હૈદરાબાદમાં કુલ ૪૮ નક્સલવાદીઓએ હથિયારો સાથે કર્યું સરેન્ડર
હૈદરાબાદમાં નક્સલવાદીઓના કમાન્ડર બારસે દેવા અને તેના સાથીઓએ આત્મસમર્પણ કર્યું એ પછી જપ્ત કરેલાં હથિયારો અને રોકડ રકમ.
છત્તીસગઢમાં શનિવારે બે અલગ-અલગ જગ્યાઓ પર નક્સલવાદીઓ સાથેના સંઘર્ષમાં સુરક્ષા દળોએ કુલ ૧૪ નક્સલવાદીઓને મારવામાં સફળતા મેળવી હતી. સુકમા પાસે ૧૨ નક્સલવાદીઓ અને બીજાપુરમાં બે નક્સલીઓ માર્યા ગયા હતા. સુરક્ષા દળોએ તમામ નક્સલીઓનાં શબ અને હથિયાર જપ્ત કરી લીધાં હતાં.
બીજી તરફ હૈદરાબાદમાં પોલીસે પ્રેસ-કૉન્ફરન્સ કરીને જાહેર કર્યું હતું કે નક્સલવાદી હિડમા ઠાર મરાયો એ પછી પીપલ્સ લિબરેશન ગોરીલા આર્મી સંગઠનની બાગડોર સંભાળી રહેલા ૪૮ વર્ષના બારસે દેવા ઉર્ફે સુક્કાએ તેના બાવીસ સાથીઓ સાથે આત્મસમર્પણ કર્યું છે. એ જ રીતે તેલંગણના બીજા એક જૂથના રાજી રેડ્ડી ઉર્ફે વેન્કટેશે તેના ૨૬ સાથીઓ સાથે આત્મસમર્પણ કર્યું હતું. કુલ ૪૬ માઓવાદીઓ જેમના પર કુલ ૧.૮૦ કરોડ રૂપિયાનું ઇનામ હતું તે સૌએ ગઈ કાલે હથિયારો સાથે આત્મસમર્પણ કરી દીધું હતું. તેમની પાસેથી આધુનિક હથિયારો જપ્ત કરવામાં આવ્યાં હતાં.


