Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > અજમલ કસબ સહિતના ૩૭ ગુનેગારોને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા BJPએ

અજમલ કસબ સહિતના ૩૭ ગુનેગારોને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા BJPએ

28 April, 2024 08:40 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

મુંબઈ નૉર્થ સેન્ટ્રલ બેઠક પરથી પૂનમ મહાજનનું પત્તું કાપીને વિખ્યાત સરકારી વકીલને આપી ઉમેદવારી

ઉજ્જવલ નિકમ

ઉજ્જવલ નિકમ


મુંબઈ નૉર્થ સેન્ટ્રલ લોકસભા બેઠક પર કૉન્ગ્રેસે વર્ષા ગાયકવાડની જાહેરાત કર્યા બાદ આ બેઠક પર ભારતીય જનતા પાર્ટી (BJP)એ ગઈ કાલે બે વખતનાં સંસદસભ્ય પૂનમ મહાજનનું પત્તું કટ કરીને પદ‍્મશ્રી વકીલ ઉજ્જવલ નિકમની ઉમેદવારી જાહેર કરી હતી. આ સાથે જ મુંબઈની ત્રણેય બેઠકમાં BJPએ નવા ઉમેદવારોને મોકો આપ્યો છે. ઉજ્જવલ નિકમે મુંબઈમાં ૧૯૯૩માં થયેલા સિરિયલ બૉમ્બબ્લાસ્ટ કેસ અને ૨૦૦૮માં ૨૬/૧૧નો આતંકવાદી હુમલો કરનારા પાકિસ્તાની આતંકવાદી અજમલ કસબને ફાંસીની સજા અપાવવા સહિતના અનેક હાઈ પ્રોફાઇલ કેસ લડ્યા છે.
મુંબઈ નૉર્થ સેન્ટ્રલ બેઠકમાં દસ લાખ જેટલા મુસ્લિમ અને ખ્રિસ્તી મતદારોની સાથે અહીં વિલે પાર્લે, ચાંદિવલી, કુર્લાનો કેટલોક ભાગ, કાલિના, બાંદરા કૉલોનીમાં મરાઠી અને ઉત્તર ભારતીય લોકોની સારીએવી વસ્તી છે. આ સિવાય આ મતદારક્ષેત્રમાં ઉદ્ધવ ઠાકરેનું નિવાસસ્થાન માતોશ્રી પણ આવેલું છે એટલે અહીં ઠાકરે જૂથની તાકાત પણ મોટી છે.

ઉમેદવારી મળ્યા બાદ શું કહ્યું?
ઉમેદવારીની જાહેરાત થયા બાદ ઉજ્જવલ નિકમે કહ્યું હતું કે ‘BJPએ મારા પર મોટી જવાબદારી નાખી છે. એ માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદી, BJPના રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી. નડ્ડા, BJPના પ્રદેશાધ્યક્ષ ચંદ્રશેખર બાવનકુળે, નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને મુંબઈ BJPના અધ્યક્ષ આશિષ શેલારનો આભારી છું. મને ખ્યાલ છે કે રાજકારણ મારા માટે નવું ક્ષેત્ર છે, પણ મારો પ્રામાણિક પ્રયાસ રહેશે કે જે દેશદ્રોહી તત્ત્વો છે તેમની સામે કઠોર કાર્યવાહી કરાવીને સામાન્ય માણસોને ન્યાય મળે. મને જે જવાબદારી સોંપવામાં આવી છે એ પૂરી કરવા માટે પૂરી શક્તિથી પ્રયત્ન કરીશ.’



૩૭ને ફાંસી, ૬૨૮ને આજીવન કેદ


ઍડ્વોકેટ ઉજ્જવલ નિકમે તેમની વકીલાતની કાર​કિર્દીમાં ૧૯૯૩ સિરિયલ બ્લાસ્ટ અને ૨૬/૧૧ના આતંકવાદી હુમલા સિવાય ગુલશનકુમાર હત્યાકેસ, પ્રમોદ મહાજન હત્યાકેસ, ૨૦૧૩ના મુંબઈ ગૅન્ગરેપ કેસ સહિતના અનેક કેસ વિશેષ સરકારી વકીલ તરીકે કોર્ટમાં લડ્યા છે. અત્યાર સુધી તેમણે અજમલ કસબ સહિત ૩૭ ગુનેગારને ફાંસીની સજા તો ૬૨૮ ગુનેગારોને આજીવન કેદની સજા અપાવી છે.

બિનહરીફ ચૂંટવાનું આહ‍્વાન


મુંબઈ BJPના અધ્યક્ષ આશિષ શેલારે ગઈ કાલે સોશ્યલ મીડિયામાં પોસ્ટ કરી હતી કે ‘દેશ પર, મુંબઈ પર હુમલો કરનારી દેશવિરોધી આતંકવાદી શક્તિ સામે લડનારા મુંબઈકરના યોદ્ધા અને મહાયુતિના પદમશ્રી ઍડ્વોકેટ ઉજ્જવલ નિકમને તમામ મુંબઈકરો વતી સંસદમાં બિનહરીફ મોકલીએ. તમામ રાજકીય પક્ષોને મુંબઈકરો વતી આહ‍્વાન કરું છું કે રાજકીય મતભેદ બાજુએ રાખીને એક સારો સંદેશ આ નિમિત્તે આપણે આપીએ.’

