નરેન્દ્ર મોદીએ ઇટલી સાથે સ્ટ્રૅટેજિક પાર્ટનરશિપની જાહેરાત કરીને જ્યૉર્જિયા મેલોનીને ભારત આવવાનું આમંત્રણ આપ્યું
ઇટલીના પ્રખ્યાત ચિત્રકારે દોરેલું વારાણસીના ઘાટ પર બનેલું પેઇન્ટિંગ જોઈ રહેલા નરેન્દ્ર મોદી.
બુધવારે રોમમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને જ્યૉર્જિયા મેલોનીએ સંયુક્ત પ્રેસ કૉન્ફરન્સમાં ભારત-ઇટલીના સંબંધોને સ્પેશ્યલ સ્ટ્રૅટેજિક પાર્ટનરશિપ સુધી અપગ્રેડ કરવાની જાહેરાત કરી હતી. બન્ને નેતાઓએ ટ્રેડ, રક્ષા, ટેક્નૉલૉજી, બ્લુ ઇકૉનૉમી અને આતંકવાદ વિરોધી સહયોગ પર ચર્ચા કરી હતી. નરેન્દ્ર મોદીએ કહ્યું હતું, ‘બન્ને દેશોએ સંબંધોને સ્પેશ્યલ સ્ટ્રૅટેજિક પાર્ટનરશિપમાં અપગ્રેડ કરવાનો નિર્ણય લીધો છે જે આગામી વર્ષોમાં બન્ને દેશો વચ્ચેના સહયોગને નવી ઊંચાઈ બક્ષશે.’
નરેન્દ્ર મોદીએ ઇટલી સાથે વેપારના સંબંધો ઉપરાંત પણ અનોખું કનેક્શન હોવાની વાત કરતાં કહ્યું હતું, ‘રોમને ઇટરનલ સિટી તરીકે વિશ્વભરમાં ઓળખવામાં આવે છે, જ્યારે ભારતમાં કાશી પણ એવું જ અનાદિ અને શાશ્વત નગર છે. જ્યારે બે પ્રાચીન સભ્યતાઓ મળે છે તો વાતચીતનો એજન્ડા માત્ર વેપાર સુધી સીમિત નથી રહેતો, ઇતિહાસની ગહેરાઈ અને ભવિષ્યની દીર્ઘદૃષ્ટિભરી મૈત્રી સુધી વિસ્તરે છે. ભારત અને ઇટલી વચ્ચે દ્વિપક્ષીય વેપાર સતત વધતો રહ્યો છે અને હવે વેપાર ૨૦ અબજ યુરોના વેપારી લક્ષ્ય તરફ બહુ ઝડપથી આગળ વધી રહ્યો છે. ભારતમાં હયાત ૮૦૦થી વધુ ઇટાલિયન કંપનીઓ ભારતની વિકાસયાત્રામાં સક્રિય ભાગીદાર બની રહી છે. ભારત અને ઇટલી ‘ડિઝાઇન્ડ ઍન્ડ ડેવલપ્ડ ઇન ઇન્ડિયા ઍન્ડ ઇટલી, ઍન્ડ ડિલિવર્ડ ફૉર ધ વર્લ્ડ’ના સિદ્ધાન્ત પર આગળ વધશે. ફૅશનથી લઈને ફિનટેક, લેસરથી લઈને લૉજિસ્ટિક્સ અને મોબિલિટીથી લઈને મૅન્યુફૅક્ચરિંગ જેવાં ક્ષેત્રોમાં બન્ને દેશોની ક્ષમતાઓ મળીને માનવતાના હિતમાં કામ કરશે.’
નરેન્દ્ર મોદીએ આગામી વર્ષમાં ઇટલીનાં વડાં પ્રધાનને ભારત આવવાનું આમંત્રણ પર આપ્યું છે.
