રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ પણ સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ X પર કૅપ્ટન સ્મિત મચ્છરની સમયસૂચકતા અને બહાદુરીની પ્રશંસા કરી હતી
સ્મિત મચ્છર
flydubaiની ફ્લાઇટને ક્રૅશ થતી બચાવીને ૧૭૪ પ્રવાસીઓનો જીવ બચાવનારા કૅપ્ટન સ્મિત મચ્છરની બહાદુરીની રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે સરાહના કરી હતી. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કૅપ્ટન સ્મિત મચ્છરની પત્ની અને માતા-પિતા સાથે વાતચીત કરીને તેમની હિંમતને બિરદાવી હતી તેમ જ ભારતીય મિશન દ્વારા તમામ મદદની ખાતરી આપી હતી. આ ઉપરાંત યુનિયન પબ્લિક સર્વિસ કમિશનના શતાબ્દી સમારોહમાં કૅપ્ટન સ્મિત મચ્છરને હીરો ગણાવતાં કહ્યું હતું કે ગંભીર રીતે ઘાયલ હોવા છતાં તેમણે અદમ્ય સાહસ અને અડગ સંકલ્પ બતાવીને સેંકડો જીવ બચાવ્યા છે અને ભારતને તેમના પર ગર્વ છે.
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ પણ સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ X પર કૅપ્ટન સ્મિત મચ્છરની સમયસૂચકતા અને બહાદુરીની પ્રશંસા કરી હતી. રાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે ગંભીર સંકટની પળોમાં ઘાયલ થયા બાદ પણ તેમણે પ્રવાસીઓના જીવ બચાવવાનો નિર્ધાર જાળવી રાખીને મોટી દુર્ઘટના ટાળી હતી. રાષ્ટ્રપતિએ તેમના અદમ્ય જુસ્સાને સલામ કરીને ઝડપી સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી હતી.
ભારતીય પાઇલટ સ્મિત મચ્છરનું નામ ઍરપોર્ટની લાઉન્જને આપવાનો ઇઝરાયલના પ્રધાનનો પ્રસ્તાવ:
ADVERTISEMENT
કૉકપિટમાં થયેલા હુમલા છતાં ૧૭૪ પ્રવાસીઓને બચાવનારા જાંબાઝ કૅપ્ટનને વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુએ સલામ કરી
flydubaiની ફ્લાઇટમાં ૧૭૪ પ્રવાસીઓનો જીવ બચાવનારા ભારતીય પાઇલટ કૅપ્ટન સ્મિત મચ્છરના સન્માનમાં બેન ગુરિયન ઍરપોર્ટની લાઉન્જનું નામ રાખવાનો ઇઝરાયલના પ્રધાન અલ્મોગ કોહેને પ્રસ્તાવ મૂક્યો હતો. કોહેને કૅપ્ટન સ્મિત મચ્છરને હીરો ગણાવીને કહ્યું હતું કે ઇઝરાયલ તેમનું કાયમ ઋણી રહેશે અને સંસદના આગામી સત્રમાં તે આ પ્રસ્તાવ રજૂ કરશે.
ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુએ કૅપ્ટન સ્મિત મચ્છરને સાચા હીરો ગણાવીને સરાહના કરી હતી.
સ્મિત મચ્છરને ડોનલ્ડ ટ્રમ્પે પણ હીરો ગણાવ્યો
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પે બુધવારે કૅપ્ટન સ્મિત મચ્છરની બહાદુરીની પ્રશંસા કરીને તેને હીરો ગણાવ્યો હતો. વાઇટ હાઉસની ઓવલ ઑફિસમાં પત્રકારો સાથે વાત કરતાં ડોનલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું કે ‘ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુ સાથે મેં વાતચીત કરી છે. આતંકી કે માનસિક રીતે અસ્થિર લાગતા કો-પાઇલટે
ક્રૅશ-ઍક્સના ઘા ઝીંકતાં ગંભીર રીતે ઘાયલ થયેલા ભારતીય પાઇલટે સમયસૂચકતા વાપરીને ૯/૧૧ જેવો મોટો હુમલો અટકાવ્યો હતો.’
કૅપ્ટન સ્મિત મચ્છર પર હુમલો કરનારો ઓમાની કો-પાઇલટ આતંકવાદી હોવાનો ઇઝરાયલનો દાવો
પાઇલટનો સહકર્મચારી કહે છે કે હુમલાખોર મહિલાઓ સાથે હાથ મિલાવવાનો ઇનકાર કરતો, કટ્ટર ઇસ્લામી નિયમોનું પાલન કરતો
Flydubaiની ફ્લાઇટમાં ભારતીય પાઇલટ કૅપ્ટન સ્મિત મચ્છર પર હુમલો કરનારા ઓમાની કો-પાઇલટનું ઇસ્લામિક કટ્ટરપંથીઓ દ્વારા બ્રેઇનવૉશ કરવામાં આવ્યું હોવાનો દાવો ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુએ કર્યો હતો. એક ઇન્ટરવ્યુમાં નેતન્યાહુએ જણાવ્યું હતું કે ‘પ્રાથમિક તપાસ અને હુમલાખોરની અંગત માહિતી પરથી તેને કટ્ટરપંથી બનાવાયો હોવાનું સામે આવ્યું છે. તેના ઈરાન સાથે કોઈ સંબંધ છે કે નહીં એ આગામી થોડા દિવસોમાં જ ચોક્કસપણે સ્પષ્ટ થઈ જશે.’
