ઑક્સિજનના સપોર્ટ સાથે કુંભમેળામાં પહોંચ્યા મહંત ઇન્દ્રગિરિ, ૯૭ ટકા ફેફસાં ખરાબ, ત્રણેય શાહી સ્નાનમાં હાજર રહેશે
મહંત ઇન્દ્રગિરિ
પ્રયાગરાજમાં આયોજિત કુંભમેળામાં આવાહન અખાડા શિબિરમાં ૬૨ વર્ષના મહંત ઇન્દ્રગિરિ મહારાજે પહોંચીને સૌને ચોંકાવી દીધા છે. તેમનાં બન્ને ફેફસાં ૯૭ ટકાથી વધારે ખરાબ થયાં છે. તેઓ ઑક્સિજન-સપોર્ટ પર છે અને ઑક્સિજન સિલિન્ડર સાથે તેઓ હરિયાણાના હિસારથી પ્રયાગરાજ પહોંચ્યા છે. ફેફસાં ખરાબ થવાથી ડૉક્ટરોએ તેમને ચાર વર્ષ પહેલાં આશ્રમની બહાર નહીં નીકળવાની સલાહ આપી હતી, પણ પોતાની ઇચ્છાશક્તિ અને આસ્થાના બળ પર તેઓ પ્રયાગરાજ આવ્યા છે. તેઓ ત્રણેય સ્નાન-પર્વમાં હાજરી આપ્યા બાદ પાછા ફરવાના છે. તેઓ ચાર દશકથી આવાહન અખાડા સાથે સંલગ્ન છે. ૧૯૮૯થી તેઓ કુંભમેળામાં આવે છે.
તેઓ ૨૦૨૦થી પંચ અગ્નિ ધુનિ તપસ્યા કરે છે. ૨૦૦૦ના વર્ષમાં પણ તેમણે આ રીતે પોતાની આસપાસ પાંચ હવનકુંડ લગાવી વચ્ચે બેસીને તપસ્યા કર્યા બાદ હવનકુંડની આગથી તેમનું શરીર તપી ગયું હતું. તેમના શિષ્યે તેમના પર બાલદી ભરીને પાણી નાખ્યું હતું. તેમને તાવ આવ્યો હતો અને ડૉક્ટરોએ તેમને તપાસ્યા બાદ કહ્યું હતું કે તેમનાં ફેફસાં ખરાબ થઈ ગયાં છે. ત્યારથી તેઓ ઑક્સિજન-સિલિન્ડર સાથે જીવી રહ્યા છે.
ADVERTISEMENT
તેઓ અખાડામાં તેમની દેખરેખમાં ભંડારો રાખે છે અને ભોગપ્રસાદ બાદ જાતે જ દક્ષિણા આપે છે. પ્રયાગરાજના કુંભમેળામાં તેમના પ્રાણ જતા રહેશે તો તેમના માટે મોક્ષના દ્વાર ખૂલી જશે એવું તેઓ માને છે.