થાણે મ્યુનિસિપલ કૉર્પોરેશન (TMC)ના આરોગ્ય વિભાગે થાણેમાં ‘રેબીઝ ફ્રી થાણે’ અભિયાન અમલમાં મૂક્યું છે.
શુક્રવારે થાણેના નૌપાડા વિસ્તારમાં પ્રાણીપ્રેમીઓએ શ્વાનને રેબીઝની રસી આપી હતી.
થાણેમાં રહેતી બે વર્ષની છોકરી પર ગયા અઠવાડિયે શ્વાને કરેલા હુમલાની ઘટના બાદ શ્વાનના આતંકને પહોંચી વળવા માટે શુક્રવારથી થાણે મ્યુનિસિપલ કૉર્પોરેશન (TMC)ના આરોગ્ય વિભાગે થાણેમાં ‘રેબીઝ ફ્રી થાણે’ અભિયાન અમલમાં મૂક્યું છે. આ અભિયાન હેઠળ ઍનિમલ સંસ્થાની મદદ લઈને રસ્તા પર ફરતા શ્વાન અને બિલાડીનું રસીકરણ શરૂ કરવામાં આવ્યું છે. અહીં ઉલ્લેખનીય છે કે છેલ્લાં બે-ત્રણ વર્ષ આ રસીકરણ અભિયાન સતત કોઈ ને કોઈ કારણસર બંધ રહ્યું હતું એને લીધે થાણેમાં શ્વાનોનો આતંક વધ્યો હોવાનું જોવા મળ્યું હતું.
TMCના આરોગ્ય વિભાગનાં સિનિયર ડૉક્ટર ક્ષમા શિરોડકરે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘કેન્દ્ર સરકારના ‘રેબીઝ ફ્રી ઇન્ડિયા’ અભિયાન હેઠળ થાણેમાં પણ ૨૦૨૪માં ‘રેબીઝ ફ્રી થાણે’ અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. જોકે એ સમયે સ્ટાફની અછતને કારણે અભિયાનને ઓછો પ્રતિસાદ મળ્યો હતો એ જોતાં થોડા વખત પહેલાં TMCની હદમાં પ્રાણીઓને વૅક્સિન આપવા માટે ત્રણ ઍનિમલ સંસ્થાની નિમણૂક કરવામાં આવી છે. થાણેના દરેક વિસ્તારમાં અમારા અધિકારીઓ સાથે સંસ્થાના અધિકારીઓ જઈને રોડ પર ફરતા શ્વાન અને બિલાડીની ઓળખ કરી એમને રેબીઝની વૅક્સિન આપશે એટલું જ નહીં, થાણેની સરકારી હૉસ્પિટલના રેકૉર્ડ પ્રમાણે જે વિસ્તારમાં વધારે શ્વાન કરડવાના કિસ્સા બન્યા છે ત્યાં જઈને સ્પેશ્યલ ડ્રાઇવ યોજવામાં આવશે. આવતા દોઢેક વર્ષમાં થાણેને રેબીઝ કન્ટ્રોલ ઝોન તરીકે જાહેર કરવા માટેના પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે. આ અભિયાનમાં રખડતા શ્વાન અને બિલાડીને હડકવાની રસી આપી એમના ગળા પર રેડિયમ રિફ્લેક્ટર બેલ્ટ લગાવવામાં આવશે જેનાથી એમને ઓળખવામાં આસાની થઈ શકશે.’


