પરિવારના ૫૦ વર્ષના હેડ ઝાકિર હવે જગદીશના નામથી ઓળખાશે. તેઓ મૂળ રૂપથી મથુરાના શેરગઢના રહેવાસી છે, પણ વર્ષોથી તેમના સાસરાના ગામમાં રહીને દુકાન ચલાવે છે.
ઉત્તર પ્રદેશમાં મુસ્લિમ પરિવારના આઠ સભ્યોએ કરી ઘરવાપસી : વૈદિક રીતરિવાજથી અપનાવ્યો હિન્દુ ધર્મ
ઉત્તર પ્રદેશના મથુરાના યમુનાપારના એક મુસ્લિમ પરિવારના આઠ સભ્યોએ વૃંદાવનના એક આશ્રમમાં વૈદિક રીતરિવાજથી ગુરુવારે હિન્દુ ધર્મ અપનાવ્યો હતો. તેમણે પોતાનાં નામ પણ બદલ્યાં છે. આ પરિવારે જણાવ્યું હતું કે આ નિર્ણય અમે સ્વૈચ્છિક રીતે લીધો છે અને એ અમારા જૂના ધર્મને આધારિત છે. પરિવારના ૫૦ વર્ષના હેડ ઝાકિર હવે જગદીશના નામથી ઓળખાશે. તેઓ મૂળ રૂપથી મથુરાના શેરગઢના રહેવાસી છે, પણ વર્ષોથી તેમના સાસરાના ગામમાં રહીને દુકાન ચલાવે છે.
હિન્દુ ધર્મ અપનાવવાના મુદ્દે જગદીશે મીડિયાને જણાવ્યું હતું કે ‘મોગલકાળ સુધી અમારા પૂર્વજો હિન્દુ હતા અને તેમણે દબાણમાં આવીને ઇસ્લામ ધર્મ અંગીકાર કર્યો હતો. હું મન, વચન અને કર્મથી દેવી કાલીની પૂજા કરું છું અને ગામના લોકો મને આજે પણ ભગતજી કહે છે. અમે મૂળ રૂપે ગુર્જર સમાજ સાથે સંબંધ ધરાવીએ છીએ. અમે છેલ્લાં ત્રણ વર્ષથી અમારો જૂનો ધર્મ અપનાવવા વિશે વિચાર કરતા હતા. અમે હિન્દુ ધર્મમાં પૂરી આસ્થા રાખીને, કોઈ પણ પ્રકારના દબાણ કે પ્રલોભન વિના આ પગલું લીધું છે.