દરેક પક્ષના માનીતા વકીલ

મહારાષ્ટ્રના દરેક રાજકીય પક્ષ અને વિચારધારા ધરાવતા લોકો મહત્ત્વના કેસ ઉજ્જવલ નિકમને જ સોંપે છે. વિધાનસભામાં વિરોધ પક્ષના નેતાઓ પણ કેટલાક કેસ ઉજ્જવલ નિકમને સોંપવામાં આવે એમ કહેતા હોવાનું જાણવા મળ્યું છે. કોર્ટમાં તેઓ મજબૂત પુરાવા સાથે ખૂબ જ કૉ​ન્ફિડન્સથી કેસ લડે છે એટલે મોટા ભાગે તેમને સફળતા મળે છે.

જળગાંવથી મુંબઈ
૭૧ વર્ષના ઍડ્વોકેટ ઉજ્જવલ નિકમ વિશેષ સરકારી વકીલ છે. તેઓ મૂળ જળગાંવના છે. તેઓ વતનમાં જ રહે છે. મુંબઈમાં કેસની સુનાવણી હોય ત્યારે તેઓ ફોર્ટમાં આવેલી રે​સિડન્સી હોટેલમાં રહે છે. આ હોટેલમાં તેમના માટે એક રૂમ કાયમ બુક હોય છે. તેમના પિતા દેવરાવ નિકમ જસ્ટિસ હતા. BSc થયા બાદ તેમણે જળગાંવમાંથી LLBની ડિગ્રી લીધી હતી. બાદમાં તેમણે જળગાંવની કોર્ટમાં વકીલાતની શરૂઆત કરેલી. મુંબઈમાં તેમણે સૌથી પહેલાં કલ્યાણમાં થયેલા બૉમ્બધડાકાનો કેસ લડ્યો હતો. આ કેસના અનુભવનો ફાયદો તેમને ૧૯૯૩ના સિરિયલ બૉમ્બબ્લાસ્ટ કેસમાં થયો. આ કેસ બાદ તેમની સરકારી વકીલ તરીકેની નામના વધી હતી. આ કેસમાં સંજય દત્ત સહિતના ૧૦૦થી વધુ આરોપીઓની સુનાવણી થઈ હતી. પછી તેમણે સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI)ના કેસ લડ્યા હતા. વિશેષ સરકારી વકીલ તરીકે નામના મળ્યા બાદ તેઓ પદમશ્રી સહિતના અનેક પુરસ્કારોથી સન્માનિત થયા છે. 

મહત્ત્વના કેસ
૧૯૯૧ કલ્યાણ રેલવે બૉમ્બધડાકો
૧૯૯૩ મુંબઈ સિરિયલ બૉમ્બબ્લાસ્ટ
૧૯૯૪ પુણેનો રાઠી હત્યાકાંડ
૨૦૦૩ ગેટવે ઑફ ઇન્ડિયા – ઝવેરીબજાર બૉમ્બધડાકા
૨૦૦૩ ગુલશનકુમાર હત્યા 
૨૦૦૪ નદીમને હસ્તાંતરણ કરવાનો લંડન મામલો
૨૦૦૫ ખૈરલાંજી દલિત હત્યાકાંડ
૨૦૦૬ ગૅન્ગસ્ટર અબુ સાલેમ કેસ
૨૦૦૬ પ્રમોદ મહાજન હત્યાકેસ
૨૦૦૮ મુંબઈનો ૨૬/૧૧ આતંકવાદી હુમલો
૨૦૧૦ કોલ્હાપુર બાળકોનો સિરિયલ હત્યાકાંડ
૨૦૧૦ શક્તિ મિલ ગૅન્ગરેપ
૨૦૧૬ ડેવિડ હેડલી કેસ

BJPના ત્રણેય સંસદસભ્યોનાં પત્તાં કટ
૨૦૧૯ની લોકસભાની ચૂંટણીમાં મુંબઈમાં ભારતીય જનતા પાર્ટી (BJP)ના મુંબઈ નૉર્થમાંથી ગોપાલ શેટ્ટી, મુંબઈ નૉર્થ ઈસ્ટમાંથી મનોજ કોટક અને મુંબઈ નૉર્થ સેન્ટ્રલ બેઠક પરથી પૂનમ મહાજન ચૂંટાઈ આવ્યાં હતાં. આ વખતની ચૂંટણીમાં BJPએ ત્રણેય સંસદસભ્યનાં પત્તાં કટ કરીને આ બેઠકોમાં અનુક્રમે કેન્દ્રીય પ્રધાન પીયૂષ ગોયલ, વિધાનસભ્ય મિહિર કોટેચા અને ઍડ્વોકેટ ઉજ્જવલ નિકમને મેદાનમાં ઉતાર્યા છે. 

Whatsapp-channel Whatsapp-channel

28 April, 2024 08:40 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK