સુધરાઈ તરફથી કોઈ વ્યવસ્થા રાખવામાં ન આવી હોવાથી તેને હૉસ્પિટલ પહોંચાડવામાં ૪૦ મિનિટ લાગી
ડોંગરી ખાતેના જંજીરા કિલ્લા પાસેની ખાઈમાં પડી ગયેલી સાઇક્લિસ્ટ સોનુને બીજા સાઇક્લિસ્ટોએ રેસ્ક્યુ કરી હતી.
મહારાષ્ટ્ર સરકારના માઝી વસુંધરા અભિયાનનો મેસેજ લોકો સુધી પહોંચાડવા માટે મીરા-ભાઈંદર મહાનગરપાલિકા દ્વારા ગઈ કાલે કિલ્લા સાઇક્લોથૉન ૨૦૨૫નું આયોજન કરવામાં આવ્યું હતું. ભાઈંદર-વેસ્ટમાં આવેલા નેતાજી સુભાષચંદ્ર બોઝ મેદાનથી ડોંગરી ખાતેના ધારાવી જંજીરા કિલ્લા રૂટની સાઇક્લોથૉનમાં ૫૦૦થી વધુ સાઇક્લિસ્ટ સહભાગી થયા હતા. જોકે જંજીરા કિલ્લા પાસેના વળાંક પર બોરીવલીની સોનુ નામની મહિલા સાઇક્લિસ્ટે સાઇકલ પરથી નિયંત્રણ ગુમાવતાં તે ખાઈમાં ખાબકી હતી. સામાન્ય રીતે આવી કોઈ ઘટના બને ત્યારે બચાવકાર્ય કરવા માટેની ટીમ તૈયાર રાખવામાં આવે છે, પણ ગઈ કાલે ખાઈમાં પડી ગયેલી મહિલાને બહાર કાઢવા માટે કોઈ વ્યવસ્થા નહોતી. આથી મહિલાને ખાઈમાંથી બહાર કાઢીને હૉસ્પિટલ પહોંચાડવામાં ૪૦ મિનિટ લાગી હતી.
નેતાજી સુભાષચંદ્ર બોઝ મેદાનમાં ગઈ કાલે સવારના સાત વાગ્યે કિલ્લા સાઇક્લોથૉન ૨૦૨૫ને મીરા-ભાઈંદર મહાનગરપાલિકાના કમિશનર-કમ-ઍડ્મિનિસ્ટ્રેટર રાધાબિનોદ શર્મા સહિતના અધિકારીઓએ લીલી ઝંડી દેખાડતાં ૫૦૦ જેટલા સાઇક્લિસ્ટોએ જંજીરા કિલ્લા તરફ પ્રયાણ કર્યું હતું.
ADVERTISEMENT
મીરા-ભાઈંદર સાઇક્લિસ્ટ અસોસિએશનના સ્થાપક ઇરફાન શેખે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમે ડોંગરી જેટી પાસે પહોંચ્યા ત્યારે બોરીવલીની પ્રોફેશનલ સાઇક્લિસ્ટ સોનુ જંજીરા કિલ્લા પાસેની ખાઈમાં પડી ગઈ હોવાનું જાણ્યું હતું. અહીં કોઈ મેડિકલ ટીમ કે ઍમ્બ્યુલન્સ નહોતી એટલે અમે ઢોળાવવાળી જગ્યામાં ઊતરીને સોનુને બહાર કાઢી હતી. તેને જંજીરા કિલ્લાથી ૧૫ કિલોમીટરના અંતરે આવેલી ભારત રત્ન પંડિત ભીમસેન જોષી હૉસ્પિટલ પહોંચાડવામાં અમને ૪૦ મિનિટ લાગી હતી. સાઇક્લોથૉનના આયોજન પહેલાં અમે આ રૂટ જોખમી હોવાની ચેતવણી આપીને રૂટ બદલવાની વિનંતી કરી હતી, જે કાને ધરવામાં નહોતી આવી એટલે સાઇક્લિસ્ટોના જીવ જોખમમાં મુકાયા હતા. બીજું, સાઇક્લોથૉન ભાઈંદરના વ્યસ્ત રૂટ પર આયોજિત કરવામાં આવી હતી. અહીં ટૂ-વ્હીલર, ઑટો અને બસ સતત ચાલતાં હોય છે એની વચ્ચેથી સાઇકલ ચલાવવાનું ખૂબ જોખમી બની જાય છે.’
ઢોળાવવાળી જગ્યાએ સાઇક્લોથૉનનું આયોજન અને ઇમર્જન્સી કે મેડિકલ ટીમ તૈયાર ન હોવા વિશે મીરા-ભાઈંદર મહાનગરપાલિકાના કમિશનર-કમ-ઍડ્મિનિસ્ટ્રેટર રાધાબિનોદ શર્માનો સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ તેમની સાથે વાત નહોતી થઈ શકી.

