૩૫ વર્ષનો આરોપી દિનેશ ગાયકવાડ ચેમ્બુરમાં રહે છે અને એક પ્રાઇવેટ કંપનીમાં જૉબ કરે છે.
ટીનેજરના કપાયેલા વાળ
કલ્યાણમાં રહેતી અને માટુંગાની રૂપારેલ કૉલેજમાં ભણતી ટીનેજરના સોમવારે સવારે દાદર સ્ટેશન પર વાળ કાપીને ભાગી ગયેલા ૩૫ વર્ષના દિનેશ ગાયકવાડે પોતે શું કામ આવું કર્યું હતું એનું રહસ્ય પોલીસ સમક્ષ ખોલ્યું હતું.
પોલીસ-કસ્ટડીમાં તપાસ દરમ્યાન આરોપી દિનેશ ગાયકવાડે પોલીસને કહ્યું હતું કે તેને મહિલાઓના લાંબા વાળ પસંદ નથી અને આ જ કારણસર તેણે આવું કર્યું હતું. સોમવારે તે ટીનેજરના વાળ કાપી કાતર બૅગમાં મૂકીને ભાગી ગયો હતો. આ પહેલાં ગયા વર્ષના ઑગસ્ટ મહિનામાં પણ તે ૪૦ વર્ષની એક મહિલાના આવી જ રીતે વાળ કાપીને ભાગી ગયો હોવાની વાત પોલીસની સામે આવી છે. હવે પોલીસ આ આખા પ્રકરણમાં તેની સાથે કોઈ સામેલ છે કે નહીં અને અત્યાર સુધીમાં તેણે કેટલી મહિલાઓ સાથે આવું કર્યું છે એની તપાસ કરી રહી છે. આ સિવાય પોલીસ એ ઍન્ગલથી પણ તપાસ કરી રહી છે કે આરોપીનું માનસિક સંતુલન બરાબર છે કે નહીં? એના માટે તેઓ આરોપીના મેડિકલ રિપોર્ટની રાહ જોઈ રહ્યા છે.
ADVERTISEMENT
૧૯ વર્ષની ફરિયાદી યુવતી કલ્યાણમાં રહે છે. તેણે સોમવારે સવારે આઠ વાગ્યે કલ્યાણથી ટ્રેન પકડી હતી. સવારે ૯.૧૫ વાગ્યે તે દાદર સ્ટેશન પર ઊતરી હતી. એ પછી તે ટિકિટ-બુકિંગ વિન્ડો પાસે ઊભી હતી ત્યારે તેને પાછળ કંઈ ખૂંચ્યું એટલે પાછળ ફરીને જોતાં તેની પાછળનો માણસ તરત જ ત્યાંથી ઝડપથી નીકળી ગયો હતો. યુવતીની નજર નીચે પડી તો તેણે જોયું કે વાળ પડ્યા છે. એટલે તરત તેણે પોતાના વાળ પર હાથ ફેરવ્યો તો ખબર પડી કે તેના જ વાળ તે માણસે કાપી નાખ્યા છે. એથી તેને પકડવા તેની પાછળ તે દોડી હતી. જોકે તે ગિરદીનો લાભ લઈને નાસી ગયો હતો.
યુવતીએ ઘરે જઈને મમ્મીને આખી ઘટનાની વાત કરી હતી. ત્યાર બાદ મંગળવારે મમ્મી સાથે મુંબઈ સેન્ટ્રલ GRP પોલીસ-સ્ટેશનમાં આવીને ટીનેજરે ફરિયાદ નોંધાવી હતી. ૩૫ વર્ષનો આરોપી દિનેશ ગાયકવાડ ચેમ્બુરમાં રહે છે અને એક પ્રાઇવેટ કંપનીમાં જૉબ કરે છે.