ભાંડુપ પોલીસ-સ્ટેશનમાં કામ કરતા કૉન્સ્ટેબલની કારનો ૧૦ દિવસેય પત્તો નથી
કૉન્સ્ટેબલ અવિનાશ જાધવની ચોરી થયેલી કાર.
ડોમ્બિવલી-ઈસ્ટમાં રહેતા અને ભાંડુપ પોલીસ-સ્ટેશનમાં કૉન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા ૩૮ વર્ષના અવિનાશ જાધવની કાર પોલીસ-સ્ટેશનની બહારથી ચોરાઈ હોવાની ફરિયાદ ભાંડુપ પોલીસે ગઈ કાલે નોંધી હતી. વિધાનસભાની ચૂંટણી દરમ્યાન કૉન્સ્ટેબલ અવિનાશની સતત ડે-નાઇટ ડ્યુટી હતી અને મતદાનના દિવસે તેની મતદાન-કેન્દ્ર પર ડ્યુટી હતી. તેણે પોતાની કાર પોલીસ-સ્ટેશનની બહાર ઊભી રાખી હતી ત્યારે કોઈ અજાણી વ્યક્તિએ એ ચોરી હોવાનો આરોપ ફરિયાદમાં કરવામાં આવ્યો છે.
૧૦ દિવસ દિવસ-રાત મેં મારી કારને અલગ-અલગ વિસ્તારોમાં શોધી હતી, પણ એનો કોઈ પત્તો લાગ્યો નહોતો એમ જણાવતાં અવિનાશ જાધવે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘સામાન્ય રીતે હું ટ્રેનમાં ફરજ પર આવતો હોઉં છું, પરંતુ વિધાનસભાની ચૂંટણી વખતે કામ વધુ હોવાથી રાતે ઘરે જવાનો સમય એક વાગ્યા પછીનો થઈ ગયો હતો. ત્યારે ટ્રેન બંધ થઈ જવાને કારણે તથા સતત ડે-નાઇટ ડ્યુટી હોવાથી ચૂંટણીના છેલ્લા ત્રણ-ચાર દિવસ હું કારમાં ફરજ પર આવ્યો હતો. મતદાનના દિવસે મારી ફરજ વોટિંગ સેન્ટર પર હોવાથી સવારે પોલીસ-સ્ટેશને આવીને મારી કાર પોલીસ-સ્ટેશનના ગેટની બહાર પાર્ક કરી હતી. સાંજે ચૂંટણીપ્રક્રિયા પૂરી થયા બાદ હું પોલીસ-સ્ટેશને આવીને ઘરે જવા નીકળ્યો ત્યારે મારી કાર મને દેખાઈ નહોતી. મેં પહેલાં આસપાસના વિસ્તારોમાં એની શોધ કરી હતી. ઉપરાંત બે-ત્રણ દિવસ રજા લઈને બધે ઠેકાણે કારની શોધ કરી હતી એટલું જ નહીં, કાર ચોરી કરતી ગૅન્ગના મેમ્બરો સાથે પણ મારી કારની પૂછપરછ કરી હતી તથા પોલીસ-સ્ટેશનની નજીકના CCTV કૅમેરાનાં ફુટેજ પણ તપાસ્યાં હતાં. જોકે કાર વિશે કોઈ માહિતી ન મળતાં અંતે મેં ચોરીની ફરિયાદ નોંધાવી હતી.’