મધ્ય પ્રદેશની ઘટના: ઐતિહાસિક અજનાર નદીને પ્રદૂષણમુક્ત કરવા બે મહિના મચી પડ્યો સુરેન્દ્ર સિંહ ચૌધરી ઉર્ફે બિટ્ટુ તબાહી
પહેલાં અને હવે
બિટ્ટુ તબાહી તરીકેની ઑનલાઇન ઓળખ ધરાવતા માત્ર ૨૦ વર્ષની ઉંમરના સુરેન્દ્ર સિંહ ચૌધરીએ સાબિત કર્યું છે કે સાચું પરિવર્તન એક ડગલાથી શરૂ થાય છે. મધ્ય પ્રદેશના બ્યાવરામાં ઐતિહાસિક અજનાર નદીનું પ્રદૂષણ તેણે તરવાનું જાણ્યા વિના, પગમાં મોજાં-બૂટ પહેર્યા વિના એકલા હાથે સાફ કર્યું છે. તેણે આ નદીને સાફ કરવા માટે બે મહિનાનો સમય લીધો હતો અને પોતાના ૩૦,૦૦૦ રૂપિયા ખર્ચ્યા હતા. કચરાના કારણે ચામડીનો રોગ થવા છતાં તેણે પોસ્ટ કરેલી સ્વચ્છ નદીની તસવીરો આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (AI)થી તૈયાર કરી હોવાનો આરોપ કેટલાક લોકોએ લગાવ્યો હતો.
આ નદીમાં પ્લાસ્ટિકનો કચરો અને પૂજાસામગ્રીના ઢગલા પાણીના પ્રવાહને અવરોધિત કરતા હોવાથી ખૂબ જ વાસ આવતી હતી. આ પરિસ્થિતિને સુધારવા સુરેન્દ્ર ચૌધરીએ એકલે હાથે કામ શરૂ કર્યું હતું. સુધરાઈના અધિકારીઓ કે બાહ્ય ભંડોળની રાહ જોયા વિના તે કચરો સાફ કરવા માટે ખાલી હાથે પ્રદૂષિત, કમર સુધીના પાણીમાં ઊતર્યો હતો. તે તરવાનું પણ જાણતો નહોતો. રબરનાં બૂટ, રક્ષણાત્મક મોજાં જેવાં મૂળભૂત સલામતી સાધનોનો અભાવ હોવા છતાં આ બહાદુર યુવાને બે મહિનામાં પોતાની વ્યક્તિગત બચતમાંથી આશરે ત્રીસ હજાર રૂપિયા વાપર્યા હતા.
કચરાના કારણે તેને હાથ અને પગમાં ગંભીર ચેપ લાગ્યો હતો પણ તેણે નદીના પટમાંથી કચરો સંપૂર્ણપણે સાફ ન થાય ત્યાં સુધી કામ છોડવાનો ઇનકાર કર્યો હતો. પ્લાસ્ટિકના કચરાને દૂર કરવા ઉપરાંત તેણે ફેંકી દેવાયેલા ધાર્મિક ફૂલોના પ્રસાદને પાણીમાંથી એકત્રિત કરીને અને છોડ માટે પોષક તત્ત્વોથી ભરપૂર કાર્બનિક ખાતરમાં સફળતાપૂર્વક પ્રક્રિયા કરીને ટકાઉ અભિગમ અપનાવ્યો હતો.
ADVERTISEMENT
બિટ્ટુ તબાહીને મળ્યા મધ્ય પ્રદેશના મુખ્યપ્રધાન
મધ્ય પ્રદેશના મુખ્ય પ્રધાન ડો. મોહન યાદવ ગઈ કાલે સુરેન્દ્ર સિંહ ચૌધરી ઉર્ફે બિટ્ટુ તબાહીને મળ્યા હતા. બિટ્ટુના કાર્યની પ્રશંસા કરતાં મુખ્ય પ્રધાને કહ્યું હતું કે તેણે માત્ર નદીને સાફ નથી કરી, સમાજને એ પણ ખાતરી આપી છે કે પરિવર્તન લાવવા માટે ભીડ નહીં પણ એક નિષ્ઠાવાન પહેલ પૂરતી છે.