ADVERTISEMENT
રોમમાં નરેન્દ્ર મોદીને મળ્યું સંયુક્ત રાષ્ટ્રનું મોટું સન્માન
વડા પ્રધાન નરેન્દ્ર મોદીને યુનાઇટેડ નેશન્સના ફૂડ ઍન્ડ ઍગ્રિક્લચર ઑર્ગેનાઇઝેશન (FAO)ના સર્વોચ્ચ સન્માન ‘ઍગ્રીકોલા મેડલ’થી નવાજવામાં આવ્યા હતા. FAOના ડિરેક્ટર જનરલ ડૉ. ક્યુ યુ ડૉન્ગ્યુએ રોમમાં આવેલા સંગઠનની હેડ ઑફિસમાં એક કાર્યક્રમમાં નરેન્દ્ર મોદીને ૨૦૨૬નો ઍગ્રીકોલા મેડલ આપ્યો હતો. નરેન્દ્ર મોદીને આ અવૉર્ડ ભૂખ અને ગરીબી સામે લડવા, વૈશ્વિક ખાદ્ય સુરક્ષા સુનિશ્ચિત કરવા અને સંયુક્ત રાષ્ટ્રના લક્ષ્યોને આગળ વધારવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવવા બદલ આપવામાં આવ્યો હતો. સન્માન મેળવતી વખતે નરેન્દ્ર મોદીએ કહ્યું હતું, ‘આ સન્માન માત્ર મારા માટે નથી, પરંતુ ૧૪૦ કરોડ ભારતીયો માટે છે. આ ભારતના ખેડૂતો અને માછીમારોનું સન્માન છે. હું આ મેડલ ભારતના ખેડૂતોને અર્પણ કરું છું.’
બન્ને નેતાઓ રોમમાં એક કારમાં ઘૂમ્યાં
રોમમાં જ્યૉર્જિયા મેલોનીએ નરેન્દ્ર મોદીનું રેડ કાર્પેટ પર સ્વાગત કર્યું હતું. બે વર્ષ પછી નરેન્દ્ર મોદી ઇટલી ગયા હતા. છેલ્લે ૨૦૨૪ના જૂન મહિનામાં G7 સમિટ માટે તેઓ ઇટલી ગયા હતા. ભારતીય પ્રવાસીઓ દ્વારા અહીં પણ પરંપરાગત સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા. ભારતીય સમુદાયના લોકોએ ભારતીય સંસ્કૃતિનું દર્શન કરાવતાં પેઇન્ટિંગ્સ પર નરેન્દ્ર મોદીના ઑટોગ્રાફ્સ લીધા હતા. તો બીજી તરફ ઇટલીના પ્રખ્યાત ચિત્રકાર જિયામપાઓલોએ વારાણસીના ઘાટ પર બનાવેલું ખાસ પેઇન્ટિંગ નરેન્દ્ર મોદીને ભેટ કર્યું હતું. ગઈ કાલે દ્વિપક્ષીય વાતચીત ઉપરાંત જ્યૉર્જિયા મેલોની અને નરેન્દ્ર મોદી રોમમાં એક જ કારમાં ખૂબ ઘૂમ્યાં હતાં. મેલોનીએ તેમને રોમનું ઐતિહાસિક કૉલસીઅમ બતાવ્યું હતું. આ દુનિયાનાં સૌથી મોટાં પ્રાચીન સ્ટેડિયમોમાંનું એક છે.
નરેન્દ્ર મોદી અને મેલોનીએ મળીને વાવ્યું કાળી શેતૂરનું વૃક્ષ

રોમમાં ભારત અને ઇટલીના રાજદ્વારી સંબંધોને એક ખાસ ઊંચાઈએ લઈ જવાની કોશિશ બન્ને દેશો તરફથી થઈ રહી છે. એના જ ભાગરૂપે બન્ને નેતાઓએ સાથે મળીને એક વૃક્ષનું રોપણ કર્યું હતું. આ કોઈ સામાન્ય વૃક્ષ નહોતું. ઇટલીના ઇતિહાસ, ખેતી અને સંસ્કૃતિ સાથે જોડાયેલું આ વૃક્ષ છે બ્લૅક મલબેરીનું. આ માત્ર વૃક્ષારોપણ નહીં, ગ્રીન ડિપ્લોમસી થકી કલ્ચરલ સિગ્નલ પણ કહેવાય છે. બ્લૅક મલબેરીને ભારતમાં કાળી શેતૂર કહેવાય છે.
