તૃણમૂલ કૉન્ગ્રેસે ૨૯૧ ઉમેદવારો જાહેર કરી દીધા, ૩ બેઠક સહયોગી પાર્ટીને આપી, બાવન મહિલા ઉમેદવારોને તક
મમતા બેનર્જી, શુભેન્દુ અધિકારી
પશ્ચિમ બંગાળનાં મુખ્ય પ્રધાન મમતા બૅનરજીએ વિપક્ષ નેતા શુભેન્દુ અધિકારી સામે જ ચૂંટણી લડવાનું નક્કી કરી લીધું છે. સોમવારે BJPએ મમતા બૅનરજીની બે સંભવિત બેઠકો નંદીગ્રામ અને ભવાનીપુરા પરથી શુભેન્દુ અધિકારીને ઉતાર્યા હતા. નંદીગ્રામ એ બેઠક છે જ્યાં ગયા વખતે મમતા બૅનરજીને શુભેન્દુએ હરાવ્યાં હતાં. મમતા બૅનરજી એ પછી ઉપચૂંટણીમાં ભવાનીપુરાની બેઠક પર ચૂંટણી લડીને વિધાનસભ્ય બન્યાં હતાં. મમતા બૅનરજીએ પણ જાહેર કરી દીધું છે કે તેઓ આ વખતે ભવાનીપુરા સીટ પરથી જ ચૂંટણી લડશે.
મંગળવારે તૃણમૂલ કૉન્ગ્રેસે વિધાનસભા ચૂંટણીની કુલ ૨૯૪ બેઠકમાંથી ૨૯૧ બેઠક માટે પાર્ટીના ઉમેદવારોની જાહેરાત કરી છે. બાકીની ૩ બેઠક સહયોગી પાર્ટી BGPMને આપી છે. આ વખતે મમતાએ સેલિબ્રિટીઓથી અંતર રાખ્યું છે. ૨૦૨૧માં TMCએ ૧૫ સેલિબ્રિટીઝને ટિકિટ આપી હતી, પણ આ વખતે માત્ર બે જ સેલિબ્રિટીઝ છે. કુલ બાવન મહિલાઓને ટિકિટ આપી છે. ૪૦ વર્ષથી નાની વયના ૪૨ ઉમેદવારો છે અને લગભગ ૯૫ ઉમેદવારો શેડ્યુલ કાસ્ટ/શેડ્યુલ ટ્રાઇબ્સના છે.