નેતન્યાહુએ સ્વીકાર્યું હતું કે ઇઝરાયલ સાથે રાજદ્વારી સંબંધો ન ધરાવતા દેશોના પાઇલટો પર તેલ અવીવમાં વિમાન લાવવા પર પ્રતિબંધ હોવા છતાં તપાસના નિયમોની છટકબારીનો લાભ લઈને આ ઓમાની કો-પાઇલટ ફ્લાઇટમાં આવી ગયો હતો. પ્રશાસન હવે પાઇલટોની આગોતરી તપાસમાં રહેલી આ ખામી દૂર કરી રહ્યું છે.
બીજી તરફ flydubaiના જ એક સાથી પાઇલટે ચૅનલ 16 સાથેની વાતચીતમાં હુમલાખોર કો-પાઇલટને ધાર્મિક કટ્ટરપંથી ગણાવ્યો હતો. સાથી કર્મચારીએ ખુલાસો કર્યો હતો કે ‘૮ મહિના પહેલાં જ ઍરલાઇનમાં જોડાયેલા આ કો-પાઇલટનું વર્તન અસામાન્ય હતું. તે આખો દિવસ અતિશય પ્રાર્થના કરતો હતો અને મહિલાઓ સાથે હાથ મિલાવવાનો પણ ઇનકાર કરતો હતો.’
યુનાઇટેડ આરબ એમિરેટ્સ (UAE) આ ઘટના પાછળ આતંકી ઉદ્દેશ હતો કે નહીં એની તપાસ કરી રહ્યું છે, જ્યારે flydubaiએ ઇઝરાયલની તમામ ફ્લાઇટ રદ કરી દીધી હતી.
flydubaiના પ્લેનને બચાવનારા ૪ જાંબાઝ પ્રવાસીઓને ઇઝરાયલનો બહાદુરી મેડલ એનાયત થશે
કૅપ્ટન સ્મિત મચ્છરે દરવાજો ખોલ્યા બાદ પ્લમ્બર અને બૅન્ક-અધિકારી સહિત ૪ જણે પરિસ્થિતિ નિયંત્રણમાં લીધી
દુબઈથી તેલ અવીવ જતી flydubaiની ફ્લાઇટ 1073ને ક્રૅશ થતી બચાવનારા ૪ ઇઝરાયલી પ્રવાસીઓને પ્રેસિડન્ટ્સ મેડલ ફૉર સિવિલિયન બ્રેવરી એનાયત કરવાની ઇઝરાયલના રાષ્ટ્રપતિએ જાહેરાત કરી હતી. બુધવારે કૉકપિટમાં ઓમાની કો-પાઇલટે ભારતીય પાઇલટ પર હુમલો કર્યા બાદ પ્રવાસી યાનિવ હાયુન, ઝ્વિકા માનેસ, અસાફ રાજુઆન અને ડૉક્ટર શોતા મુસાએવે અદમ્ય સાહસ બતાવીને વિમાનને બચાવ્યું હતું.
મુંબઈના ભારતીય પાઇલટ કૅપ્ટન સ્મિત મચ્છરે જખમી થઈને બેભાન થતાં પહેલાં કૉકપિટનો દરવાજો ખોલી નાખતાં આ ચારેય પ્રવાસીઓ અંદર ધસી ગયા હતા. પ્લમ્બર યાનિવ હાયુને વિમાનના કન્ટ્રોલ તોડી રહેલા હુમલાખોરને બહાર ખેંચ્યો હતો અને ઍર ક્રૅશ ઇન્વેસ્ટિગેશન જોવાના અનુભવથી ૯૦ ડિગ્રીએ પટકાતા વિમાનને સમતલ કર્યું હતું. થાઇલૅન્ડથી પાછા ફરતા અસાફ રાજુઆન અને બૅન્ક લ્યુમિની કંપનીના ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર (CEO) ઝ્વિકા માનેસે હુમલાખોરને દબોચીને હેડફોનના કેબલથી બાંધી દીધો હતો. ચોથા પ્રવાસી અને વિમાનમાં સવાર એકમાત્ર ડૉક્ટર શોતા મુસાએવે કૅપ્ટન મચ્છરના માથા અને હાથમાંથી વહેતું લોહી અટકાવીને જીવ બચાવ્યો હતો.
