એક બરણીમાં સેફ રાખ્યું હતું. ત્યાર બાદ તેમણે ફૉરેસ્ટ ડિપાર્ટમેન્ટનો સંપર્ક સાધીને એને લઈ જવા કહ્યું હતું. જોકે લાંબો વખત વીતી જવા છતાં ફૉરેસ્ટ ડિપાર્ટમેન્ટ તરફથી કોઈ ન આવતાં તેમણે જ નાગના એ બચ્ચાને જંગલ વિસ્તારમાં છોડી દીધું હતું. આ બાબતનો વિડિયો બનાવીને તેમણે સોશ્યલ મીડિયામાં શૅર કર્યો હતો.

સમૃદ્ધિ એક્સપ્રેસવે પર ડ્રાઇવરની આડોડાઈ 

ખોટી રીતે દંડ વસૂલ કરવામાં આવ્યો એટલે રસ્તામાં ટ્રેલર આડું કરી દીધું, કલાક સુધી ટ્રાફિક જૅમ

RTOના અધિકારીઓએ ખોટી રીતે દંડ ફટકાર્યો અને તેના દસ્તાવેજો લઈ લીધા હોવાનો દાવો કરીને ટ્રક-ડ્રાઇવરે સમૃદ્ધિ એક્સપ્રેસવે પર ટ્રેલર છોડી દીધું હતું જેને કારણે એક કલાક સુધી ટ્રાફિક જૅમ થયો હતો. તેણે કરેલા આરોપો અનુસાર સમૃદ્ધિ એક્સપ્રેસવે પર મુસાફરી કરતી વખતે RTOના અધિકારીઓએ ડ્રાઇવરને રોક્યો હતો. તેણે આરોપ લગાવ્યો હતો કે અધિકારીઓએ તેને ગેરકાયદે દંડ કર્યો હતો અને તેના કાગળો લઈ લીધા હતા. અધિકારીઓની મનમાનીથી ત્રાસેલા ડ્રાઇવરે ત્યાર બાદ કન્ટેનર લઈ જતું ટ્રેલર સમૃદ્ધિ એક્સપ્રેસવે પર આડું લગાડી દીધું હતું અને ટ્રેલર છોડીને ચાલ્યો ગયો હતો. ત્યજી દેવાયેલા ટ્રેલરને કારણે વાહનો કલાકો સુધી અટકી ગયાં હતાં. જોકે આ મનમાની બદલ ટ્રાફિક-પોલીસે ટ્રેલર હટાવીને ડ્રાઇવરની અટકાયત કરી હતી. 

પગોડામાંથી બચાવવામાં આવેલા મોરને જંગલમાં મુક્ત કરવામાં આવ્યો

ગોરાઈ નજીક ઉત્તનમાં આવેલા પગોડા વિસ્તારમાંથી રેસ્ક્યુ કરવામાં આવેલા એક મોરને મેડિકલ ચેકઅપ બાદ કુદરતી આવાસમાં મુક્ત કરવામાં આવ્યો હતો. શનિવારે વનવિભાગના અધિકારીઓ અને સ્વયંસેવકોની ટીમ દ્વારા મોરનું સફળ રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. એ સંપૂર્ણપણે સ્વસ્થ હોવાનું જણાતાં એને જંગલમાં છોડવા માટેનું હેલ્થ-સર્ટિફિકેટ આપવામાં આવ્યું હતું. તમામ જરૂરી સરકારી પ્રક્રિયાઓ પૂરી થાય ત્યાં સુધી મોરને ફૉરેસ્ટ ડિપાર્ટમેન્ટની ઑફિસમાં રાખવામાં આવ્યો હતો. ત્યાર બાદ એને એના કુદરતી આવાસમાં મુક્ત કરવામાં આવ્યો છે.

વાહનોની આંખો આંજી દેતી ડૅઝલિંગ લાઇટો સામે ટ્રાફિક-પોલીસની કડક કાર્યવાહી

રાતના સમયે વાહનોમાં વપરાતી તીવ્ર અને આંખોને આંજી નાખતી લાઇટોને કારણે થતા અકસ્માતો અટકાવવા માટે મુંબઈની ટ્રાફિક-પોલીસ દ્વારા ડૅઝલિંગ લાઇટ નામની ખાસ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. વાહનોમાં ગેરકાયદે રીતે લગાવવામાં આવતી વધારાની ફ્લૅશલાઇટ, LED અને ફૅન્સી હેડલાઇટને કારણે સામેથી આવતા ડ્રાઇવરોની દૃષ્ટિ ક્ષણભર માટે બાધિત થાય છે જેનાથી ગંભીર અકસ્માતોનું જોખમ વધી જાય છે. આ અકસ્માતો અટકાવવા અને નાગરિકોની મુસાફરી સુરક્ષિત બનાવવાના મુખ્ય હેતુથી આ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. મુંબઈના પોલીસ-કમિશનરના આદેશથી મુંબઈના ૪૧ ટ્રાફિક-વિભાગોમાં છથી ૯ ઑગસ્ટ દરમ્યાન કડક ચેકિંગ કરવામાં આવ્યું હતું. મોટર વાહન કાયદાની સંબંધિત કલમો હેઠળ કુલ ૧૧૯૪ વાહનો સામે કાર્યવાહી કરીને ૭,૫૦,૦૦૦ રૂપિયાનો દંડ વસૂલ કરવામાં આવ્યો છે. ટ્રાફિક-પોલીસે સ્પષ્ટ કર્યું છે કે આ ઝુંબેશ આગામી દિવસોમાં પણ ચાલુ રહેશે. તેથી તમામ વાહનચાલકોને રાત્રે લો-બીમનો ઉપયોગ કરવા અને ગેરકાયદે ફ્લૅશલાઇટો કે LED બાર્સ ન વાપરવાની અપીલ કરવામાં આવી છે.

