Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > તમે મારા કરતાં વધારે સારી ઍક્ટિંગ કરો છો

તમે મારા કરતાં વધારે સારી ઍક્ટિંગ કરો છો

Published : 06 September, 2026 12:47 PM | IST | himachal pradesh
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

કંગના રનૌતે પોતાના મતક્ષેત્રના જિલ્લા વિકાસ અધિકારીઓની બેઠકમાં પિત્તો ગુમાવ્યો

કંગના રનૌત

કંગના રનૌત


હિમાચલ પ્રદેશમાં પોતાના મતવિસ્તાર મંડીના વિકાસ બાબતની જિલ્લા અધિકારીઓ સાથેની બેઠકમાં ભારતીય જનતા પાર્ટી (BJP)ની સંસદસભ્ય કંગના રનૌત અધિકારીઓ પર ગુસ્સે થઈ હતી અને કહ્યું હતું કે ‘તમે લોકો મારા કરતાં વધુ સારી ઍક્ટિંગ કરો છો. આ એક બ્લડી જોક બની ગયો છે. મીડિયા મને નકામી સંસદસભ્ય ગણાવી રહ્યું છે. મેં સંસદસભ્ય દ્વારા કરવામાં આવતાં કામો માટે ૧૧ કરોડ રૂપિયા આપ્યા છે, પણ એક પણ કામ પૂરું થયું નથી. જે લોકોએ કામ કર્યું નથી તેઓ ઊભા થાય.’ 

કંગના રનૌતે મેમ્બર ઑફ પાર્લમેન્ટ લોકલ એરિયા ડેવલપમેન્ટ (MPLAD) સ્કીમ ફંડમાંથી વિકાસ માટે આપવામાં આવેલા ભંડોળના ખર્ચ અને દુરુપયોગ માટે અધિકારીઓને ઠપકો આપ્યો હતો. તેણે પાઈપાઈનો હિસાબ માગ્યો હતો. કંગનાએ આ બેઠકમાં સ્પષ્ટ કર્યું કે ‘મને ફક્ત એક ઍક્ટ્રેસ ન માનવી જોઈએ; હું જાણું છું કે બેદરકારી સામે કેવી રીતે કાર્યવાહી કરવી. તમારી પાસે અહીં કરવાનું કોઈ કામ નથી; તમે તમારી જાતની મજાક ઉડાવી છે. તમને શરમ આવે છે? ૧૧ કરોડ રૂપિયામાંથી અડધા વપરાયેલા નથી. પૈસા લેનારા અડધા લોકો ભાગી ગયા છે. તેમની પાસેથી પૈસા પાછા મેળવવાની તમારી ફરજ છે.’



ગુસ્સામાં કંગના રનૌતે અધિકારીઓને કહ્યું હતું કે ‘તમને જરાય શરમ નથી આવતી? મંડી વિસ્તારના પાંચ રસ્તાઓનું કામ હજુ બાકી છે. જો મારે તમારી ઑફિસમાં બેસીને કામ કરવું પડે તો હું એક દિવસમાં એ પૂરું કરીશ. તમારે કેન્દ્ર સરકાર પાસે કામ કરાવવા માટે પત્ર મોકલવો પડે છે. તમે સાંભળતા નથી. બેદરકારી સહન કરવામાં નહીં આવે?


કંગનાએ પત્રકારોને શું કહ્યું?

મીટિંગ પછી પત્રકારો સાથે વાત કરતાં કંગના રનૌતે કહ્યું હતું કે ‘અમે દરેક વિભાગ અને ક્ષેત્રની વિગતવાર ચર્ચા કરી હતી. જે વિભાગો પાછળ રહી ગયા હતા એના માટે સૂચનો કર્યાં અને સહયોગની આશા વ્યક્ત કરી હતી. અમે અમારી ચિંતા વ્યક્ત કરી કે અધિકારીઓએ વધુ જવાબદારીપૂર્વક કામ કરવાની જરૂર છે. અમારી મીટિંગ સાડાત્રણથી ચાર કલાક ચાલી, એમાં દરેક પાસાની ચર્ચા કરવામાં આવી હતી. સૌથી ચિંતાજનક બાબત સરકારી અધિકારીઓનું સામાન્ય વલણ હતું. અમે તેમનામાં વિલંબ, સુસ્તી અને સામાન્ય ઉદાસીનતા જોયાં હતાં.’


Whatsapp-channel Whatsapp-channel

06 September, 2026 12:47 PM IST | himachal pradesh | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK