આ કોઈ મેડિકલ ઇક્વિપમેન્ટ નથી અને આ અરજી કોણે કરી એ અમારે જાણવું છે
દિલ્હી હાઇકોર્ટ
ઍર-પ્યુરિફાયરને મેડિકલ ઇક્વિપમેન્ટ જાહેર કરવા અને એની ખરીદી પર ગુડ્સ ઍન્ડ સર્વિસિસ ટૅક્સ (GST) ઓછો કરવાની માગણી કરતી અરજીનો કેન્દ્ર સરકારે વિરોધ કર્યો હતો અને અરજદારના હેતુ પર સવાલ ઉઠાવ્યા હતા. ૨૪ ડિસેમ્બરે ઍડ્વોકેટ કપિલ મદન દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી કરતી વખતે હાઈ કોર્ટે ઍર-પ્યુરિફાયર પર GST ઘટાડવાના મુદ્દે GST કાઉન્સિલને તાત્કાલિક બેઠક યોજવા અને આ મુદ્દા પર નિર્ણય લેવાનું કહ્યું હતું.
ગઈ કાલે કેન્દ્ર સરકારે દિલ્હી હાઈ કોર્ટ સમક્ષ કહ્યું હતું કે ‘એ કોઈ મેડિકલ ઇક્વિપમેન્ટ નથી અને GST કાઉન્સિલ આ સંદર્ભે નિર્ણય લઈ શકતી નથી, કારણ કે મેડિકલ ઇક્વિપમેન્ટનું વર્ગીકરણ આરોગ્ય મંત્રાલય દ્વારા વિગતવાર તપાસ પછી કરવામાં આવે છે, GST કાઉન્સિલ દ્વારા નહીં.’
ADVERTISEMENT
કેન્દ્ર સરકાર તરફથી હાજર રહેલા ઍડિશનલ સૉલિસિટર જનરલ (ASG) એન. વેન્કટરામને જસ્ટિસ વિકાસ મહાજન અને જસ્ટિસ વિનોદ કુમારની બનેલી બેન્ચને આ બાબતે વિગતવાર ઍફિડેવિટ દાખલ કરવા માટે સમય માગીને કહ્યું હતું કે ‘અમે જાણવા માગીએ છીએ કે આ રિટ અરજી પાછળ કોણ છે. એ બિલકુલ જનહિતની અરજી નથી. અમે નિયમો, પ્રક્રિયા, લાઇસન્સિંગ વગેરેનો ઘણો અભ્યાસ કર્યો છે. અરજદાર કોને ફાયદો પહોંચાડવા માગે છે એની અમને ખબર નથી. અમને લાગે છે કે આ અરજીમાં ઘણીબધી બાબતો ગણતરીપૂર્વકની છે.’


