Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > બાબા કેદારનાથમાં આસ્થાનો સાગર ઊમટ્યો, પણ અવ્યવસ્થાને કારણે શ્રદ્ધાળુઓ ત્રાહિમામ્

બાબા કેદારનાથમાં આસ્થાનો સાગર ઊમટ્યો, પણ અવ્યવસ્થાને કારણે શ્રદ્ધાળુઓ ત્રાહિમામ્

Published : 24 April, 2026 09:33 AM | IST | Uttarakhand
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ગુરુવારે સવારે ૬.૧૫ વાગ્યે બાબા બદરીનાથ ધામનાં કપાટ પણ પૂરા વિધિવિધાન સાથે ખોલવામાં આવ્યાં હતાં

જય બદરી વિશાલ...ની ગુંજ સાથે બદરીનાથ ધામનાં કપાટ પણ ખૂલ્યાં

જય બદરી વિશાલ...ની ગુંજ સાથે બદરીનાથ ધામનાં કપાટ પણ ખૂલ્યાં


ઉત્તરાખંડના પવિત્ર કેદારનાથ ધામનાં કપાટ બુધવારે ખૂલતાંની સાથે જ શ્રદ્ધાળુઓની ભારે ભીડ ઊમટી હતી. જોકે પહેલા જ દિવસે વ્યવસ્થાઓ ખૂબ કાચી રહી ગઈ હોવાનું સાબિત થયું હતું. ભીડના ધસારાને સંભાળવામાં વ્યવસ્થાઓ નાકામ રહી હતી. એને કારણે મુખ્ય ધામ પર ભક્તોની લાંબી લાઇનો જોવા મળી. લાંબી લાઇનો, ખરાબ મોસમ, સીધું ચડાણ અને ભીડ કન્ટ્રોલ કરવામાં ફેલ થયેલી વ્યવસ્થાઓને કારણે ભક્તોની ધીરજની કસોટી થઈ હતી. 

યાત્રાના પહેલા જ દિવસે કેદારનાથમાં ૩૮,૦૦૦ ભક્તોએ બાબા કેદારનાથનાં દર્શન કર્યાં હતાં. પહેલા દિવસે હેલિકૉપ્ટર સેવાઓ ચાલુ નહોતી એને કારણે પણ મુશ્કેલી સર્જાઈ હતી. જોકે બપોર પછી હેલિકૉપ્ટરને ફ્લાય કરવાની પરવાનગી મળી હતી. બીજા દિવસે પણ શ્રદ્ધાળુઓ સવારે ૪ વાગ્યાથી દર્શન માટે સોનપ્રયાગથી રવાના થવા લાગ્યા હતા. સોનપ્રયાગમાં પણ શટલ વાહનો અને તીર્થયાત્રીઓની લાંબી લાઇનો અને અંધાધૂંધી જોવા મળી હતી. હાઇવે પર પણ જૅમ લાગ્યો હોવાથી કલાકો સુધી લોકો એક જ સ્થળે ફસાયેલા રહ્યા હતા. 



સામાન્ય શ્રદ્ધાળુઓનો આરોપ હતો કે તેઓ કેટલાય કલાકો સુધી લાંબી લાઇનમાં ઊભા રહે છે એ પછી પણ દર્શન દુર્લભ છે, જ્યારે VIP દર્શન-વ્યવસ્થાને કારણે કેટલાક લોકો આસાનીથી દર્શન કરી આવે છે. દર્શન માટે પહેલેથી પરચી લેવાની વ્યવસ્થા છે, પરંતુ એ સિસ્ટમ પણ હજી પૂરી રીતે અમલમાં નથી આવી. ભારે ભીડને કારણે કેટલાય શ્રદ્ધાળુઓ દર્શન કર્યા વિના જ પાછા ફરી રહ્યા છે. ધક્કામુકીને કારણે મહિલાઓ, બાળકો અને વૃદ્ધોની હાલત ખરાબ થઈ રહી છે. એક વાઇરલ વિડિયોમાં એક ભક્ત કહેતો દેખાય છે કે ‘સાઇટનું મૅનેજમેન્ટ બરાબર નથી કરવામાં આવ્યું. અમે જ્યારે ભીડમાંથી નીકળવાની કોશિશ કરી રહ્યા હતા તો ગાર્ડ્સે અમારા પર લાઠીથી હુમલો કરી દીધો. કેદારનાથ કભી મત આના...’


વિડિયોમાં ભીડની અંદર તેની પત્ની અને સંતાન ખૂબ હેરાન થયેલાં જોઈ શકાય છે. આવા જ એક અન્ય વાઇરલ વિડિયોમાં હેરાનપરેશાન શ્રદ્ધાળુ કહે છે, ‘બહુ આસ્થા સાથે અમે ધામ પહોંચ્યા હતા, પણ અવ્યવસ્થાને કારણે નિરાશાજનક અનુભવ રહ્યો.’

હજી તો યાત્રાની શરૂઆત છે અને એમાં જ આ હાલત છે તો સવાલ એ ઊઠે છે કે આવનારા દિવસોમાં ભીડ વધશે ત્યારે એ માટે પ્રશાસને કયાં ઠોસ પગલાં લીધાં છે?


જય બદરી વિશાલ...ની ગુંજ સાથે બદરીનાથ ધામનાં કપાટ પણ ખૂલ્યાં 

ગુરુવારે સવારે ૬.૧૫ વાગ્યે બાબા બદરીનાથ ધામનાં કપાટ પણ પૂરા વિધિવિધાન સાથે ખોલવામાં આવ્યાં હતાં. કપાટ ખૂલતાં જ ભક્તોએ ‘જય બદરી વિશાલ’ અને ‘જય લક્ષ્મી માતા’ના જયકારા લગાવીને માહોલ ભક્તિમય કરી દીધો હતો. દેશ-વિદેશના શ્રદ્ધાળુઓ અહીં પ્રભુનાં કપાટ ખૂલવાની રાહ જોતા ઊભા હતા. ધામને પચીસ ક્વિન્ટલ ફૂલોથી સજાવવામાં આવ્યું હતું. આ દરમ્યાન ઉત્તરાખંડના મુખ્ય પ્રધાન પુષ્કર સિંહ ધામીએ પણ બદરીનાથ ધામમાં પૂજા-અર્ચના કરી હતી. 

Whatsapp-channel Whatsapp-channel

24 April, 2026 09:33 AM IST | Uttarakhand | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK