૨૦૨૩થી એને તોડી પાડવા માટેની કાર્યવાહી થતી હતી
ગોવાની બર્ચ બાય રોમિયો લેન નાઇટ-ક્લબ
આગમાં જ્યાં ૨૫ લોકોએ જીવ ગુમાવ્યા હતા એ ગોવાની બર્ચ બાય રોમિયો લેન નાઇટ-ક્લબ આખી ગેરકાયદે હતી એવી જાણકારી મળી રહી છે અને ૨૦૨૩ના ડિસેમ્બર મહિનામાં સ્થાનિક અરપોરા પંચાયતે એને નોટિસ પણ ફટકારી હતી. પંચાયતે ૨૦૨૪ના માર્ચ મહિનામાં એને તોડી પાડવાનો આદેશ આપ્યો હતો.
દસ્તાવેજો દર્શાવે છે કે ક્લબ સામે પહેલી ફરિયાદ ડિસેમ્બર ૨૦૨૩માં કરવામાં આવી હતી. એમાં કહેવામાં આવ્યું હતું કે ક્લબ ગેરકાયદે રીતે મીઠાના અગર પર બાંધવામાં આવી છે અને ગટરનું પાણી સીધું નદીમાં છોડવામાં આવી રહ્યું હતું જે સમુદ્રમાં જઈ રહ્યું હતું. ક્લબમાં રહેલો અસ્થિર ડિસ્કોથેક તૂટી પડવાની સંભાવના હતી, કારણ કે એ પાણી પર બનાવવામાં આવ્યો હતો. જો ક્લબને ચલાવવાની મંજૂરી આપવામાં આવે તો જીવનું જોખમ હતું એવું આ ફરિયાદમાં કહેવામાં આવ્યું હતું.
ADVERTISEMENT
ફરિયાદ પર તાત્કાલિક કાર્યવાહી કરીને પંચાયતે ગયા વર્ષે જાન્યુઆરીમાં સ્થળનું નિરીક્ષણ કર્યું હતું અને ફેબ્રુઆરીમાં શોકૉઝ નોટિસ જાહેર કરવામાં આવી હતી અને ૧૩ માર્ચે પંચાયત દ્વારા ક્લબનાં બાંધકામોને તોડી પાડવાનો ઠરાવ પસાર કર્યો હતો. માલિકોને નાઇટ-ક્લબ તોડી પાડવાની નોટિસ આપવામાં આવી હતી અને નોટિસનું પાલન કરવા માટે ૧૫ દિવસનો સમય આપવામાં આવ્યો હતો. મામલતદાર અને ડેપ્યુટી કલેક્ટરે પણ જૂન મહિનામાં શોકૉઝ નોટિસ આપી હતી. એમાં જણાવાયું હતું કે એક જળાશયમાં ગેરકાયદે કૉન્ક્રીટનું માળખું બનાવવામાં આવ્યું હતું અને પાણી પર ચાર ડેક-સ્ટ્રક્ચર બનાવવામાં આવ્યાં હતાં. ૧૩ દુકાનોના બાંધકામનો પણ ઉલ્લેખ કરીને નોટિસમાં જણાવવામાં આવ્યું હતું કે આ બધા મુદ્દાઓના આધારે નાઇટ-ક્લબને તોડી પાડવાનો આદેશ આપવામાં આવ્યો છે.
લુથરા બ્રધર્સની દિલ્હીમાં એક જ ઍડ્રેસ પર ચાલે છે ૪૨ શેલ કંપનીઓ
ગોવાની બર્ચ બાય રોમિયો લેન નાઇટ-ક્લબના માલિકો સૌરભ અને ગૌરવ લુથરા તેમની રેસ્ટોરાંના સામ્રાજ્યની આડમાં એક જ સરનામા પરથી ૪૨ શેલ કંપનીઓ ચલાવતા હતા. આ બધી કંપનીઓમાં બેઉ ભાઈઓ ડિરેક્ટર હતા. તેમનું નૉર્થ વેસ્ટ દિલ્હીમાં એક સરનામું હતું અને આ બધી કંપનીઓ છેલ્લાં બે વર્ષમાં ખોલવામાં આવી હતી.
થાઇલૅન્ડ ભાગી ગયેલા લુથરા બ્રધર્સની આગોતરા જામીનની અરજી રિજેક્ટ થઈ
બુધવારે ગોવાની બર્ચ બાય રોમિયો લેન ક્લબના ચોથા ભાગીદાર અજય ગુપ્તાને પોલીસે પકડી લીધો હતો અને દિલ્હીની ક્રાઇમ બ્રાન્ચની ઑફિસમાં પૂછપરછ કરી હતી. અજયે એક જ રટ લગાવ્યે રાખી હતી કે તે માત્ર ફાઇનૅન્સ-પાર્ટનર છે અને તેને કંઈ ખબર નથી. ગઈ કાલે તેને સાકેત કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો અને કોર્ટે તેને ગોવા પોલીસના ૩૬ કલાકના ટ્રાન્ઝિટ રિમાન્ડ પર મોકલ્યો હતો.
બીજી તરફ ગૌરવ લુથરા અને સૌરભ લુથરાએ થાઇલૅન્ડથી દિલ્હીની રોહિણી કોર્ટમાં મેડિકલ ગ્રાઉન્ડ પર આગોતરા જામીન માટેની અરજી કરી હતી અને કોર્ટને કહ્યું હતું કે તેઓ પણ આ ઘટનામાં પીડિત જ છે. આગોતરા જામીન માટે તેમના વકીલે લુથરા બ્રધરની વાઈની બીમારીને આગળ કરીને મેડિકલ ગ્રાઉન્ડ પર આગોતરા જામીન મેળવવા માટે દલીલ કરી હતી કે ‘અમે જાતે ગોવા કોર્ટમાં આવીને હાજર થવા તૈયાર છીએ ત્યારે કેમ અમને જામીન ન મળી શકે? અમે પુરાવાઓ સાથે કોઈ છેડછાડ નહીં કરીએ કે તપાસમાં અવરોધરૂપ બનીશું નહીં. અમે સંપૂર્ણપણે સહકાર આપીશું.’
કોર્ટે તેમની અરજી સાંભળી હતી, પરંતુ તેમની ધરપકડ પર સ્ટે આપવાનો ઇનકાર કરી દીધો હતો. કોર્ટે દિલ્હી પોલીસને આજે સાંજ સુધીમાં જવાબ આપવા કહ્યું છે અને શુક્રવારે આ મામલે સુનાવણી કરવામાં આવશે.


