૧૪૫થી વધુ કેસમાં પોલીસની મદદ કરનાર જાંબાઝ ડૉબરમૅન બેલીએ લીધા અંતિમ શ્વાસ
બે હૅન્ડલર સાથે બેલી અને અંતિમ ક્રિયા સમયે ઉપસ્થિત સિનિયર પોલીસ અધિકારીઓ.
થાણે ગ્રામીણ પોલીસ દળમાં છેલ્લાં ૮ વર્ષથી અપ્રતિમ સેવા આપનાર ૯ વર્ષની ડૉબરમૅન નસલની જાંબાઝ ડૉગી બેલીનું કાળઝાળ ગરમીને કારણે હીટસ્ટ્રોક થવાથી સોમવારે રાતે મૃત્યુ થયું હતું. ચોંકાવનારી વાત એ છે કે મૃત્યુના થોડા કલાકો પહેલાં જ બેલીએ ટિટવાલા ખાતે થયેલા એક મર્ડરનો ભેદ ઉકેલવામાં પોલીસને મદદ કરી હતી. ગુનાની તપાસ પૂરી કરીને સોમવારે બપોરે અઢી વાગ્યે એ પોલીસની ટીમ સાથે હેમખેમ પાછી ફરી હતી, પરંતુ સાંજે અચાનક તબિયત બગડતાં એણે દમ તોડી દીધો હતો. બેલીના આકસ્મિક નિધનને પગલે સમગ્ર થાણે પોલીસદળમાં શોકની લહેર વ્યાપી ગઈ છે.
થાણે ગ્રામીણ પોલીસના અધિકારી અને બેલીના હૅન્ડલર સમીર ડિકેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘સોમવારે ટિટવાલામાં થયેલા ખૂનના ગુનામાં મહત્ત્વની કડીઓ શોધ્યા બાદ અમારી સાથે તે થાણે પાછી આવી હતી. સાંજે ૭ વાગ્યે રોજિંદી પ્રક્રિયા મુજબ બેલીને મેં ઇશારો કર્યો હતો, પરંતુ એણે કોઈ પ્રતિભાવ આપ્યો નહોતો. એ જમીન પરથી ન ઊઠતાં તાત્કાલિક એને ડૉક્ટર પાસે લઈ ગયા હતા જ્યાં ડૉક્ટરે એને મૃત જાહેર કરી હતી. પ્રાથમિક અંદાજ મુજબ એનું મોત સખત ગરમી અને હીટસ્ટ્રોકને કારણે થયું હોવાનું કહેવાય છે. ત્યાર બાદ એના મૃતદેહને પોસ્ટમૉર્ટમ માટે મોકલવામાં આવ્યો હતો. મંગળવારે છેલ્લા શ્વાસ સુધી ફરજ પ્રત્યે વફાદાર રહેનાર આ સુપરડૉગને થાણે પોલીસ દ્વારા ગાર્ડ ઑફ ઑનર સાથે ભાવપૂર્ણ વિદાય આપવામાં આવી હતી. એના અંતિમ સંસ્કાર વખતે થાણેના તમામ સિનિયર પોલીસ-અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને અત્યંત માનપૂર્વક એની અંતિમક્રિયા પાર પાડી હતી.’
ADVERTISEMENT
બેલીના નિધનથી એના હૅન્ડલર સમીર ડિકે ભાંગી પડ્યા હતા અને પોતાનાં આંસુ રોકી શક્યા નહોતા. તેમણે કહ્યું હતું કે ‘બેલી માત્ર બે મહિનાની હતી ત્યારથી મેં મારા બાળકની જેમ રમાડીને મોટી કરી હતી. એનો જન્મ જાણે પોલીસસેવામાં યોગદાન આપવા માટે જ થયો હતો. બેલીએ ચંડીગઢના રાષ્ટ્રીય શ્વાન પ્રશિક્ષણ કેન્દ્રમાં મારી સાથે ૯ મહિનાની આકરી ટ્રેઇનિંગ પૂરી કરી હતી અને ૨૦૧૮ની ૨૯ ઑક્ટોબરે ઑફિશ્યલ રીતે થાણે ગ્રામીણ પોલીસ દળમાં જોડાઈ હતી. પોતાની તેજસ્વી બુદ્ધિ અને સૂંઘવાની અદ્ભુત ક્ષમતાને કારણે એ ટૂંક સમયમાં જ થાણે ગ્રામીણ પોલીસ સ્ક્વૉડની કરોડરજ્જુ બની ગઈ હતી.’
બેલીએ ૧૮ કેસમાં પોલીસને સીધા આરોપી સુધી પહોંચાડ્યા
હૅન્ડલર સમીર ડિકેએ કહ્યું હતું કે ‘પોતાની ૮ વર્ષની યશસ્વી કારકિર્દી દરમ્યાન બેલીએ ચોરી, લૂંટફાટ અને મર્ડર જેવા અનેક ગંભીર ગુનાઓમાં પોલીસને સાચી દિશા બતાવી હતી. તેણે ૧૪૫થી વધુ ગુનાહિત કેસોમાં ઇનડાયરેક્ટ્લી પોલીસને આરોપીઓ સુધી પહોંચાડવામાં મદદ કરી હતી, જ્યારે ૧૮ જટિલ કેસોમાં એ ડાયરેક્ટ આરોપીઓની ગરદન સુધી પોલીસને દોરી ગઈ હતી.’
