ઘાટકોપર, ભાંડુપ, દહિસર, પવઈ જેવા વિસ્તારોમાં કમોસમી વરસાદે હાજરી આપી
પ્રતીકાત્મક તસવીર
મંગળવારની સવાર મુંબઈ અને આસપાસના વિસ્તારોમાં ફરી એક વાર કમોસમી વરસાદ સાથે થઈ હતી. ભરશિયાળે આ મહિનામાં બીજી વાર આ રીતે અચાનક વરસાદે હાજરી આપતાં ફરી બગીચામાં મૉર્નિંગ વૉક કરતા લોકોમાં, સ્ટેશનો પર અને લોકલ ટ્રેનમાં વરસાદની ચર્ચા જામી હતી.
પહેલી જાન્યુઆરીએ વરસાદનાં હળવાં ઝાપટાં સાથે ૨૦૨૬ની શરૂઆત થઈ હતી. જોકે ગઈ કાલે મુંબઈ શહેરમાં ઝરમર વરસાદ પડ્યો હતો. દહિસર, અંધેરી, પવઈ તેમ જ ઈસ્ટર્ન સબર્બમાં ખાસ કરીને ઘાટકોપરથી ભાંડુપ સુધીમાં હળવો વરસાદ નોંધાયો હતો.
ADVERTISEMENT
સોમવારથી જ મુંબઈમાં વાદળછાયું વાતાવરણ રહ્યું હતું. મંગળવારે સવારે પણ વરસાદી માહોલ રહેતાં ઇન્ડિયા મીટિયરોલૉજિકલ ડિપાર્ટમેન્ટ (IMD)એ સવારે ૭ વાગ્યે ૩ કલાક માટે નોકાસ્ટ અલર્ટ જાહેર કરી હતી, જેમાં મુંબઈ અને થાણે જિલ્લામાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી હતી. વરસાદ અને વાદળને લીધે ગઈ કાલે મુંબઈમાં દિવસ દરમ્યાન પણ સારી ઠંડકનો અનુભવ થયો હતો.
વડાલા અને એની આસપાસના વિસ્તારોમાં ધુમ્મસનું જાડું સ્તર જોવા મળ્યું હતું. ખાસ કરીને નીચાણવાળા અને ઔદ્યોગિક વિસ્તારોમાં વિઝિબિલિટી ઘટી હતી. અચાનક વરસાદને લીધે મુખ્ય રસ્તાઓ પર ટ્રાફિક ધીમો પડ્યો હતો.
અગાઉના બે દિવસ મુંબઈનો ઍર ક્વૉલિટી ઇન્ડેક્સ (AQI) હાઈ રહ્યો હતો. ત્યાર બાદ મંગળવારે વરસાદને કારણે AQI સુધર્યો હતો. આ સપ્તાહના અંત સુધી મુંબઈમાં આકાશ સ્વચ્છ રહેવા સાથે લઘુતમ તાપમાન ૨૦ ડિગ્રી આસપાસ રહેવાની આગાહી છે.


