માત્ર ૨૦ દિવસમાં ઑનલાઇન શીખેલી ગાંધારી વિદ્યાને લીધે હિમાબિંદુ કરી શકે છે આ ‘ચમત્કાર’
હિમાબિંદુ
કર્ણાટકના બલ્લારીમાં રહેતી આઠમા ધોરણની સ્ટુડન્ટ હિમાબિંદુએ ‘ગાંધારી વિદ્યા’નો ઉપયોગ કરીને, આંખો પર પાટા બાંધીને સ્કૂલમાં સમાજશાસ્ત્રની પરીક્ષાનું પેપર લખ્યું હતું. તે આવી રીતે પેપર લખી રહી હોય એવો વિડિયો વાઇરલ થયો હતો. હિમાબિંદુ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં ભણે કરે છે અને તેણે આ રીતે પેપર લખ્યું એ ઘટનાએ સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ પર ઉત્સુકતા અને ચર્ચા જગાવી છે.
હિમાબિંદુ આંખો પર પાટા બાંધીને સામે પડેલી વસ્તુઓ ઓળખે છે. તેની સામે કોઈ પણ ચિત્ર મૂકવામાં આવે તો પણ તે ઓળખી શકે છે. તેના પિતા રામઅંજનૈયા રેડ્ડીએ જણાવ્યું હતું કે હિમા પહેલા ધોરણમાં ભણતી હતી ત્યારથી ગાંધારી વિદ્યા શીખી હતી અને હવે તે બીજા સ્તરનો અભ્યાસ કરી રહી છે. આ પહેલાં પણ હિમા આંખે પાટા બાંધીને સાઇકલ ચલાવી ચૂકી છે. ગાંધારી વિદ્યાના પહેલા તબક્કામાં વ્યક્તિ આંખો બંધ કરીને પોતાની સામેની વસ્તુઓ ઓળખવાનું શીખે છે, જ્યારે બીજા તબક્કામાં તે તેની પાછળ બનતી વસ્તુઓનો અનુભવ કરી શકે છે. ત્રીજા તબક્કામાં તે તેની આસપાસની બાબતોથી વાકેફ થાય છે. હિમાએ આ જ્ઞાન ચિકમગલૂરના સતીશ પદમનાભ પાસેથી ૨૦ દિવસમાં ઑનલાઇન મેળવ્યું હતું. સતીશે આ માટે કોઈ ફી લીધી નથી. છથી ૧૮ વર્ષની વયનાં બાળકો આ વિદ્યા શીખી શકે છે. એ બાળકોના વિચાર, આત્મવિશ્વાસ અને એકાગ્રતામાં સુધારો કરે છે.
ADVERTISEMENT
હિમા તેના ક્લાસના મિત્રોના મોબાઇલ ફોનમાં રહેલા ટેક્સ્ટ-મેસેજ પણ આંખો બંધ રાખીને વાંચી શકે છે. તેણે આ વિષયની પચીસથી વધારે સ્પર્ધાઓમાં ભાગ લીધો છે અને ઇનામો પણ જીત્યાં છે.


