મુંબઈની આ ૧૮ વર્ષની ટીનેજરે સાઉથ પોલ પર સ્કીઇંગ કરીને ઇતિહાસ રચ્યો, આવું કરનારી સૌથી ઓછી ઉંમરની ભારતીય અને જગતની બીજી જ મહિલા બની
કામ્યા કાર્તિકેય
પર્વતારોહણમાં વિલક્ષણ પ્રતિભા ધરાવતી અને ભારતીય નૌકાદળના અધિકારી કમાન્ડર એસ. કાર્તિકેયનની ૧૮ વર્ષની પુત્રી કામ્યા કાર્તિકેયને સાઉથ પોલ પર સ્કીઇંગ કરીને ઇતિહાસ રચ્યો છે. ઠંડા અને તોફાની પવનોનો સામનો કરીને આવું કરનારી તે સૌથી નાની ઉંમરની ભારતીય બની છે. કામ્યા કાર્તિકેયન નેવી ચિલ્ડ્રન સ્કૂલ (NCS)ની ભૂતપૂર્વ વિદ્યાર્થિની છે.
કામ્યા કાર્તિકેયન ૮૯ ડિગ્રી સાઉથથી આશરે ૧૧૫ કિલોમીટરનું અંતર કાપીને પગપાળા ૨૭ ડિસેમ્બરે સાઉથ પોલ પર પહોંચી હતી. તેણે તોફાની પવનો વચ્ચે પોતાનું સંતુલન જાળવી રાખ્યું હતું. આ સિદ્ધિ તેને સાઉથ પોલ પર સ્કીઇંગ કરનારી સૌથી નાની ઉંમરની ભારતીય અને વિશ્વની બીજી સૌથી નાની ઉંમરની મહિલા બનાવે છે.
ADVERTISEMENT
ભારતીય નૌકાદળે એક પોસ્ટમાં કામ્યા કાર્તિકેયનને તેની આ અનેરી સિદ્ધિ માટે અભિનંદન પાઠવ્યાં હતાં અને કહ્યું હતું કે તેની સિદ્ધિ દેશભરના યુવાનો માટે પ્રેરણાસ્રોત બનશે. નૌકાદળે કામ્યા કાર્તિકેયન સ્લેજ ખેંચતી હોય એવો એક વિડિયો અને કેટલાક ફોટોગ્રાફ્સ પણ શૅર કર્યા હતા. નૌકાદળે સોશ્યલ મીડિયામાં એક પોસ્ટમાં મંગળવારે જણાવ્યું હતું કે માઇનસ ૩૦ ડિગ્રી સેલ્સિયસના ઠંડા તાપમાન અને તોફાની પવનોનો સામનો કરીને કામ્યાએ ૮૯ ડિગ્રી સાઉથથી પગપાળા લગભગ ૬૦ નૉટિકલ માઇલ (લગભગ ૧૧૫ કિમી)નું અંતર કાપ્યું હતું. તેના સમગ્ર અભિયાનના ગિઅરથી ભરેલી સ્લેજ ખેંચીને તે ૨૭ ડિસેમ્બરે સાઉથ પોલ પર પહોંચી હતી.
સાહસ કામ્યાના લોહીમાં છે
કામ્યા કાર્તિકેયન માત્ર ભારતની દીકરીઓ માટે જ નહીં પણ સમગ્ર વિશ્વ માટે એક જીવંત ઉદાહરણ છે કે ઉંમર કોઈ અવરોધ નથી, ફક્ત નિશ્ચયની જરૂર છે. તેની યાત્રા દર્શાવે છે કે તમારાં સપનાં ગમે એટલાં મોટાં હોય, એ સમર્પણ અને સખત મહેનતથી પ્રાપ્ત કરી શકાય છે. સાહસ કામ્યાના લોહીમાં વહે છે. આ પહેલી વાર નથી જ્યારે તેણે રેકૉર્ડ બનાવ્યો હોય. અગાઉ તેણે નેપાલ તરફથી માઉન્ટ એવરેસ્ટ પર ચડાણ કરનારી સૌથી નાની ઉંમરની ભારતીય અને વિશ્વની બીજી સૌથી નાની ઉંમરની મહિલા પર્વતારોહક બનીને ઇતિહાસ રચ્યો હતો.
એક્સપ્લોરર્સ ગ્રૅન્ડ સ્લૅમ પૂર્ણ કરવાનું સપનું
હવે કામ્યાનું લક્ષ્ય એક્સપ્લોરર્સ ગ્રૅન્ડ સ્લેમ પૂર્ણ કરવાનું છે જે વિશ્વના સૌથી પડકારજનક સાહસિક મિશનોમાંનું એક છે. એમાં સાતેય ખંડો પરનાં સૌથી ઊંચાં શિખરો સર કરવાં અને પછી નૉર્થ પોલ અને સાઉથ પોલ બન્ને પર સ્કીઇંગ કરવાનો સમાવેશ થાય છે. ૨૦૨૪ની ૨૪ ડિસેમ્બરે કામ્યા કાર્તિકેયને તેના પિતા કમાન્ડર એસ. કાર્તિકેયન સાથે એન્ટાર્કટિકામાં માઉન્ટ વિન્સેન્ટ પર ચડીને તેની સેવન સમિટ ચૅલેન્જ પૂર્ણ કરી હતી. કામ્યા સાઉથ પોલ પર સ્કીઇંગ કરી ચૂકી છે. હવે તેની નજર નૉર્થ પોલ પર સ્કીઇંગ ચૅલેન્જ પૂર્ણ કરવાની છે.


