Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > દશેરાસભામાં ઉદ્ધવ ઠાકરેના ભાષણ બાદ એકનાથ શિંદે આપશે સ્પીચ?

દશેરાસભામાં ઉદ્ધવ ઠાકરેના ભાષણ બાદ એકનાથ શિંદે આપશે સ્પીચ?

03 October, 2022 12:49 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ભૂતપૂર્વ મુખ્ય પ્રધાનને તરત જ જવાબ આપવા હાલના સીએમે અપનાવી છે આ સ્ટ્રૅટેજી : શિવસેનાનાં બંને જૂથે ટીઝર લૉન્ચ કરતાં વાતાવરણ ગરમાયું

ફાઇલ તસવીર

ફાઇલ તસવીર


આજે આઠમું નોરતું છે અને દશેરાને ત્રણ જ દિવસ બાકી છે ત્યારે શિવસેનામાં ચાલી રહેલો સત્તાસંઘર્ષ ફરી ચરમસીમાએ પહોંચી રહ્યો છે. એકનાથ શિંદે અને ઉદ્ધવ ઠાકરે જૂથે દશેરાસભા માટેનાં ટીઝર રિલીઝ કર્યા છે, જેમાં તેમણે શિવસેનાના સ્થાપક બાળાસાહેબ ઠાકરેનો સમાવેશ કર્યો છે. ઉદ્ધવ ઠાકરેની સભા શિવાજી પાર્કમાં તો એકનાથ શિંદેની સભા બાંદરામાં બીકેસીમાં આવેલા એમએમઆરડીએ ગ્રાઉન્ડમાં યોજાશે.

એકનાથ શિંદેએ શિવસેનાના ૪૦ વિધાનસભ્યો સાથે પક્ષમાં ઐતિહાસિક બળવો કર્યા બાદ આ દશેરામાં પહેલી પરંપરાગત સભા પાંચમી ઑક્ટોબરે થશે. શિવસેનાની સ્થાપના થઈ ત્યારથી અત્યાર સુધી દાદરમાં આવેલા શિવાજી પાર્ક મેદાનમાં બાળાસાહેબ ઠાકરે અને ઉદ્ધવ ઠાકરેએ જ પરંપરાગત દશેરાસભા સંબોધી છે. પહેલી વખત એવું થઈ રહ્યું છે કે ‌એક જ પક્ષ માટે ઉદ્ધવ ઠાકરે શિવાજી પાર્કમાં અને બાંદરાના એમએમઆરડીએ ગ્રાઉન્ડમાં એકનાથ શિંદે ‌શિવસૈનિકોને માર્ગદર્શન કરશે. એકનાથ શિંદે પોતાની શક્તિ બતાવવા માટેનો પ્રયાસ કરી રહ્યા છે, જ્યારે ઉદ્ધવ ઠાકરે આ સભાના માધ્યમથી પોતાનું વર્ચસ બચાવવા મેદાનમાં ઊતરશે.



ઉદ્ધવ ઠાકરેએ દશેરાસભા માટે ટીઝર રિલીઝ કર્યું હતું. એમાં બાળાસાહેબ ઠાકરેના અવાજનો ઉપયોગ કરવામાં આવ્યો છે. એકનાથ શિંદે જૂથે રિલીઝ કરેલા ટીઝરમાં ‘નિષ્ઠાનો સાગર ઊછળશે, ભગવો સરહદ ઓળંગીને ફરકશે’ એવું લખવાની સાથે બાળાસાહેબ ઠાકરેના ફોટોનો ઉપયોગ કરવામાં આવ્યો છે.


બીજા ટીઝરમાં ઉદ્ધવની જૂની ક્લિપ
દશેરાસભા માટે એકનાથ શિંદે જૂથે બીજું ટીઝર રિલીઝ ર્ક્યું છે, જેમાં ઉદ્ધવ ઠાકરેની જૂની ક્લિપનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ઉદ્ધવ ઠાકરેએ કૉન્ગ્રેસ-એનસીપી પર ભૂતકાળમાં કરેલા પ્રહારની ક્લિ‍પ એકનાથ શિંદે જૂથે ટીઝરમાં મૂકી છે. આમ કરીને એકનાથ શિંદે જૂથ સાબિત કરવા માગે છે કે ગદ્દાર તેઓ નથી, પણ ઉદ્ધવ ઠાકરે છે જેમણે વર્ષો સુધી જેમને અડકવામાં પણ પાપ ગણતા હતા તેમની સાથે સરકાર બનાવીને જનતા સાથે ગદ્દારી કરી છે. આ ટીઝર પરથી જણાઈ આવે છે કે દશેરાસભામાં એકનાથ શિંદે અને તેમના સાથીઓ ઉદ્ધવ ઠાકરે પર તૂટી પડશે.

ઉદ્ધવ ઠાકરે બાદ એકનાથ શિંદે ભાષણ કરશે
શિવસેનાની પરંપરાગત દશેરાસભા બુધવારે યોજાવાની છે ત્યારે શિવસૈનિકોને માર્ગદર્શન કરવા માટે એકનાથ શિંદેએ ટાઇમિંગ પ્લાન કર્યો હોવાનું જાણવા મળ્યું હતું. શિવસેના-પ્રમુખ ઉદ્ધવ ઠાકરે રાત્રે ૮ વાગ્યે શિવાજી પાર્કમાં આયોજિત સભાને સંબોધન કરશે. તેમનું ભાષણ પૂરું થયા બાદ એકનાથ શિંદે સંબોધન કરશે એવું જાણવા મળ્યું હતું. આમ કરીને એકનાથ શિંદે ઉદ્ધવ ઠાકરેને દશેરાસભામાં જ જવાબ આપશે અને શિવસૈનિકોને આગળનો સંદેશ આપી શકશે.


Whatsapp-channel Whatsapp-channel

03 October, 2022 12:49 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK