ઇલેક્શન કમિશન સમક્ષ આવી માગણી કરીને ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે આવા વૉર્ડમાં જેન-ઝીનો મતાધિકાર છીનવી લેવાયો છે
ગઈ કાલે દાદરના શિવસેના ભવનમાં ઉદ્ધવ અને રાજ ઠાકરે. તસવીર : અતુલ કાંબળે
શિવસેના (UBT)ના વડા ઉદ્ધવ ઠાકરે અને મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના વડા રાજ ઠાગરેએ ગઈ કાલે તેમનો ચૂંટણીઢંઢેરો જાહેર કર્યો હતો. એ વખતે પત્રકારોને સંબોધતાં ઉદ્ધવ ઠાકરેએ BJP પર આક્ષેપ કર્યા હતા અને માગણી કરી હતી કે જે મહાનગરપાલિકામાં સત્તાધારી પાર્ટીઓના ઉમેદવારો બિનવિરોધ જીત્યા હોય એની ચૂંટણીપ્રક્રિયા રદ કરવામાં આવે અને આ વૉર્ડમાં ફરીથી મતદાન-પ્રક્રિયા કરવામાં આવે. ઉદ્ધવ ઠાકરેએ એવો દાવો કર્યો હતો કે દેશમાં વાતાવરણ એવું છે કે લોકશાહી પર ટોળાશાહીનો કબજો થઈ ગયો છે.
BJP અને એના મહાયુતિના સાથીપક્ષોએ ૧૫ જાન્યુઆરીએ યોજાનારી મહાનગરપાલિકાઓની ચૂંટણીમાં ૬૮ બેઠકો બિનહરીફ જીતી છે. એના પર ઉદ્ધવ ઠાકરેએ આરોપ લગાવ્યો હતો કે ‘મત ચોરી કર્યા પછી સત્તાધારી પક્ષો હવે ઉમેદવારો ચોરી રહ્યા છે. જો સ્ટેટ ઇલેક્શન કમિશનમાં હિંમત હોય તો એણે એવી ચૂંટણીઓ રદ કરવી જોઈએ જ્યાં ઉમેદવારો બિનવિરોધ પસંદ કરાયા છે. એ વૉર્ડમાં ફરીથી મતદાનપ્રક્રિયા શરૂ કરવી જોઈએ. ઉમેદવારો બિનનિરોધ જીતી જાય એ મતદારોને, ખાસ કરીને જેન-ઝીને જે પહેલી વાર વોટ આપવાના છે તેમના મતાધિકારનો ઉપયોગ કરવાની તક નકારવા જેવું છે.’
ADVERTISEMENT
૨૦ વર્ષ પછી શિવસેનાભવનમાં આવેલા રાજ ઠાકરેએ કહ્યું, જેલમાંથી છૂટીને આવ્યો હોઉં એવું લાગે છે
રાજ ઠાકરે શિવસેના છોડ્યા બાદ ગઈ કાલે પહેલી વાર ૨૦ વર્ષ પછી શિવસેનાભવન ગયા હતા. એ વખતે અન્યો સાથે સંજય રાઉતે પણ તેમને પૂછ્યું હતું કે ૨૦ વર્ષ પછી શિવસેનાભવનમાં આવી રહ્યા છો તો કેવું લાગે છે. ત્યારે રાજ ઠાકરેએ પોતાની રમૂજી સ્ટાઇલમાં જવાબ આપતાં કહ્યું હતું કે ‘જાણે (જેલમાંથી) છૂટીને આવ્યો હોઉં એવું લાગે છે. આ નવું શિવસેનાભવન મેં જોયું જ નથી. મારી જે યાદો સચવાઈ છે એ જૂના શિવસેનાભવનની છે. જ્યારે ૧૯૭૭માં અહીં શિવસેનાભવન બન્યું ત્યારે મોરારજી દેસાઈની જનતા પાર્ટીએ મોરચો કાઢી અહીં પથ્થરબાજી કરી હતી. એ વખતે શિવસૈનિકોએ ઉપરથી ટ્યુબલાઇટો ફેંકીને તેમને જવાબ આપ્યો હતો.’
વિપક્ષને કોર્ટમાં જવું હોય તો જઈ શકે છે : ફડણવીસ
ઠાકરેબંધુઓ ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરેએ કરેલા આક્ષેપોનો જવાબ આપતાં મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે ગઈ કાલે કહ્યું હતું કે ‘વિરોધ પક્ષો કોર્ટમાં જાય તો પણ જનતાનો આદેશ જીતશે. તેઓ ચોક્કસપણે કોર્ટમાં જઈ શકે છે, પરંતુ જનતાની અદાલતે અમને ચૂંટ્યા છે. જો તેઓ (વિરોધી પક્ષો) કોર્ટમાં જાય તો પણ જનતાનો આદેશ કોર્ટમાં જીતશે. અપક્ષ અને મુસ્લિમ ઉમેદવારો બિનવિરોધ જીતી આવ્યા એના પર વિપક્ષ પ્રશ્ન ઉઠાવતા નથી, કારણ કે તેઓ પોતાની હાર સ્પષ્ટ જોઈ શકે છે અને હવે બહાનાં શોધવાનો પ્રયાસ કરી રહ્યા છે.’


