દૂષિત પાણીથી ૧૫ લોકોએ જીવ ગુમાવ્યા હોવા છતાં હજી ઇન્દોર નગરપાલિકા જાગતી નથી
કાટ લાગેલા ટૅન્કરનું પાણી પીવાથી બીજી સમસ્યાઓ શરૂ થઈ શકે છે
ઇન્દોરના ભાગીરથપુરામાં દૂષિત પાણીને કારણે ૧૫ લોકોના જીવ ગયા છે એને કારણે જે લોકોને પરવડે છે તેઓ મિનરલ વૉટર કે બૉટલ્ડ વૉટર વાપરવા લાગ્યા છે. જોકે સરકારે પણ કેટલાક વિસ્તારોમાં ટૅન્કર દ્વારા સારું પાણી પહોંચાડવાની પહેલ કરી છે. અલબત્ત, આ રસ્તો પણ સેફ નથી, કેમ કે જે ટૅન્કરોમાં પાણી પહોંચાડાઈ રહ્યું છે એમાંથી ઘણાં ટૅન્કરો ૪૦ વર્ષથી વધુ જૂનાં છે અને લાંબા સમયથી સાફ ન થયાં હોવાથી કાટ લાગી ગયો છે. ટૅન્કરોની અંદર પણ ગંદકી અને કીચડની પરત જામેલી હોવાનું જોવા મળ્યું છે.
એવામાં ઇન્દોરવાસીઓ શુદ્ધ પાણી માટે ટળવળી રહ્યા છે. ટૅન્કરોનું પાણી તો શુદ્ધ હશે જ એમ માનીને એને ડાયરેક્ટ પીવાના ઉપયોગમાં લેવાનું જોખમી જ છે એવું સ્થાનિક ડૉક્ટરોનું કહેવું છે. કાટ લાગેલા ટૅન્કરનું પાણી પીવાથી બીજી સમસ્યાઓ શરૂ થઈ શકે છે એવી ભીતિ સ્થાનિક ડૉક્ટરોએ જતાવી હતી.