વસઈમાં પાઇપલાઇનમાં પંક્ચર થયું, હજારો લીટર પાણી વેડફાયું

સૂર્યા ડૅમમાંથી પાણીની સપ્લાય કરતી મેઇન પાઇપલાઇનમાં વસઈના સાતીવલી ખાતે ગઈ કાલે બપોરે પંક્ચર પડ્યું હતું જેને કારણે હજારો લીટર પાણી વેડફાઈ ગયું હતું. પાણીનો ફોર્સ એટલો હતો કે એની બાજુમાં રોડ પરથી પસાર થઈ રહેલાં વાહનોએ સંભાળીને પસાર થવું પડતું હતું. આ ઘટનાને લઈને વસઈકરોમાં રોષ ફેલાયો હતો. તેમણે વહેલી તકે લીકેજ રોકીને પાઇપલાઇનનું સમારકામ હાથ ધરવા વસઈ-વિરાર મ્યુનિસિપલ કૉર્પોરેશન (VVMC)ને રજૂઆત કરી હતી. પ્રશાસને યોગ્ય પગલાં લઈને સમારકામ હાથ ધર્યું હતું.

ગુડગાંવના પ્રોજેક્ટમાં એક પેન્ટહાઉસ ૨૭૧ કરોડ રૂપિયામાં વેચાયું

દેશની સૌથી મોટી રિયલ એસ્ટેટ કંપની DLFએ ગુડગાંવમાં આવેલા એના આગામી સુપરલક્ઝુરિયસ પ્રોજેક્ટ ‘ધ ડેલીઆઝ’માં એક પેન્ટહાઉસ ૨૭૧ કરોડ રૂપિયામાં વેચ્યું છે. આ પેન્ટહાઉસની કિંમતે બધાને આશ્ચર્યચકિત કર્યા છે.  આ પેન્ટહાઉસનો સુપરએરિયા ૧૭,૨૦૦ ચોરસફુટ અને કાર્પેટ એરિયા ૧૦,૫૦૦ ચોરસફુટ છે. સુપરએરિયાના આધારે સોદો આશરે ૧.૫૮ લાખ રૂપિયા પ્રતિ ચોરસફુટમાં થયો હતો. જોકે કાર્પેટ એરિયાના આધારે ગણતરી કરવામાં આવે તો કિંમત ૨.૬ લાખ રૂપિયા પ્રતિ ચોરસફુટ થાય છે. કંપનીએ આ પ્રોજેક્ટ ૨૦૨૪ના ઑક્ટોબરમાં લૉન્ચ કર્યો હતો. ૧૭ એકરમાં ફેલાયેલા આ પ્રોજેક્ટમાં ૪૨૦ પેન્ટહાઉસનું બાંધકામ થવાનું છે. આ પ્રોજેક્ટમાં ૬૫ ટકા ફ્લૅટ વેચાઈ ગયા છે.

વિપક્ષોએ અમિત શાહની ગેરહાજરીનો ચાર્ટ દર્શાવ્યો

ગઈ કાલે એક તરફ ગૃહ પ્રધાન અમિત શાહ પાર્લમેન્ટમાં જતા જોવા મળ્યા હતા અને બીજી તરફ વિપક્ષી સંસદસભ્યોએ સંસદના ચોમાસુ સત્ર દરમ્યાન સદનમાં તેમની ગેરહાજરી દર્શાવતો ચાર્ટ દેખાડીને વિરોધ વ્યક્ત કર્યો હતો.

મધ્ય પ્રદેશમાં નાળામાં વહી ગઈ કાર: ૯ લોકોના મૃતદેહ મળ્યા, બેનો બચાવ 

મધ્ય પ્રદેશના રાજગઢ જિલ્લાના સારંગપુરમાં ભારે વરસાદને પગલે એક કાર પાણીથી ઊભરાતા નાળામાં વહી ગઈ હતી. એમાં સવાર ૧૧ લોકોમાંથી ૯ લોકોએ જીવ ગુમાવ્યો હતો, જ્યારે બે જણને બચાવી લેવામાં આવ્યા હતા. સ્થાનિક લોકોની ચેતવણી છતાં ડ્રાઇવરે પાણીના ધમસમતા પ્રવાહમાં નાળાને પાર કરવાનો પ્રયાસ કર્યો, જેને કારણે આ દુ:ખદ અકસ્માત સર્જાયો હતો. કારમાં ૪ બાળકો, ૪ મહિલાઓ અને ૩ પુરુષો સહિત ૧૧ લોકો પ્રવાસ કરતા હતા. તેઓ એક ધાર્મિક સ્થળનાં દર્શન કરીને પાછાં ફરતાં હતાં.

Whatsapp-channel Whatsapp-channel

11 August, 2026 09:59 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK