ફુકેત ભાગી ગયેલા માલિકો સામે ઇન્ટરપોલે બ્લુ કૉર્નર નોટિસ જાહેર કરી
ગૌરવ લુથરા થાઇલૅન્ડમાં હોવાના દાવા સાથે સામે આવેલી તસવીર.
ગોવાના અરપોરામાં બર્ચ બાય રોમિયો લેન નાઇટ-ક્લબમાં આગ લાગવાથી ૨૫ લોકોએ જીવ ગુમાવ્યા બાદ એના માલિકો સૌરભ અને ગૌરવ લુથરાની માલિકીની વાગાટોર વિસ્તારમાં આવેલી રોમિયો લેન રેસ્ટોરાંના ડિમોલિશનનો આદેશ ગોવાના મુખ્ય પ્રધાન પ્રમોદ સાવંતે આપ્યો હતો. ગઈ કાલે બપોરે ૩ વાગ્યા બાદ તોડકામ શરૂ થયું હતું અને રેસ્ટોરાંનો એક ભાગ તોડી પાડવામાં આવ્યો હતો. કુલ ૧૯૮ ચોરસ મીટર બાંધકામ તોડી પાડવાની કામગીરી હાથ ધરાઈ છે એવું જણાવવામાં આવ્યું હતું.
આગની ઘટના બાદ લુથરા ભાઈઓ થાઇલૅન્ડ ભાગી ગયા હતા. આ દુર્ઘટના પછી પોલીસે ફરિયાદ નોંધીને બન્નેની શોધ શરૂ કરી હતી. ૭ ડિસેમ્બરે તેમની વિરુદ્ધ લુકઆઉટ સર્ક્યુલર જાહેર કરવામાં આવ્યો હતો, પણ ઇમિગ્રેશન રેકૉર્ડ્સ પરથી જાણવા મળ્યું હતું કે બન્ને ભાઈઓ ઇન્ડિગોની સવારે ૫.૩૦ વાગ્યાની ફ્લાઇટ 6E-1073માં ટ્રાવેલ કરીને દેશ છોડીને ફુકેત ભાગી ગયા હતા. ગોવા પોલીસે સૌરભ અને ગૌરવ લુથરા સામે ઇન્ટરપોલે બ્લુ નોટિસ જાહેર કરી છે. આ દરમ્યાન થાઇલૅન્ડથી ગૌરવ લુથરાનો એક ફોટો પણ સામે આવ્યો હતો.


