૨૬ વર્ષના યુવાન અને ૧૭ વર્ષની ટીનેજરના નિકાહના કેસમાં પંજાબ અને હરિયાણા હાઈ કોર્ટના આ ચુકાદાથી કાનૂની ખળભળાટ શરૂ
પ્રતીકાત્મક તસવીર
પંજાબ અને હરિયાણા હાઈ કોર્ટે ચુકાદો આપ્યો છે કે મુસ્લિમ પર્સનલ લૉ હેઠળ તરુણાવસ્થા પ્રાપ્ત કરનાર મુસ્લિમ છોકરો કે છોકરી તેની પસંદગીની વ્યક્તિ સાથે લગ્ન કરી શકે છે. મુસ્લિમ પર્સનલ લૉમાં તરુણાવસ્થાની ઉંમર સામાન્ય રીતે ૧૫ વર્ષની માનવામાં આવે છે, સિવાય કે એનાથી વિરુદ્ધ પુરાવા હોય. જોકે કોર્ટે લગ્નની માન્યતા વિશે અંતિમ અભિપ્રાય જાહેર કર્યો નથી.
લુધિયાણાનાં ૨૬ વર્ષના પુરુષ અને ૧૭ વર્ષની ટીનેજરે બાવીસ ઑગસ્ટે તેમના પરિવારોની ઇચ્છા વિરુદ્ધ મુસ્લિમ રિવાજ મુજબ નિકાહ કર્યા હતા. તેઓ થોડા સમયથી એકબીજાને ઓળખતાં અને પસંદ કરતાં હતાં. કિશોરીના પિતા આ નિકાહની વિરુદ્ધ હતા. નિકાહ બાદ તેણે તેનું પૈતૃક ઘર છોડી દીધું હતું. પરિવારનો વિરોધ થયો અને તેમને જાનથી મારવાની ધમકી મળી એના પગલે આ દંપતીએ ૩૦ ઑગસ્ટે પોલીસસુરક્ષાની માગણી કરી હતી. તેમની ફરિયાદ પર કોઈ કાર્યવાહી કરવામાં આવી ન આવી એટલે તેમણે હાઈ કોર્ટમાં અરજી દાખલ કરી હતી.
ADVERTISEMENT
આ કેસમાં ન્યાયાધીશ વિક્રમ અગ્રવાલે નોંધ્યું હતું કે જ્યારે આ યુગલે બાવીસ ઑગસ્ટે નિકાહ કર્યા ત્યારે પુરુષની ઉંમર ૨૬ વર્ષ હતી અને મહિલાની ઉંમર ૧૭ વર્ષ અને ૮ મહિના હતી. ભારતીય બંધારણની કલમ 21નો ઉલ્લેખ કરીને કોર્ટે જણાવ્યું હતું કે કોર્ટ કોઈ પણ નાગરિકના જીવન અને સ્વતંત્રતા સામેનાં જોખમો પ્રત્યે આંખ આડા કાન કરી શકે નહીં, જો નિકાહ પરિવારની ઇચ્છા વિરુદ્ધ હોય તો પણ તે વ્યક્તિને જીવન અને સુરક્ષાના મૂળભૂત અધિકારોથી વંચિત રાખી શકે નહીં.
