Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > વેકેશનનો લાભ ઉઠાવતી ચોરોની ગૅન્ગ સક્રિય

વેકેશનનો લાભ ઉઠાવતી ચોરોની ગૅન્ગ સક્રિય

Published : 10 May, 2026 08:39 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

મુંબઈ અને આસપાસના વિસ્તારોમાં ૩ બંધ ઘરમાંથી લાખો રૂપિયાની મતા સાફ

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


વેકેશનમાં લોકો પોતાના વતનમાં કે ફરવા માટે બહાર જાય છે ત્યારે મુંબઈ અને આસપાસના વિસ્તારોમાં ઘરફોડીના કિસ્સાઓમાં ચિંતાજનક વધારો થયો છે. તાજેતરમાં માટુંગા, નવી મુંબઈના વાશી અને ડોમ્બિવલી વિસ્તારમાં ચોરીની ૩ મોટી ઘટના સામે આવી છે. આ ત્રણે કિસ્સામાં ફરિયાદીઓ પોતાના ઘરને તાળું મારીને બહારગામ ગયા હતા, જેનો લાભ ઉઠાવીને અજ્ઞાત ચોરોએ લાખો રૂપિયાના સોના-ચાંદીના દાગીના અને રોકડ રકમની ચોરી કરી હતી. આ ઘટનાઓમાં માટુંગામાં એક પોલીસ-અધિકારીના ઘરને પણ નિશાન બનાવવામાં આવ્યું છે. પોલીસે આ તમામ કિસ્સામાં ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે અને નાગરિકોને વેકેશન દરમ્યાન ઘરની સુરક્ષા બાબત સતર્ક રહેવાની અપીલ કરી છે.

પહેલી ઘટના
માટુંગા પોલીસ વસાહતમાં રહેતા મુંબઈ પોલીસના મોટર પરિવહન વિભાગના કૉન્સ્ટેબલ એકનાથ ચૌધરીના ઘરમાં મોટી ચોરી થઈ હતી. કૉન્સ્ટેબલ એકનાથ પાંચમી મેએ પરિવાર સાથે સાતારા પોતાના વતન ગયા હતા. ૮ મેએ તે પાછા ફર્યા ત્યારે તપાસ કરતાં જાણવા મળ્યું કે કબાટમાં રાખેલા આશરે ૮,૮૩,૭૩૯ રૂપિયાના દાગીના અને ૩૭,૦૦૦ રૂપિયાની રોકડ ગાયબ હતાં. ચોરાયેલી વસ્તુઓમાં તેમની માતાની સોનાની માળા, પુત્રવધૂનાં બે મંગળસૂત્ર, વીંટી અને પત્નીના કાનનાં વેલ-ઝૂમખાં જેવી કીમતી વસ્તુઓનો સમાવેશ થાય છે. આ મામલે માટુંગા પોલીસે ગઈ કાલે ફરિયાદ નોંધી હતી.



બીજી ઘટના 
નવી મુંબઈના વાશીના જુહુગાવ વિસ્તારમાં રહેતા અંકિત ચતુર્વેદી ઘર બંધ કરીને બંગાળ ગયા હતા. દરમ્યાન શુક્રવારે પાડોશીએ તેમને જાણ કરી કે તેમના ઘરનો દરવાજો ખુલ્લો છે અને સામાન વેરવિખેર પડ્યો છે. ઘરે આવીને તપાસ કરતાં અજ્ઞાત ચોરોએ દરવાજાનો નકૂચો તોડીને કબાટમાંથી ૧,૨૫,૦૦૦ રૂપિયાની રોકડ, સોનાની વીંટીઓ, ચેઇન અને લૅપટૉપ સહિત કુલ ૪,૫૦,૦૦૦ રૂપિયાની મતાની ચોરી કરી હતી. આ બાબતે તેણે વાશી પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.


ત્રીજી ઘટના 
ડોમ્બિવલી-વેસ્ટના રાજુનગર વિસ્તારમાં રહેતા પંકજ સાળસકર ૩૦ એપ્રિલે પરિવાર સાથે સિંધુદુર્ગ ખાતે વતનમાં ગયા હતા. ૮ મેએ પાડોશીએ તેમને ફોન કરીને દરવાજાનું તાળું તૂટ્યું હોવાની જાણ કરી હતી. તપાસ કરતાં માલૂમ પડ્યું કે ચોરોએ બેડરૂમના કબાટનું લૉકર તોડીને એમાંથી સોનાની કાનની જોડી, નથ, લૉકેટ અને ૧,૦૦,૦૦૦ રૂપિયાની રોકડ મળીને કુલ ૨,૨૬,૦૦૦ રૂપિયાની ચોરી કરી હતી. આ મામલે વિષ્ણુનગર પોલીસે ફરિયાદ નોંધી છે.


Whatsapp-channel Whatsapp-channel

10 May, 2026 08:39 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK