`સિંઘમ IAS` તરીકે જાણીતા તુકારામ મુંઢેએ મહારાષ્ટ્ર FDAનું સુકાન સંભાળતા જ રાજ્યભરમાં ખાદ્ય મિલાવટ, ગેરરીતિઓ અને ભ્રામક દવાઓ સામે મોટું અભિયાન શરૂ કર્યું છે.
તુકારામ મુંઢે - ફાઇલ તસવીર
મહારાષ્ટ્રમાં ખાદ્ય પદાર્થો અને દવાઓમાં થતી મિલાવટ તેમજ સલામતીના નિયમોના ઉલ્લંઘન સામે ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (FDA) એ રાજ્યવ્યાપી કડક ઝુંબેશ શરૂ કરી છે. મહારાષ્ટ્ર FDA ના કમિશનર તરીકે ચાર્જ સંભાળતાની સાથે જ સપાટો બોલાવનાર 2005 બેચના સનદી અધિકારી (IAS) તુકારામ મુંઢેના નેતૃત્વમાં આ આક્રમક કાર્યવાહી કરવામાં આવી રહી છે. તાજેતરમાં જ યોજાયેલા દરોડા દરમિયાન મુંબઈના પ્રખ્યાત `પારસી ડેરી ફાર્મ`નું લાઇસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યું છે અને સમગ્ર રાજ્યમાંથી આશરે ₹1.90 કરોડથી વધુની કિંમતનો શંકાસ્પદ ખાદ્ય જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે.
કોણ છે `સિંઘમ IAS તુકારામ મુંઢે?
ADVERTISEMENT
મહારાષ્ટ્રના વહીવટી તંત્રમાં તુકારામ મુંઢે જેટલી લોકપ્રિયતા અને ચર્ચા બહુ ઓછા અધિકારીઓએ મેળવી છે. સમર્થકોમાં `સિંઘમ IAS` તરીકે ઓળખાતા મુંઢે ભ્રષ્ટાચાર સામે ઝીરો-ટોલરન્સ નીતિ અને નિયમોના ચુસ્ત પાલન માટે જાણીતા છે. 21 વર્ષથી વધુની વહીવટી કારકિર્દીમાં 25 વખત બદલી (ટ્રાન્સફર) થવાનો અનોખો રેકોર્ડ તેમના નામે છે. વારંવાર થતી બદલીઓ છતાં રાજકીય નેતાઓ કે વગદાર લોબીઓ સામે નમવાને બદલે તેઓ જનતાના હિતમાં નિયમોનું પાલન કરાવતા રહ્યા છે. ગત 25 મેના રોજ તેમણે મહારાષ્ટ્ર FDA ના કમિશનર તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો.
દુષ્કાળગ્રસ્ત ગામથી IAS સુધીની સફર
તુકારામ મુંઢેનો જન્મ 3 જૂન, 1975ના રોજ મહારાષ્ટ્રના બીડ જિલ્લાના તડસોન્ના નામના એક નાનકડા અને દુષ્કાળગ્રસ્ત ગામમાં એક સામાન્ય ખેડૂત પરિવારમાં થયો હતો. બાળપણમાં ભારે આર્થિક તંગીનો સામનો કરવા છતાં તેઓ અભ્યાસમાં હંમેશાં મોખરે રહ્યા. જિલ્લા પરિષદની શાળામાંથી પ્રાથમિક શિક્ષણ મેળવ્યા બાદ તેમણે ઔરંગાબાદથી ઇતિહાસ વિષય સાથે ગ્રેજ્યુએશન અને પોલિટિકલ સાયન્સમાં માસ્ટર્સની ડિગ્રી મેળવી. તેમની અડગ મહેનતના પરિણામે 2005માં તેમણે UPSC સિવિલ સર્વિસિસ પરીક્ષા પાસ કરી મહારાષ્ટ્ર કેડરના IAS તરીકે વહીવટી સેવામાં પ્રવેશ કર્યો.
જ્યાં પણ ગયા, ત્યાં માફિયાઓ અને અનિયમિતતાઓ પર ત્રાટક્યા
નવી મુંબઈ અને નાસિક મ્યુનિસિપલ કમિશનર: આ પોસ્ટિંગ દરમિયાન તેમણે ગેરકાયદે બાંધકામો, દબાણો અને નાણાકીય અનિયમિતતાઓ સામે મોટું અભિયાન ચલાવ્યું હતું. રાજકીય નેતાઓએ તેમની સામે અવિશ્વાસની દરખાસ્તો લાવી હટાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ જનતા તેમના સમર્થનમાં રસ્તા પર ઉતરી આવી હતી.
સોલાપુર અને જાલનાના જિલ્લા કલેક્ટર: આ સમયગાળા દરમિયાન તેમણે રાજ્યની તિજોરીને નુકસાન પહોંચાડતા અને વગદાર સ્થાનિક નેટવર્ક ધરાવતા ગેરકાયદે રેતી માફિયાઓ (Sand Mining) ની કમર તોડી નાખી હતી.
