Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > માયાને મળી જીવનની નવી આશા

માયાને મળી જીવનની નવી આશા

Published : 07 November, 2026 07:21 AM | IST | Thiruvananthapuram
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

અનંત અંબાણીના વનતારા દ્વારા કેરલમમાંથી બીમાર બાળહાથીને જીવનરક્ષક સારવાર માટે ઍરલિફ્ટ કરીને જામનગર લવાયું

આશા, કરુણા અને સહાનુભૂતિનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડીને વનતારાએ ૧૮ મહિનાની બેબી હાથણી માયાને ઍરલિફ્ટ કરી છે, જેથી એની જીવનરક્ષક સંભાળ લઈ શકાય અને નવજીવન આપી શકાય.

આશા, કરુણા અને સહાનુભૂતિનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડીને વનતારાએ ૧૮ મહિનાની બેબી હાથણી માયાને ઍરલિફ્ટ કરી છે, જેથી એની જીવનરક્ષક સંભાળ લઈ શકાય અને નવજીવન આપી શકાય.


જન્મ સમયે જ માતાથી વિખૂટું પડેલું અને કેરલમના વનવિભાગના કર્મચારીઓની દેખરેખ હેઠળ ઊછરેલું ૧૮ મહિનાનું માયા નામનું બચ્ચું હાડકાંની ગંભીર નબળાઈ અને ફ્રૅક્ચરની સમસ્યાથી પીડાઈ રહ્યું છે. હવે વનતારામાં એને વિશેષ અને સંપૂર્ણ સારવાર આપવામાં આવશે.

નદીના કિનારે માયા એકલી મળી આવી હતી. એ નવજાત હતી. એનું ટોળું નદી પાર કરીને આગળ નીકળી ગયું હતું અને એ એકલી પાછળ રહી ગઈ હતી. આજે ૧૮ મહિના પછી એની સ્થિતિ એવી છે કે એ પોતાના પગ પર ઊભી પણ રહી શકતી નથી. એના આગળના બન્ને પગમાં ફ્રૅક્ચર થયાં છે. એને સાજા થવાની નવી તક આપવા માટે હવે હવાઈમાર્ગે ભારતના એક છેડેથી બીજા છેડે લઈ જવામાં આવી રહી છે.



વનતારાના સ્થાપક અનંત અંબાણીની પહેલથી સંસ્થાએ પોતાની વિશેષ પશુચિકિત્સા ટીમને તાત્કાલિક રીતે સક્રિય કરી હતી. કેરલમના ચીફ વાઇલ્ડલાઇફ વૉર્ડન ડૉ. પી. પુગલેન્ધી, IFS દ્વારા ટ્રાન્સફરનો આદેશ આપવામાં આવ્યા બાદ ૬ નવેમ્બરના રોજ માયાને ઍરલિફ્ટ કરીને હવાઈમાર્ગે જામનગરસ્થિત વનતારાની સઘન સારવાર સુવિધામાં લાવવામાં આવી હતી.


૧૯ એપ્રિલ, ૨૦૨૫ના રોજ મલયાટ્ટુર ડિવિઝનના કાપ્રિક્કાડ નજીક માયા નબળી અને ડીહાઇડ્રટેડ સ્થિતિમાં મળી આવી હતી. એને માતાનું પ્રથમ દૂધ પણ મળ્યું નહોતું અને એ દૂધ પીવા માટે પણ અસમર્થ હતી. ત્યારથી એક વર્ષ કરતાં વધુ સમય સુધી અસિસ્ટન્ટ ફૉરેસ્ટ વેટરિનરી ઑફિસર ડૉ. બિનોય સી. બાબુ અને તેમની સમર્પિત ટીમે દિવસ-રાત એની સંભાળ રાખી હતી. એને સમયસર દૂધ પિવડાવવાથી લઈને એની સારવાર અને દેખરેખ સુધીની તમામ જવાબદારી ટીમે નિભાવી હતી. આ દરમ્યાન એને ‘માયા’ નામ આપવામાં આવ્યું હતું.

