૨૪ વર્ષના લૉના સ્ટુડન્ટ નંદીલે ફક્ત ત્રણ-ચાર મહિનાની તૈયારી પછી આ કઠિન સ્પર્ધામાં ભાગ લીધો હતો
નંદીલ સરમા
આસામના મુખ્ય પ્રધાન હિમંતા બિસ્વ સરમાના પુત્ર નંદીલ સરમાએ શુક્રવારે પાંચમી ડિસેમ્બરે બાહરિનમાં આયર્નમૅન 70.3 ટ્રાયથ્લૉન પૂર્ણ કરી હતી. ૨૪ વર્ષના લૉના સ્ટુડન્ટ નંદીલે ફક્ત ત્રણ-ચાર મહિનાની તૈયારી પછી આ કઠિન સ્પર્ધામાં ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં ૧.૯ કિલોમીટરના સ્વિમિંગનો, ૯૦ કિલોમીટરના સાઇક્લિંગનો અને ૨૧.૧ કિલોમીટરની દોડનો સમાવેશ હોય છે. ૧૧૩ કિલોમીટરનું આ કુલ અંતર માઇલમાં ગણીએ તો ૭૦.૩ થાય છે અને એટલે એને આયર્મમૅન ૭૦.૩ ટ્રાયથ્લૉન કહેવાય છે. કુલ આયર્નમૅન ટ્રાયથ્લૉન આનાથી ડબલ અંતરની હોય છે જે નંદીલ કરવા ધારે છે. આ રેસના સ્પર્ધકોએ બ્રેક લીધા વિના સતત પ્રયાસમાં ત્રણેય રેસ પૂર્ણ કરવી જરૂરી હોય છે. તેણે આ પડકારજનક સ્પર્ધા ૬ કલાક ૪૮ મિનિટમાં પૂર્ણ કરી હતી.
આસામના મુખ્ય પ્રધાન હિમંતા બિસ્વ સરમાએ સોશ્યલ મીડિયા પર ગર્વની આ ક્ષણ શૅર કરીને પુત્ર નંદીલ સરમાને અભિનંદન આપ્યાં હતાં. તેમણે પોસ્ટમાં લખ્યું હતું, ‘એક ગૌરવશાળી પિતા તરફથી મારા પુત્ર નંદીલને અભિનંદન. તેણે બાહરિનમાં આયર્નમૅન 70.3 એક જ વારમાં પૂર્ણ કરી છે.


