૪૧ વિધાનસભ્યો ૪૦ વર્ષથી ઓછી ઉંમરના, સૌથી નાની ઉંમરના વિધાનસભ્ય ૨૮ વર્ષના
સેલ્ફી લેતા વિજય
તામિલનાડુના રાજકારણમાં રવિવારે એક નવા યુગનો પ્રારંભ થયો હતો. સુપરસ્ટાર વિજયે મુખ્ય પ્રધાન તરીકે પદભાર સંભાળ્યો છે અને તેમની પાર્ટી તમિલગા વેત્રી કઝગમ (TVK)એ ઇતિહાસ રચ્યો છે. વિધાનસભામાં પહોંચેલા પાર્ટીના કુલ વિધાનસભ્યોમાંથી ૯૩ સભ્યો એવા છે જેઓ પ્રથમ વાર ચૂંટણી લડ્યા છે અને સીધા જ વિધાનસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા છે.
TVKના વિધાનસભ્યોની સરેરાશ ઉંમર ૪૫ વર્ષ છે, જે ભારતીય રાજકારણના માપદંડો મુજબ ઘણી ઓછી ગણાય.
૪૧ વિધાનસભ્યો ૪૦ વર્ષથી ઓછી ઉંમરના છે, જ્યારે સૌથી નાની વયના વિધાનસભ્યની ઉંમર ૨૮ વર્ષ છે.
ADVERTISEMENT
વિધાનસભ્યોમાં ૯ ડૉક્ટર, ૮ વકીલ અને ૭ ફિલ્મી દુનિયા સાથે સંકળાયેલા સભ્યો છે. ૬૩ ટકા સભ્યો સ્નાતકની પદવી ધરાવે છે.
પક્ષમાં ભલે નવા ચહેરાઓનો દબદબો હોય, પરંતુ કે. એ. સેન્ગોટ્ટિયન અને એન. સુબ્રમણ્યમ જેવા અનુભવી નેતાઓ પણ છે જેઓ અગાઉ ઑલ ઇન્ડિયા અન્ના દ્રવિડ મુન્નેત્ર કઝઘમ (AIADMK) સરકારમાં પ્રધાન તરીકે સેવા આપી ચૂક્યા છે. જોકે ૧૦૭ વિધાનસભ્યોમાંથી માત્ર ૧૪ પાસે જ અગાઉ જનપ્રતિનિધિ તરીકેનો અનુભવ છે.
૫૧ વર્ષના વિજયના યુવા ચાહકો અને બદલાતા જનમતને કારણે તામિલનાડુમાં આ મોટો સત્તાપલટો શક્ય બન્યો છે. નવા મુખ્ય પ્રધાન વિજય સમક્ષ હવે વહીવટી અનુભવ વગરની આખી યુવા ટીમને સાથે લઈને રાજ્યનો વહીવટ ચલાવવાનો મોટો પડકાર રહેશે.
