દિલ્હી, મુંબઈ, હૈદરાબાદ, જયપુર, ઇન્દોર જેવાં શહેરોનાં ઍરપોર્ટ્સ પર પણ હજારો મુસાફરો પરેશાન; પરિસ્થિતિ સંપૂર્ણપણે પૂર્વવત્ ૧૦ ફેબ્રુઆરી સુધીમાં થશે એવી બાંયધરી આપી ઍરલાઇને
ગઈ કાલે રાયપુર ઍરપોર્ટ પર રઝળી પડેલા ઇન્ડિગો ઍરલાઇન્સના પૅસેન્જરો.
બુધવારની જેમ ગઈ કાલે પણ દેશભરનાં ઍરપોર્ટ્સ પર ભારતની સૌથી મોટી ઍરલાઇન ઇન્ડિગોની ફ્લાઇટ્સમાં મોટા પાયે ગરબડ જોવા મળી હતી. ગુરુવારે લગાતાર ત્રીજા દિવસે ઇન્ડિગોની ૩૦૦ ફ્લાઇટ્સ કૅન્સલ થઈ હતી. કૅન્સલેશનની વધુ સમસ્યા દિલ્હી, મુંબઈ, હૈદરાબાદ, અમદાવાદ, પુણે, જયપુર, ઇન્દોર જેવાં ૧૦ શહેરોનાં ઍરપોર્ટ્સ પર જોવા મળી હતી.
ઇન્ડિગોના CEOએ ડિરેક્ટર જનરલ ઑફ સિવિલ એવિયેશન (DGCA)ને લખેલી ઈ-મેઇલમાં ઍરપોર્ટ્સ પર અંધાધૂંધી કન્ટ્રોલ ન થઈ રહી હોવાનાં મલ્ટિપલ કારણો જણાવ્યાં હતાં. CEO પીટર એલ્બર્સે લખ્યું હતું કે ‘માઇનર ટેક્નિકલ ખામી, શેડ્યુલમાં થોડાક બદલાવ, વેધર કન્ડિશન્સમાં આવેલા બદલાવ, યાત્રીઓનો ભરપૂર ધસારો અને નવી સિવિલ એવિયેશનની ગાઇડલાઇન... આ બધાં જ કારણો એકસાથે ઊભાં થયાં છે અને એમાં સતત મોડી પડી રહેલી ફ્લાઇટ્સને કારણે ખોરવાયેલી સિસ્ટમને પાછી લાઇન પર ચડાવવામાં તકલીફ પડી રહી છે.’
ADVERTISEMENT
એકસાથે અનેક પરિબળોને કારણે સર્જાયેલી સમસ્યાને ઉકેલતાં વધુ સમય લાગશે એવું લાગી રહ્યું છે. જેમ-જેમ દિવસો જાય છે એમ ઍરપોર્ટ પર પરિસ્થિતિ થાળે પડવાને બદલે વધુ વણસી રહી છે. આ સંદર્ભે ઍરલાઇને DGCAને કહ્યું છે કે પરિસ્થિતિ પૂર્વવત્ થવામાં ૧૦ ફેબ્રુઆરી થઈ જશે.
ક્યાં કેટલી ફ્લાઇટ્સ કૅન્સલ?
દિલ્હીમાં ૯૫, મુંબઈમાં ૮૬, બૅન્ગલોરમાં બાવન, હૈદરાબાદમાં ૭૦ ફ્લાઇટ્સ રદ કરવામાં આવી હતી.
ઇન્ડિગોના વાંકે બીજી ઍરલાઇન્સ પરેશાન
ઇન્ડિગોના સંકટને કારણે અન્ય ઑપરેટર્સ પણ પ્રભાવિત થઈ રહ્યા છે. સૂત્રોના કહેવા મુજબ ઇન્ડિગોનાં વિમાન ઍરપોર્ટ બેઝ પર લાંબો સમય ઊભાં રહેતાં હોવાથી અન્ય ઍરલાઇન્સની મૂવમેન્ટ પર પણ અસર પડી છે. ઍર ઇન્ડિયા, અકાસા અને સ્પાઇસજેટની ફ્લાઇટો પણ ઇન્ડિગોને કારણે ભેગી થયેલી ભીડ અને બેઝ ઑક્યુપન્સીને કારણે મોડી પડવા લાગી છે.
ઇન્ડિગોની દરરોજ ૨૩૦૦ નૅશનલ અને ઇન્ટરનૅશનલ ફ્લાઇટ્સ ઑપરેટ થાય છે, જ્યારે ઍર ઇન્ડિયા એક દિવસમાં એનાથી અડધી જ ફ્લાઇટ્સ ઑપરેટ કરે છે. એને કારણે જો ઇન્ડિગોમાં ૧૦થી ૨૦ ટકા ફ્લાઇટ્સ પર પણ અસર થાય તો એની ઇમ્પૅક્ટ ખૂબ મોટી જણાય છે.
નવા કયા નિયમો છે જેને કારણે તકલીફ ઊભી થઈ?
પાઇલટ્સને ૭ દિવસ કામ કર્યા પછી લગાતાર ૪૮ કલાકનો આરામ આપવો.
નાઇટ-ડ્યુટી પહેલાં સવારે પાંચ વાગ્યા સુધી હતી, હવે રાતની શિફ્ટ સવારે ૬ સુધી છે.
પહેલાં પાઇલટ ૬
નાઇટ-લૅન્ડિંગ કરી શકતા હતા, હવે લગાતાર માત્ર બે જ નાઇટ-લૅન્ડિંગની પરવાનગી છે.
લાંબી ફ્લાઇટ્સની ઉડાન પછી પાઇલટ્સને ૨૪ કલાકનો આરામ આપવો.
ઇન્ડિગોએ માગી માફી
પહેલી નવેમ્બરથી નવી ફ્લાઇટ ડ્યુટી ટાઇમ લિમિટ (FDTA) લાગુ પડી હોવાથી ઇન્ડિગો ઍરલાઇન્સને સ્ટાફ ઓછો પડી રહ્યો છે. જોકે DGCAના અધિકારીઓનું કહેવું છે કે આ માટે તમામ ઍરલાઇન્સને તૈયારીનો પૂરતો સમય આપવામાં આવ્યો છે. આ માટે CEOએ માફી માગતાં ઈ-મેઇલમાં લખ્યું હતું કે ‘છેલ્લા કેટલાક દિવસથી ઇન્ડિગોના કસ્ટમર્સને તકલીફ પડી રહી છે એ માટે દિલગીર છીએ. અમે લગભગ દરરોજ ૩,૮૦,૦૦૦ કસ્ટમર્સને સર્વ કરીએ છીએ અને ઇચ્છીએ છીએ કે બધાને સારો અનુભવ આપીએ, પણ અમે છેલ્લા કેટલાક દિવસથી અમારું પ્રૉમિસ પાળી નથી શક્યા એ માટે હું તમામ કસ્ટમર્સની માફી માગું છું.’


