આ અવશેષો ઉત્તર પ્રદેશમાં પિપરહવા સ્તૂપ પાસેથી મળ્યા હતા
દિલ્હીના રાય પિથોરા સંકુલમાં ૧૨૭ વર્ષ બાદ બ્રિટનથી પાછા લાવવામાં આવેલા ભગવાન બુદ્ધના અવશેષોની પ્રદર્શની નિહાળી રહેલા નરેન્દ્ર મોદી.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈ કાલે દિલ્હીના રાય પિથોરા સાંસ્કૃતિક સંકુલમાં ‘ધ લાઇટ ઍન્ડ ધ લોટસ : રેલિક્સ ઑફ ધ અવેકન્ડ વન’ શીર્ષક હેઠળ પવિત્ર પિપરહવા અવશેષોના ભવ્ય આંતરરાષ્ટ્રીય પ્રદર્શનનું ઉદ્ઘાટન કર્યું હતું. પિપરહવા અવશેષ ભગવાન બુદ્ધની જન્મભૂમિ કપિલવસ્તુ સાથે જોડાયેલા છે અને ૧૨૭ વર્ષ બાદ બ્રિટનથી ૨૦૨૫ની ૩૦ જુલાઈએ ભારત પાછા લાવવામાં આવ્યા છે. આ અવશેષોમાં બ્રાહ્મી લિપિમાં સંદેશ છે જે શાક્ય વંશ સાથે સંકળાયેલા છે.
આ પ્રદર્શનમાં ૧૮૯૮ના ખોદકામ અને ત્યાર બાદ ૧૯૭૧-’૭૫ના પિપરહવા સ્થળ પર ખોદકામ દરમ્યાન શોધાયેલા અવશેષો, રત્ન અવશેષો અને અવશેષો પણ દર્શાવવામાં આવ્યા છે. આ અવશેષો ઉત્તર પ્રદેશમાં પિપરહવા સ્તૂપ પાસેથી મળ્યા હતા. એમાં અસ્થિના અવશેષ છે અને એવું માનવામાં આવે છે કે આ અસ્થિ ભગવાન બુદ્ધનાં છે.