જુલાઈ ૨૦૨૬માં રમતી વખતે માયાનો પગ લપસી જતાં એના ખભામાં ઈજા થઈ હતી. ફિઝિયોથેરપી, સ્પ્લિન્ટ્સ અને સપ્લિમેન્ટ્સ દ્વારા સારવાર આપવા છતાં એનાં હાડકાં સતત વધુ નબળાં થતાં ગયાં. ઑક્ટોબરના અંત સુધીમાં એની સ્થિતિ એટલી બગડી ગઈ હતી કે એ ઊભી પણ રહી શકતી નહોતી. એના આગળના બન્ને પગમાં ફ્રૅક્ચર થયું હતું. આ ઉપરાંત એને છાતીમાં ઇન્ફેક્શન અને શરીર પર દબાણને કારણે ચાંદાં પણ પડ્યાં હતાં. એની સાજા થવાની શક્યતા અત્યંત ઓછી હોવાનું જણાતું હતું.


દરેક શક્ય સારવારનો વિકલ્પ તપાસવા કેરલમના ચીફ વાઇલ્ડલાઇફ વૉર્ડને નિષ્ણાતોનો અભિપ્રાય મેળવ્યો હતો. પદમશ્રી ડૉ. કુશલ કોનવર શર્મા અને વનતારાના હેડ વેટરનરી ડૉ. યાદુરાજ ખડપેકરે માયાની સ્થિતિ પાછળ પૅરાથાઇરૉઇડ ગ્રંથિ સંબંધિત વિકાર હોવાની શક્યતા વ્યક્ત કરી હતી, જેની સારવાર શક્ય હતી. મેડિકલ બોર્ડે પણ સર્વાનુમતે નક્કી કર્યું કે માયાને સાજા થવાની દરેક તક મળવી જોઈએ.

માયાને લાઇફ સપોર્ટ સાથે હવાઈ માર્ગે જામનગર લાવવામાં આવી હતી. એની સાથે વનતારાના ૩ હાથીની સારવારમાં નિષ્ણાત પશુચિકિત્સકો, પૅરાવેટ્સ અને મહાવત ઉપરાંત ડૉ. બિનોય સી. બાબુ અને માયાના પરિચિત મહાવત નિખિલ બાબુ પણ હતા જેઓ સારવાર દરમ્યાન એની સાથે રહેશે. વનતારામાં માયાને ૨૪ કલાક દેખરેખ, પીડા નિયંત્રણ, ઍડ્વાન્સ્ડ તપાસ, હાઇડ્રોલિક લિફ્ટિંગ સપોર્ટ અને જરૂરિયાત મુજબ હાઇડ્રોથેરપી આપવામાં આવશે. એની સારવારની જવાબદારી કેરલમ સરકાર પાસે જ રહેશે અને સારવાર પૂરી થયા બાદ વનતારા એને અભયારણ્ય પાછી પહોંચાડવામાં સહાય કરશે.

વનતારાના CEO વિવાન કરણીએ જણાવ્યું હતું કે ‘માયાએ જીવનના દરેક દિવસ માટે સંઘર્ષ કર્યો છે. હવે એના માટે લડવાનો અમારો વારો છે. અમારી ટીમ એક ક્ષણ માટે પણ એને એકલી નહીં છોડે. આજે અમે સૌને આ નાનકડા જીવ માટે પ્રાર્થના કરવાની અપીલ કરીએ છીએ. દરેક જીવન મહત્ત્વનું છે અને માયાનું જીવન આપણા સૌ માટે મહત્ત્વ ધરાવે છે.’

માયાના સાજા થવાની શક્યતા વિશે હજી કંઈ કહી શકાય એમ નથી અને એની આગળની સફર મુશ્કેલ છે, પરંતુ આ લડાઈમાં એ એકલી નથી.

Whatsapp-channel Whatsapp-channel

07 November, 2026 07:21 AM IST | Thiruvananthapuram | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK