નવા ઇન્ફ્રા પ્રોજેક્ટ્સથી શહેરમાં એક છેડેથી બીજા છેડે પહોંચવાનો ટ્રાવેલ-ટાઇમ ઘટીને ૫૦-૬૦ મિનિટ થશે: સાયન, વિદ્યાવિહાર અને ગોરેગામ-મુલુંડ લિન્ક રોડ પરના ફ્લાયઓવરથી ઈસ્ટ-વેસ્ટ કનેક્ટિવિટી બનશે મજબૂત
ગઈ કાલે ૩ નવા ફ્લાયઓવરનું વર્ચ્યુઅલ ઉદ્ઘાટન કરતા દેવેન્દ્ર ફડણવીસ, ગોરેગામ-મુલુંડ લિન્ક રોડ ફ્લાયઓવર. તસવીર : સતેજ શિંદે
મુંબઈમાં નવા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સને કારણે ઉત્તર-દક્ષિણ અને પૂર્વ-પશ્ચિમ વચ્ચે વધુ સારી કનેક્ટિવિટી ઊભી થશે, જેનાથી આખા શહેરમાં એક છેડેથી બીજા છેડે પહોંચવાનો પ્રવાસ-સમય ઘટીને ૫૦થી ૬૦ મિનિટ થઈ જશે એમ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે ગુરુવારે જણાવ્યું હતું.
શહેરમાં ૩ નવા બનેલા ફ્લાયઓવરનું વર્ચ્યુઅલ ઉદ્ઘાટન કર્યા બાદ દેવેન્દ્ર ફડણવીસ સંબોધન કરી રહ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે મુંબઈના એક ભાગમાંથી બીજા ભાગમાં માત્ર ૫૦થી ૬૦ મિનિટમાં પહોંચવાના અમારા સંકલ્પમાં આ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ અત્યંત મહત્ત્વપૂર્ણ સાબિત થશે. આ નવા પુલોને કારણે ટ્રાફિકની ગીચતા ઘટશે અને નાગરિકોનું જીવન વધુ સરળ બનશે.
ADVERTISEMENT
આ ત્રણેય પ્રોજેક્ટ્સનો મુખ્ય ઉદ્દેશ શહેરની પૂર્વ-પશ્ચિમ કનેક્ટિવિટી સુધારવાનો, મુસાફરીનો સમય ઘટાડવાનો અને મહત્ત્વનાં જંક્શનો પર ટ્રાફિકની સમસ્યા હળવી કરવાનો છે.
બ્રિટિશકાળના ૧૧૨ વર્ષ જૂના સાયન રેલવે ઓવર બ્રિજને ૨૦૧૯માં જોખમી જાહેર કરાયા બાદ તોડી પાડીને નવો બનાવવામાં આવ્યો છે. મુંબઈ અર્બન ટ્રાન્સપોર્ટ પ્રોજેક્ટ (MUTP-II) હેઠળ છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (CSMT) અને કુર્લા વચ્ચે પાંચમી અને છઠ્ઠી રેલવેલાઇન નાખવા માટે આ નવો બ્રિજ જગ્યા ઉપલબ્ધ કરાવશે. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)ના જણાવ્યા અનુસાર ફેબ્રુઆરી ૨૦૨૭માં પૂરો થનારો આ પ્રોજેક્ટ નિર્ધારિત સમય કરતાં ૪ મહિના વહેલો પૂરો કરી લેવામાં આવ્યો છે.

સાયન ફ્લાયઓવર, વિદ્યાવિહાર ફ્લાયઓવર. તસવીર : સૈયદ સમીર અબેદી
વિદ્યાવિહાર બ્રિજ પૂર્વમાં આવેલા રામચંદ્ર ચેમ્બુરકર માર્ગને પશ્ચિમના લાલ બહાદુર શાસ્ત્રી (LBS) માર્ગ સાથે જોડે છે. આ પુલને કારણે બન્ને બાજુ વચ્ચે મુસાફરીનો સમય આશરે ૩૦ મિનિટથી ઘટીને માત્ર ૧૦ મિનિટ થઈ જશે. મુખ્ય પ્રધાને જણાવ્યું હતું કે આ પુલ કાર્યરત થવાથી ઘાટકોપર રેલવે ઓવર બ્રિજ પર ટ્રાફિકનું ભારણ નોંધપાત્ર રીતે ઘટશે.
ત્રીજો ૧.૨૬ કિલોમીટર લાંબો ફ્લાયઓવર ગોરેગામ-મુલુંડ લિન્ક રોડ (GMLR) પ્રોજેક્ટના ભાગરૂપે ગોરેગામ (ઈસ્ટ)માં હોટેલ રત્નાગિરિ જંક્શન નજીક બનાવવામાં આવ્યો છે. એ જનરલ અરુણ કુમાર વૈદ્ય માર્ગને સંતોષનગર નજીક દાદાસાહેબ ફાળકે ચિત્રનગરી રોડ સાથે જોડે છે.
આ ઉદ્ઘાટન સમારોહમાં નાયબ મુખ્ય પ્રધાન સુનેત્રા પવાર, મહારાષ્ટ્રના પ્રધાનો આશિષ શેલાર અને મંગલ પ્રભાત લોઢા તેમ જ મુંબઈનાં મેયર રિતુ તાવડે પણ ઉપસ્થિત રહ્યાં હતાં.
