ઉત્તર પ્રદેશમાં PMJDY અકાઉન્ટની કુલ સંખ્યા સૌથી વધુ ૧૦.૫૧ કરોડ હતી, ત્યાર બાદ બિહારમાં ૭.૦૧ કરોડ અકાઉન્ટ છે
નરેન્દ્ર મોદી
દેશના તમામ વર્ગના લોકોને બૅન્કિંગ સાથે જોડવા માટે ૨૦૧૪ના ઑગસ્ટ મહિનામાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા પ્રધાનમંત્રી જન ધન યોજના (PMJDY) શરૂ કરવામાં આવી હતી અને અત્યારે દેશમાં આવાં ૫૯,૦૩,૭૪,૯૦૭ PMJDY અકાઉન્ટ છે, જેમાં કુલ ૩,૧૫,૧૭૯.૯૦ કરોડ રૂપિયા જમા છે. જોકે ચંદ્ર શેખર ગૌર નામના એક કાર્યકર્તા દ્વારા દાખલ કરવામાં આવેલી રાઇટ ટુ ઇન્ફર્મેશન (RTI) અૅક્ટ અંતર્ગતની અરજીના જવાબમાં નાણામંત્રાલયના નાણાકીય સેવા વિભાગે જણાવ્યું હતું કે PMJDY હેઠળનું દરેક ચોથું ખાતું નિષ્ક્રિય છે, જ્યારે લગભગ ૫.૭૨ કરોડ ખાતાંઓમાં ઝીરો બૅલૅન્સ છે. ઉત્તર પ્રદેશમાં સૌથી વધુ ઝીરો-બૅલૅન્સ અકાઉન્ટ છે.
ઉત્તર પ્રદેશમાં સૌથી વધુ ઝીરો બૅલૅન્સ અકાઉન્ટ
ઉત્તર પ્રદેશમાં સૌથી વધુ ૯૫.૯૨ લાખ ઝીરો-બૅલૅન્સ PMJDY અકાઉન્ટ છે, ત્યાર બાદ બિહાર (૬૨.૩૫ લાખ), પશ્ચિમ બંગાળ (૩૭.૨૦ લાખ), આસામ (૩૬.૩૦ લાખ) અને મહારાષ્ટ્ર (૩૬.૦૪ લાખ)નો નંબર આવે છે. સૌથી વધુ નિષ્ક્રિય PMJDY અકાઉન્ટ ધરાવતાં પાંચ રાજ્યોમાં પણ ઉત્તર પ્રદેશ (૩.૨૩ કરોડ), બિહાર (૧.૫૯ કરોડ), મધ્ય પ્રદેશ (૧.૩૫ કરોડ), પશ્ચિમ બંગાળ (૧.૦૨ કરોડ) અને મહારાષ્ટ્ર (૯૭.૯૪ લાખ)નો સમાવેશ થાય છે.
ADVERTISEMENT
મહિલાઓનાં અકાઉન્ટ વધારે
59.03 કરોડ PMJDY અકાઉન્ટમાંથી ૩૨.૮૯ કરોડ અકાઉન્ટ મહિલાઓનાં (ટ્રાન્સજેન્ડર સહિત) છે, જ્યારે ૨૬.૧૪ કરોડ અકાઉન્ટ પુરુષોનાં છે. ડેટા દર્શાવે છે કે ૫,૭૨,૩૫,૪૯૦ PMJDY અકાઉન્ટમાં ઝીરો બૅલૅન્સ હતું, જ્યારે ૧૫,૩૬,૭૭,૦૦૯ ખાતાંઓને નિષ્ક્રિય (ઇનઑપરેટિવ) તરીકે વર્ગીકૃત કરવામાં આવ્યાં હતાં.
ઉત્તર પ્રદેશમાં સૌથી વધુ ૧૦.૫૧ કરોડ અકાઉન્ટ
ઉત્તર પ્રદેશમાં PMJDY અકાઉન્ટની કુલ સંખ્યા સૌથી વધુ ૧૦.૫૧ કરોડ હતી, ત્યાર બાદ બિહારમાં ૭.૦૧ કરોડ અકાઉન્ટ છે. પશ્ચિમ બંગાળમાં ૫.૭૩ કરોડ, રાજસ્થાનમાં ૩.૮૭ કરોડ અને મહારાષ્ટ્રમાં ૩.૮૫ કરોડ અકાઉન્ટ છે.
