આ વિદેશી એજન્ટોએ શિક્ષણવિદો હોવાનો ઢોંગ કરીને તેમનો સંપર્ક કર્યો હતો.
પ્રતીકાત્મક તસવીર
શિક્ષણવિદના વેશમાં આવેલા લોકો વિદેશી ખુફિયા એજન્સીના છે એવી તેને ખબર નહોતી એટલે ભૌગોલિક રીતે સંવેદનશીલ વિષયો પર લેખ લખ્યા જમ્મુ-કાશ્મીર પોલીસે એક સિનિયર આર્મી ઑફિસરની પત્ની સામે ચોંકાવનારો આરોપ મૂક્યો છે. આરોપ છે કે આ મહિલાએ ચીન સહિતની વિદેશી ગુપ્તચર એજન્સીઓ સાથે સંકળાયેલી વ્યક્તિઓને સંવેદનશીલ માહિતી પૂરી પાડતી હતી. આ વિદેશી એજન્ટોએ શિક્ષણવિદો હોવાનો ઢોંગ કરીને તેમનો સંપર્ક કર્યો હતો.
આરોપી એક સિનિયર આર્મી ઑફિસરની પત્ની છે અને તે મૂળ તેલંગણની રહેવાસી છે અને હાલમાં જમ્મુના ગાંધીનગર પોલીસ-સ્ટેશનના અધિકાર ક્ષેત્ર હેઠળના વિસ્તારમાં રહે છે. તેનું કહેવું છે કે તે અજાણતા જ જાળમાં ફસાઈ હતી. તેને ખ્યાલ જ નહોતો કે જે લોકો સાથે તે વાતચીત કરી રહી છે તેઓ શિક્ષણવિદો નહીં, પરંતુ ચીનના ગુપ્તચર એજન્ટો હતા.
પ્રાથમિક તપાસ મુજબ કેટલાક ચીની ઑપરેટિવ્સ આ મહિલાના સંપર્કમાં આવ્યા અને તેને પ્રકાશન માટે વ્યુહાત્મક અને ઑપરેશનલ મહત્ત્વ ધરાવતા વિષયો પર લેખો લખવા માટે તૈયાર કરી હતી. શરૂઆતમાં આ મહિલાએ પર્યાવરણીય અને ભૌગોલિક રાજનીતિ સાથે સંબંધિત મુદ્દાઓ પર લેખ લખ્યા હતા પણ પછી તેની પાસે સંવેદનશીલ સંરક્ષણ સંબંધિત મુદ્દાઓ પર લેખ લખવા જણાવવામાં આવ્યું હતું અને આમ સંવેદનશીલ માહિતી તેણે શૅર કરી હતી.
