આજે સવારે ૧૦ વાગ્યે અયોધ્યામાં સરયૂ નદીમાં જળસમાધિ અપાશે
ડૉ. રામવિલાસ દાસ વેદાંતી
રામ મંદિર આંદોલનના સંત અને ભૂતપૂર્વ સંસદસભ્ય ૬૭ વર્ષના ડૉ. રામવિલાસ દાસ વેદાંતીએ મધ્ય પ્રદેશના રેવામાં સોમવારે બપોરે ૧૨.૨૦ વાગ્યે અંતિમ શ્વાસ લીધા હતા. આજે સવારે ૧૦ વાગ્યે અયોધ્યામાં સરયૂ નદીમાં તેમના પાર્થિવને જળસમાધિ આપવામાં આવશે.
તેઓ રીવામાં આઠથી ૧૬ ડિસેમ્બર વચ્ચે ૯ દિવસની રામકથા કરી રહ્યા હતા ત્યારે રવિવારે ૧૪ ડિસેમ્બરે તેમની તબિયત લથડી હતી. રીવાની એક હૉસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી અને ગઈ કાલે તેમને ભોપાલ ઍરલિફ્ટ કરવાની તૈયારી ચાલી રહી હતી. તેમને લેવા માટે ઍર ઍમ્બ્યુલન્સ આવી હતી, પરંતુ ધુમ્મસને કારણે એ ઊતરી શકી નહોતી.
ADVERTISEMENT
ડૉ. રામવિલાસ દાસ વેદાંતીના ઉત્તરાધિકારી મહંત રાઘવેશ દાસ વેદાંતીએ જણાવ્યું હતું કે ‘મહારાજજીના પાર્થિવને અયોધ્યા લઈ જવામાં આવશે. મહારાજજીની અંતિમયાત્રા આજે સવારે અયોધ્યાના હિન્દુધામથી રવાના થશે અને રામ મંદિર સુધી જશે. ત્યાર બાદ તેમને સરયૂ નદીમાં જળસમાધિ આપવામાં આવશે. તેમનાં અંતિમ દર્શનાર્થે દેશભરમાંથી સંતો આવશે.’
૧૨ વર્ષની ઉંમરે અયોધ્યા આવ્યા અને વસી ગયા
ડૉ. વેદાંતીનો જન્મ ૧૯૫૮ની ૭ ઑક્ટોબરે રીવાના ગુધવા ગામમાં થયો હતો. તેઓ ૧૨ વર્ષના હતા ત્યારે અયોધ્યા ગયા હતા. હનુમાનગઢીના સંત અભિરામ દાસને તેમણે ગુરુ બનાવ્યા હતા. તેમણે પોતાનું આખું જીવન ત્યાં વિતાવ્યું હતું. તેમણે ઉત્તર પ્રદેશના પ્રતાપગઢ અને જૌનપુરના મછલીશહરથી બે વખત ભારતીય જનતા પાર્ટીના સંસદસભ્ય તરીકે પણ સેવા આપી હતી.
ડૉ. રામવિલાસ વેદાંતી બાબરી મસ્જિદ ધ્વંસ કેસમાં આરોપી હતા. ૨૦૨૦માં સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI)ની એક ખાસ કોર્ટે તેમને નિર્દોષ જાહેર કર્યા હતા. કોર્ટે તારણ કાઢ્યું કે ધ્વંસ પાછળ કોઈ કાવતરું નહોતું.