વિકલાંગ કલ્યાણ વિભાગ (2025): વર્ષ 2025ના અંતમાં આ વિભાગના સેક્રેટરી તરીકે તેમણે સરકારી સહાય મેળવતી સંસ્થાઓની તપાસ કરાવી ગેરરીતિ આચરતી સંસ્થાઓના ફંડ ફ્રીઝ કરી દીધા હતા.
કે.રુસ્તમ એન્ડ સન્સ પછી પારસી ડેરી ફાર્મનો વારો કાઢ્યો, લાઇસન્સ સસ્પેન્ડ, કરોડોનો મુદ્દામાલ જપ્ત
તાજેતરમાં જ 14 અને 15 જુલાઈના રોજ સમગ્ર મહારાષ્ટ્રમાં ડેરી યુનિટ્સ, રેસ્ટોરન્ટ્સ અને ફૂડ વેન્ડર્સ પર તપાસ અભિયાન ચલાવવામાં આવ્યું હતું. આ દરમિયાન મુંબઈના `પારસી ડેરી ફાર્મ પ્રાઇવેટ લિમિટેડ`માં ખાદ્ય સુરક્ષા અને સ્વચ્છતાના નિયમોનું ગંભીર ઉલ્લંઘન જોવા મળતા વિભાગે તાત્કાલિક ધોરણે તેનું ફૂડ બિઝનેસ લાઇસન્સ સસ્પેન્ડ કરી દીધું છે. આ બે દિવસીય ડ્રાઈવમાં એજન્સીએ ગુટખાના ગેરકાયદે વેપાર અને મિલાવટખોરી સામે એક્શન લેતા ₹1.90 કરોડથી વધુની કિંમતની સામગ્રી જપ્ત કરી છે.
"દવાઓ સુરક્ષિત હોવી એ નાગરિકોનો મૂળભૂત અધિકાર છે"
ખાદ્ય પદાર્થો ઉપરાંત મુંઢેએ ભ્રમિત કરતી દવાઓ બનાવતી કંપનીઓ પર પણ સકંજો કસ્યો છે. "સેફ ફૂડ, સેફ મેડિસિન્સ, સેફ મહારાષ્ટ્ર" અભિયાન અંતર્ગત વિભાગે તાજેતરમાં જ ભ્રમિત કરનારા લેબલિંગને કારણે `Aciloc 150` અને `Aciloc 300` બ્રાન્ડની અંદાજે ₹2.45 કરોડની દવાઓનો જથ્થો જપ્ત કરી માર્કેટમાંથી તમામ દવાઓ પરત ખેંચવાનો આદેશ આપ્યો હતો. "દવાના બ્રાન્ડ નેમને કારણે જો દર્દી, ડૉક્ટર કે ફાર્માસિસ્ટમાં કોઈ મૂંઝવણ ઊભી થાય અને ખોટી દવા અપાઈ જાય, તો તે જાહેર આરોગ્ય માટે ગંભીર ચિંતાનો વિષય છે. દવાના બ્રાન્ડિંગ અને માર્કેટિંગમાં નિયમોનું પાલન અને દર્દીની સુરક્ષા સર્વોપરી હોવી જોઈએ. સુરક્ષિત દવાઓ મેળવવી એ દરેક નાગરિકોનો મૂળભૂત અધિકાર છે." તુકારામ મુંઢે, કમિશનર (FDA,મહારાષ્ટ્ર)
પુણેના ચર્ચિત હત્યાકાંડના આરોપીના ફેમિલી બિઝનેસ પર પણ તાળાં
FDA ની આ કડક કાર્યવાહી અંતર્ગત પુણેના રિયલ એસ્ટેટ ડેવલપર કેતન અગ્રવાલની હત્યા કેસની આરોપી સિયા ગોયલના પારિવારિક વ્યવસાય પર પણ ત્રાટક્યું છે. પુણેના માર્કેટ યાર્ડ ખાતે આવેલી સિયાના પરિવારની માલિકીની મસાલા અને ડ્રાયફ્રૂટ્સની પેઢી `M/s BG Goyal and Company` પર તપાસ બાદ આગામી આદેશ સુધી વેપાર બંધ રાખવાની નોટિસ ફટકારવામાં આવી છે. જોકે, સિયાના પિતા પ્રવીણ ગોયલે પત્રકારોને જણાવ્યું હતું કે તેઓ પોલીસ તપાસમાં સહકાર આપી રહ્યા છે પરંતુ તંત્ર દ્વારા તેમને વિના કારણે હેરાન કરવામાં આવી રહ્યા છે. ટીકાકારો ભલે તેમના કડક વલણને સિસ્ટમ સાથે ઘર્ષણ પેદા કરનારું ગણાવે, પરંતુ મહારાષ્ટ્રની સામાન્ય જનતા માટે તુકારામ મુંઢે વહીવટી પ્રમાણિકતા અને ઈમાનદારીનું જીવતું જાગતું પ્રતીક છે. તેમના આ આક્રમક વલણથી મહારાષ્ટ્રના મિલાવટખોરોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.
