પત્નીએ જ પોલીસને ફોન કર્યો હતો, પરંતુ જ્યારે પોલીસ ઘટનાસ્થળે પહોંચી ત્યારે તેમણે દરવાજો ખોલવાનો ઇનકાર કરી દીધો હતો
ઓમ પ્રકાશ
કર્ણાટકના ભૂતપૂર્વ DGP ઓમ પ્રકાશની રવિવારે બૅન્ગલોર સ્થિત આવાસ પર હત્યા કરી દેવામાં આવી હતી. ૧૯૮૧ બેન્ચના વરિષ્ઠ IPS અધિકારી રહેલા ઓમ પ્રકાશનો મૃતદેહ લોહીથી લથપથ હાલતમાં ઘરની અંદરથી મળી આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં પારિવારિક કલેશને કારણે હત્યા કરાઈ હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. ઘટનાના સમયે પત્ની અને દીકરી ઘરમાં હતી એટલે પત્ની પર હત્યાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. પોલીસે પત્નીની અટકાયત કરીને પૂછપરછ હાથ ધરી હતી.
ચોંકાવનારી વાત છે કે પત્નીએ જ પોલીસને ફોન કર્યો હતો, પરંતુ જ્યારે પોલીસ ઘટનાસ્થળે પહોંચી ત્યારે તેમણે દરવાજો ખોલવાનો ઇનકાર કરી દીધો હતો. પોલીસ ઘરમાં ઘૂસી ત્યારે પત્ની અને પુત્રી લિવિંગ રૂમમાં હતાં અને ઓમપ્રકાશનો મૃતદેહ અંદર હતો. લોહીથી લથપથ મૃતદેહ પર ઈજાનાં ગંભીર નિશાન હતાં. ઓમ પ્રકાશ અને તેમની પત્ની વચ્ચે થતા ઝઘડાની જાણકારી આસપાસના પાડોશીઓને પણ હતી.

