ગયા વર્ષના ૨૦૮૨ સામે બુધવારે ૨૧૨૭ મેગાવૉટ વીજળી વપરાઈ
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
મુંબઈમાં છેલ્લા ચારેક દિવસથી સખત ગરમી પડી રહી છે એને લીધે વીજળીની ડિમાન્ડનો પણ ૧૦ ટકાના વધારા સાથે ગયા વર્ષનો રેકૉર્ડ તૂટી ગયો છે. મુંબઈમાં પાવર સપ્લાય કરતી સૌથી મોટી અદાણી ઇલેક્ટ્રિસિટીના ૩૦ લાખથી વધુ ગ્રાહકોએ જ્યાં ગયા વર્ષે એક દિવસમાં મહત્તમ ૨૦૮૨ મેગાવૉટ વીજળીનો વપરાશ કર્યો હતો એની સામે આ વખતે બુધવારે ૨૧૨૭ મેગાવૉટ વીજળી વાપરવામાં આવી છે. અદાણી ઇલેક્ટ્રિસિટી ઉપરાંત મુંબઈમાં તાતા પાવર અને બૃહન્મુંબઈ ઇલેક્ટ્રિક સપ્લાય ઍન્ડ ટ્રાન્સપોર્ટ (BEST) કંપનીઓ દ્વારા પણ પાવર સપ્લાય કરવામાં આવે છે. BESTમાં ૧૦૦૪ અને તાતા પવાર કંપનીમાં ૯૧૦ મેગાવૉટ વીજળીના વપરાશ સાથે મુંબઈમાં કુલ ૪૦૪૧ મેગાવૉટ પાવરનો વપરાશ થયો હોવાનું જાણવા મળ્યું હતું. ગયા વર્ષે ૧થી ૧૫ એપ્રિલ દરમ્યાન મુંબઈમાં ૭૦.૬૬ અબજ યુનિટ વીજળીનો વપરાશ થયો છે જે ખૂબ જ વધારે હોવાનું જણાઈ આવ્યું છે.