૫૬ વર્ષનાં પરમ પૂજ્ય સાધ્વીજી પોલારપુરથી પાલિતાણા જઈ રહ્યાં હતાં ત્યારે ધંધુકા પાસે ઍક્સિડન્ટ થવાથી માથામાં જીવલેણ માર વાગ્યો હતો
પરમ પૂજ્ય સાધ્વીજી ચિંતનપુણાશ્રીજી મહારાજસાહેબ.
મુંબઈ : કારતકી પૂનમના ચાતુર્માસ પૂરા થતાં જ સાધુ-સાધ્વીજી ભગવંતોના હાઇવે પર ચાલીને વિહાર શરૂ થાય છે. એના થોડા જ દિવસમાં ત્રીજી ડિસેમ્બરે પૂજ્ય યુગદિવાકર ધર્મસૂરીશ્વરજી મહારાજસાહેબના સમુદાયના પૂજ્ય આચાર્ય શ્રી વિજયપદ્મસૂરીશ્વરજી મહારાજસાહેબના શિષ્યરત્ન ૩૪ વર્ષના મુનિરાજશ્રી મહાવ્રતવિજયજીસાહેબ (નડિયાદવાળા) સવારે આઠ વાગ્યે ધોલેરાથી પાલિતાણા તરફ વિહાર કરી રહ્યા હતા એ સમયે રોડ-અકસ્માતમાં કાળધર્મ પામ્યા હતા. આ આઘાતમાંથી જૈન સમાજ અને જૈન સાધુ-સંતો બહાર આવ્યા નથી ત્યાં જ ગઈ કાલે સવારે ૫.૧૫ વાગ્યે પરમ પૂજ્ય નીતિસૂરીશ્વરજી મહારાજસાહેબના સમુદાયનાં પરમ પૂજ્ય સાધ્વીજી વિશ્વપૂર્ણાશ્રીજી મહારાજસાહેબનાં શિષ્યા ૫૬ વર્ષનાં પરમ પૂજ્ય સાધ્વીજી ચિંતનપુણાશ્રીજી મહારાજસાહેબ પોલારપુરથી પાલિતાણા જઈ રહ્યાં હતાં ત્યારે તેમની વ્હીલચૅરને પાછળથી આવતી ઇનોવા કારની ટક્કર લાગતાં કાળધર્મ પામતાં જૈન સમાજમાં ગમગીની છવાઈ ગઈ હતી. તેમની પાલખીયાત્રા અને તેમના અંતિમ સંસ્કાર ગઈ કાલે ધંધુકામાં કરવામાં આવ્યાં હતાં.
પરમ પૂજ્ય સાધ્વીજી ચિંતનપુણાશ્રીજી મહારાજસાહેબનું સાંસારિક નામ ચંદ્રિકાબહેન હતું. તેઓ ડાયલના/પુણે/વાપીના નિવાસી જેઠમલજીનાં સાંસારિક પુત્રી હતી. ગઈ કાલના રોડ-અકસ્માતની માહિતી આપતાં તેમના ધંધુકા જૈન સંઘના મહેશ બેલાનીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ચિંતનપુણાશ્રીજી મહારાજસાહેબ પાલિતાણા તરફ વિહાર કરીને જઈ રહ્યાં હતાં ત્યારે ધંધુકાથી દોઢ કિલોમીટર આગળ એક પટેલ પરિવારની ઇનોવા કારે સાધ્વીજીની વ્હીલચૅરને પાછળથી ટક્કર મારતાં સાધ્વીજી રોડ પર પછડાતાં તેમને માથામાં જીવલેણ માર વાગ્યો હતો. પટેલ પરિવાર તરત જ સાધ્વીજીને તેમની કારમાં નજીકની હૉસ્પિટલમાં સારવાર માટે લઈ ગયો હતો, જ્યાં સાધ્વીજી મહારાજસાહેબ સારવાર દરમ્યાન કાળધર્મ પામ્યાં હતાં. આ સમાચાર મળતાં ધંધુકા જૈન સંઘના કાર્યકરો હાજર થઈ ગયા હતા અને સાધ્વીજીના સાંસારિક પરિવારની સંમતિથી સાધ્વીજી મહારાજસાહેબની પાલખીયાત્રા અને અંતિમ સંસ્કાર ધંધુકામાં જ કરવામાં આવ્યાં હતાં. આખી પ્રક્રિયામાં પટેલ પરિવાર સાધ્વીજી મહારાજસાહેબના પરિવારની સાથે રહ્યો હતો.’

