ત્યાંની ગટરમાંથી એક પ્લાસ્ટિકની બૅગ મળી આવી છે જેમાં કોઈ પુરુષના હાથ, પગ અને કમરની નીચેના ભાગના ટુકડા મળી આવતાં લોકોમાં દહેશત
પ્રતીકાત્મક તસવીર
નવી મુંબઈની એપીએમસી માર્કેટમાં પુનિત કૉર્નરથી લઈને માથાડી ચોકની વચ્ચે આવેલા નાળામાંથી રવિવારે એક પ્લાસ્ટિકની બૅગ મળી આવી છે જેમાંથી અંદાજે ૩૦થી ૩૫ વર્ષના પુરુષના હાથ, પગ અને કમરની નીચેના ભાગના ટુકડા મળી આવ્યા હતા. જ્યારે કે ધડ અને માથું બૅગમાં નહોતા. એપીએમસી પોલીસે હાલ હત્યાનો ગુનો નોંધી કેસની વધુ તપાસ ચાલુ કરી છે.
નવી મુંબઈ, મુંબઈ અને આજુબાજુના વિસ્તારનાં પોલીસ સ્ટેશનમાં એ તપાસ ચલાવાઈ રહી છે કે શું એ ઉંમરનો કોઇ યુવાન મિસિંગ છે? છે, તો ક્યાંનો છે? એ ઉપરાંત સીસીટીવી કૅમેરાનાં ફુટેજ મેળવવાના પ્રયાસ પણ થઈ રહ્યાં છે.
ADVERTISEMENT
રવિવારે એ નાળામાંથી ભયંકર દુર્ગંધ આવતી હોવાથી સ્થાનિક લોકોએ એ વિશે એપીએમસી પોલીસને જાણ કરી હતી. એપીએમસી પોલીસ તરત જ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને તપાસ કરતાં નાળામાંથી એક પ્લાસ્ટિકની બૅગ મળી આવી હતી જેમાં હાથ, પગ અને કમરની નીચેના ભાગના પુરુષ શરીરના ટુકડા ભરેલા હતા. એ થેલી કોણ નાખી ગયું? ક્યારે નાખી ગયું? એ બાબતની હાલ પોલીસ ઝીણવટભરી તપાસ કરી રહી છે. શક્ય છે કે મૃતકની હત્યા કરવાનું કામ એક વ્યક્તિનું ન હોય. એથી પોલીસ અલગ-અલગ ઍન્ગલથી આ કેસની તપાસ ચલાવી રહી છે. બીજું, જો મૃતકના હાથ, પગ અને કમરનો ભાગ મળી આવ્યો છે તો તેના ધડ અને માથું પણ બીજે ક્યાંક ડિસ્પોઝ કરાયા હશે એથી એની પણ શોધ ચાલી રહી છે. જો માથું મળે તો ચહેરાની ઓળખ થઈ શકે અને એ મૃત વ્યક્તિ કોણ હતી એ જાણી શકાય અને પછી એના આધારે તેની હત્યા કોણે કરી એ જાણી શકાય.
એપીએમસી પોલીસ સ્ટેશનના સિનિયર પીઆઇ વિકાસ રામગુડેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘હાલ અમે હત્યાનો ગુનો નોંધી તેની બૉડીના બીજા પાર્ટ્સ શોધી રહ્યા છીએ. સાથે જ એ વ્યક્તિ કોણ છે એની પણ તપાસ ચલાવી રહ્યા છીએ.’

