કલ્યાણના પત્રી પુલ (રોડ ઓવર બ્રિજ) પર ગર્ડર બેસાડવા સહિત અન્ય મહત્ત્વનાં કામ કરવાનાં હોવાથી સેન્ટ્રલ રેલવેએ શનિવાર-રવિવારે મધરાત બાદ સ્પેશ્યલ બ્લૉક લીધો છે.
પ્રતીકાત્મક ફાઈલ તસવીર
કલ્યાણના પત્રી પુલ (રોડ ઓવર બ્રિજ) પર ગર્ડર બેસાડવા સહિત અન્ય મહત્ત્વનાં કામ કરવાનાં હોવાથી સેન્ટ્રલ રેલવેએ શનિવાર-રવિવારે મધરાત બાદ સ્પેશ્યલ બ્લૉક લીધો છે. રાતે ૧.૪૦થી સવારે ૪.૩૦ વાગ્યા સુધી કલ્યાણ અને થાણે વચ્ચે આ બ્લૉક રહેશે. હેવી ગર્ડર બેસાડવાના હોવાથી ત્યારે પાવર-સપ્લાય કાપી નાખવામાં આવશે એટલે એ સમય દરમ્યાન લોકલ ટ્રેનો કૅન્સલ કરવામાં આવી છે, જ્યારે લાંબા અંતરની લોકમાન્ય તિલક ટર્મિનસ અને છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ આવતી કેટલીક મેલ-એક્સપ્રેસ ટ્રેનોને ડાઇવર્ટ કરવામાં આવી છે તો કેટલીક ટ્રેનોને કલ્યાણમાં શૉર્ટ ટર્મિનેટ કરી ત્યાંથી જ રિટર્ન મોકલવામાં આવશે.
સેન્ટ્રલ રેલવેએ જણાવ્યું છે કે આ બ્લૉક દરમ્યાન ઠાકુર્લી અને કલ્યાણ સ્ટેશન વચ્ચે આવેલા પત્રી પુલનો ગર્ડર બેસાડવાનું, ઉલ્હાસનગરમાં ૧૨ ફુટ પહોળા ફુટ ઓવર બ્રિજનું, કલ્યાણ અને અંબરનાથ વચ્ચેના ફાટકને બદલે બની રહેલા રોડ ઓવર બ્રિજનું અને નેરળમાં ૬ મીટર પહોળા ફુટ ઓવર બ્રિજનું કામ કરવામાં આવશે.