સોશ્યલ મીડિયા પર શૅર લે-વેચની ગેરકાયદે ઍડ્વાઇઝ આપતા ફિનફ્લુઅન્સર્સ સામે સેબીએ કરી કાર્યવાહી : ૧૭.૨ કરોડ રૂપિયા રીફન્ડ આપવાનો આદેશ
મોહમ્મદ નસીરુદ્દીન અન્સારી
સિક્યૉરિટીઝ ઍન્ડ એક્સચેન્જ બોર્ડ ઑફ ઇન્ડિયા (SEBI-સેબી)એ શૅરબજારમાં ઇન્વેસ્ટમેન્ટની ગેરકાયદે ઍડ્વાઇઝ આપતા ફિનફ્લુઅન્સર્સ સામે ફરી પાછી ઍક્શન લીધી છે. આ વખતે એણે છેલ્લા એક વર્ષથી ‘બાપ ઑફ ચાર્ટ’ના નામે સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર શૅર લે-વેચની ઍડ્વાઇઝ આપતા મોહમ્મદ નસીરુદ્દીન અન્સારી સહિત રાહુલરાવ પદમાતી, તબરેઝ અબદુલ્લા, આસિફ ઇકબાલ વાણી, ગોલ્ડન સિન્ડિકેટ વેન્ચર્સ પ્રાઇવેટ લિમિટેડ, મન્શા અબદુલ્લા અને વામશી જાદવને રોકાણકારોને ગેરકાયદે સલાહ આપીને તેમને નુકસાન કરાવવા બદલ ૧૭.૨ કરોડ રૂપિયા રીફન્ડ આપવાનો આદેશ આપ્યો છે.
આ લોકો એજ્યુકેશનલ ટ્રેઇનિંગ આપવાના નામે આ કામ કરતા હતા. સેબીએ આ ગેરકાયદે પ્રવૃત્તિ કરવા બદલ મોહમ્મદ અન્સારીને ૨૦ લાખ અને બાકીનાઓને બે લાખ રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે.
ADVERTISEMENT
સેબીના ફુલટાઇમ મેમ્બર અમરજિત સિંહે પોતાના ફાઇનલ ઑર્ડરમાં કહ્યું હતું કે ‘ઇન્વેસ્ટમેન્ટ ઍડ્વાઇઝરી સર્ટિફિકેટ વગર આ લોકો ઇન્વેસ્ટરોને ઍડ્વાઇઝરી સર્વિસના નામે અવ્યાવહારિક રિટર્ન પ્રૉમિસ કરીને એના બદલામાં તેમની પાસેથી એજ્યુકેશનલ કોર્સની ફીના નામે પૈસા ઊભા કરતા હતા. મારા મતે આવા ઇન્વેસ્ટમેન્ટ ઍડ્વાઇઝર્સ રોકાણકારોને ગેરમાર્ગે દોરતા હોવાથી એ ચિંતાની બાબત છે. માર્કેટમાં ટ્રેડિંગ કરીને મોહમ્મદ અન્સારીએ નુકસાન જ કર્યું છે. એનો મતલબ એવો થાય છે કે તેણે રોકાણકારોને જે રિટર્ન પ્રૉમિસ કર્યું હતું એ શક્ય નથી એની તેને પહેલેથી જાણ હતી છતાં ખોટાં પ્રૉમિસ કરીને તેણે રોકાણકારો સાથે છેતરપિંડી કરી છે.’