દુ:ખના ડુંગર બાદ અજિત પવારના કુટુંબમાં આવશે બીજો આનંદનો પ્રસંગ
કાયનાત ધર અને પાર્થ પવાર.
મહારાષ્ટ્રના ભૂતપૂર્વ નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારના પુત્ર તથા નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (NCP)ના સંસદસભ્ય પાર્થ પવારની સગાઈ મૂળ કાશ્મીરની કાયનાત ધર સાથે ૨૯ જુલાઈએ નક્કી થઈ છે. પુણેમાં બન્નેના ગોળધાણા યોજવામાં આવશે એવી જાણકારી મળી છે. અજિત પવારનું આ વર્ષે ૨૮ જાન્યુઆરીએ બારામતીમાં પ્લેન-ક્રૅશમાં મૃત્યુ થયું ત્યાર બાદ પવાર કુટુંબમાં આ બીજો ખુશીનો પ્રસંગ છે.
આ પહેલાં સુપ્રિયા સુળેની દીકરી રેવતી સુળેનાં લગ્નનો પ્રસંગ પવાર કુટુંબમાં ઊજવાયો હતો, જે દરમ્યાન પાર્થ પવાર અને કાયનાત એકસાથે દેખાયાં હતાં. ત્યારથી જ બન્નેનાં લગ્નની ચર્ચા ચાલતી હતી. બન્નેએ તાજેતરમાં મધ્ય પ્રદેશના ઉજ્જૈનના મહાકાલેશ્વર જ્યોતિર્લિંગનાં પણ એકસાથે દર્શન કર્યાં હતાં, જેના ફોટો સોશ્યલ મીડિયા પર વાઇરલ થયા હતા અને બન્નેનાં લગ્નની અટકળો શરૂ થઈ હતી.
ADVERTISEMENT
મૉડલ અને ઑન્ટ્રપ્રનર છે કાયનાત ધર
કાયનાત ધરે મૉડલિંગ ક્ષેત્રે પોતાની કારકિર્દી બનાવી છે અને તે સફળ મૉડલ હોવા ઉપરાંત ઑન્ટ્રપ્રનર પણ છે. મૂળ જમ્મુ-કાશ્મીરની કાયનાત ધર મુંબઈ અને દિલ્હી આ બન્ને શહેરોમાં રહે છે. કાયનાતનું કુટુંબ પહેલેથી જ પવાર કુટુંબ સાથે ઘરોબો ધરાવતું હતું, પરંતુ રેવતી સુળે અને નાગપુરના બિઝનેસમૅન સારંગ લાખાણીનાં લગ્ન દરમ્યાન બન્ને કુટુંબ વચ્ચેની ઘનિષ્ઠતા વધી હોવાનું કહેવાય છે.
