બે મેટ્રો લાઇનના વાયા ડક્ટમાં બાંધવામાં આવ્યો હોવાથી ભવિષ્યમાં મેટ્રોના પ્રવાસીઓને પણ ઉપયોગી બનશે
ઘોડબંદર રોડ પર નવા બાંધવામાં આવેલા ભાઈંદર પાડા ફ્લાયઓવરનું ગઈ કાલે નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ લોકાર્પણ કર્યું હતું. (તસવીર : સતેજ શિંદે)
થાણેના ઘોડબંદર રોડ પર આવેલા ભાઈંદર પાડા પાસેના ફ્લાયઓવરનું ગઈ કાલે રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ લોકાર્પણ કર્યું હતું. આ ઘોડબંદર રોડ પર થાણે, ભિવંડી, નવી મુંબઈ, JNPT તેમ જ બોરીવલી, વસઈ-વિરાર અને ગુજરાત તરફ જવા માટે મોટા પ્રમાણમાં વાહનોની અવરજવર થાય છે. ભાઈંદર પાડાનો ફ્લાયઓવર તૈયાર થઈ જવાથી આ રસ્તામાં થતી ટ્રૅફિકની સમસ્યામાં રાહત મળશે.
૬૦૧ મીટર લાંબા ભાઈંદર પાડા ફ્લાયઓવરની વિશેષતા એ છે કે એ મેટ્રો લાઇનના ૪ અને ૪-એના વાયા ડક્ટમાં બનાવવામાં આવ્યો છે. એટલે કે એક જ જગ્યાનો ઉપયોગ કરીને રસ્તા અને મેટ્રો સાથે સમન્વય કરવામાં આવ્યો છે. આથી ભવિષ્યમાં મેટ્રો સર્વિસ શરૂ થશે ત્યારે આ વિસ્તારના રહેવાસીઓ સરળતાથી મેટ્રોના સ્ટેશન સુધી પહોંચી શકશે.

