શિવસાગર, જોરહાટ અને ચરાઈદેવમાં ૫૦ વર્ષમાં સૌથી ભયાનક પૂર, પાંચ મુખ્ય નદીઓ ગાંડીતૂર બની
આસામમાં જોરહાટ તાલુકામાં ૨૧ જુલાઈએ આવેલા ભયાનક પૂર બાદ પાણીમાં અનાજને મહામહેનતે બચાવીને લઈ જતા યુવકો.
આસામમાં મુશળધાર વરસાદ બાદ ઉપરી આસામના અનેક વિસ્તારોમાં પૂરની પરિસ્થિતિ અત્યંત ગંભીર બની છે. મંગળવારે વધુ એક વ્યક્તિનું મોત નીપજતાં આ વર્ષે પૂરમાં જીવ ગુમાવનારા લોકોનો કુલ આંકડો ૧૧ પર પહોંચ્યો છે. મુખ્ય પ્રધાન હિમંતા બિસ્વા સરમાના જણાવ્યા અનુસાર શિવસાગર, જોરહાટ અને ચરાઈદેવ જિલ્લામાં છેલ્લાં પચાસ વર્ષમાં ક્યારેય ન જોઈ હોય એવી ભયાનક પૂરની સ્થિતિ સર્જાઈ છે.
મંગળવાર સવાર સુધીમાં બ્રહ્મપુત્ર સહિતની પાંચ મુખ્ય નદીઓ ભયજનક સપાટીથી ઉપર વહી રહી છે. આસામ સ્ટેટ ડિઝૅસ્ટર મૅનેજમેન્ટ ઑથોરિટીના અહેવાલ મુજબ રાજ્યમાં ૩.૧ લાખ લોકો પૂરથી પ્રભાવિત થયા છે અને ૧૪,૪૧૧ હેક્ટર ક્ષેત્રમાં પાક પાણીમાં ગરકાવ થઈ ગયો છે.
ADVERTISEMENT
દક્ષિણ ગુજરાતમાં મેઘમહેર, નદીઓ વહી બે કાંઠે
દક્ષિણ ગુજરાતમાં ગઈ કાલે મેઘમહેર થઈ હતી, જેના પગલે નદીઓ બે કાંઠે વહેતી થઈ હતી. નવસારી જિલ્લાના વાંસદામાં પાંચ ઇંચ, ચીખલીમાં ૪ ઇંચથી વધુ, કપરાડામાં ૪ ઇંચ જેટલો, વઘઈ અને બારડોલીમાં પોણાચાર ઇંચ વરસાદ પડતાં આ વિસ્તારમાં જનજીવન પ્રભાવિત થયું હતું. આજે પણ ગુજરાતમાં વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગે કરી છે. ડાંગમાંથી પસાર થતી અંબિકા, ખાપરી, પૂર્ણા નદી તેમ જ વલસાડ જિલ્લામાંથી પસાર થતી ઔરંગા નદી તેમ જ દમણગંગા નદીમાં પાણી આવતાં આ નદીઓ બે કાંઠે વહેતી થઈ હતી. ગઈ કાલે સાંજે ૬ વાગ્યા સુધીમાં ગુજરાતના ૧૪૫ તાલુકાઓમાં વરસાદ પડ્યો હતો જેમાં ૩૫ તાલુકાઓમાં અેક ઇંચથી વધુ વરસાદ પડ્યો હતો.
