સિનિયર વકીલ પ્રશાંત ભૂષણની ઑડિયો-ક્લિપ વાઇરલ, BJPએ કહ્યું કે દેશમાં સત્તાપરિવર્તનનું કાવતરું ઘડવામાં આવી રહ્યું છે
પ્રશાંત ભૂષણ
દિલ્હીમાં ચીફ ઇલેક્શન કમિશનર (CEC) જ્ઞાનેશ કુમારને હટાવવા માટે એક તરફ વિરોધ-પ્રદર્શનો ચાલી રહ્યાં છે ત્યારે બીજી તરફ સુપ્રીમ કોર્ટના સિનિયર ઍડ્વોકેટ પ્રશાંત ભૂષણનું નિવેદન વાઇરલ થયું છે જેમાં તેઓ ક્રાન્તિનો વિકલ્પ બાકી હોવાનું અને રક્તપાત થશે એવું નિવેદન કરી રહ્યા છે. આ ઑડિયો-વિઝ્યુઅલ ભારતીય જનતા પાર્ટી (BJP)એ બહાર પાડ્યું છે અને આરોપ લગાવ્યો છે કે દેશમાં સત્તાપરિવર્તન માટે કાવતરાં ઘડવામાં આવી રહ્યાં છે.
જ્ઞાનેશ કુમાર સામે ચાલી રહેલાં વિરોધ-પ્રદર્શનો વિશે કૉમેડિયન કુણાલ કામરા અને અન્ય લોકો સાથે વાતચીત કરતી વખતની પ્રશાંત ભૂષણની ક્લિપ શૅર કરવામાં આવી છે. ક્લિપમાં પ્રશાંત ભૂષણ કહે છે કે આપણી સામે ક્રાન્તિ દ્વારા કંઈક પ્રાપ્ત કરવાનો વિકલ્પ છે. પછી તેઓ સંભવિત રક્તપાતનો ઉલ્લેખ કરે છે. તેઓ કહે છે કે પોલીસ અને અર્ધલશ્કરી દળોનો ઉપયોગ થઈ રહ્યો છે. તેઓ આગળ શસ્ત્રોના ઉપયોગ અને સેનાને બોલાવવાની આશંકા પણ વ્યક્ત કરે છે. તેમની કથિત કમેન્ટનો સૌથી વિવાદિત હિસ્સો એ છે કે તેઓ કહે છે કે હવે ક્રાન્તિના પરિણામે ઘણો રક્તપાત થશે. આ નિવેદને રાજકીય વિવાદ ઊભો કર્યો છે.
આ મુદ્દે BJPના પ્રવક્તા પ્રદીપ ભંડારીએ આરોપ લગાવ્યો છે કે વિપક્ષ સાથે સંકળાયેલા કેટલાક લોકો સરકાર બદલવા માટે હિંસા અને અરાજકતાનો પ્રયાસ કરી રહ્યા છે. તેમણે આને લોકશાહી માટે ખતરો ગણાવ્યો છે. BJPનો આરોપ છે કે સરકાર વિરુદ્ધ વિરોધ-પ્રદર્શનોનો ઉપયોગ સત્તાપરિવર્તન માટે થઈ રહ્યો છે.
પંજાબમાં SIRની પ્રક્રિયાથી કૉન્ગ્રેસ, AAP અને અકાલી દળ સંતુષ્ટ; BJPએ કહ્યું આ કેવો દંભ
ADVERTISEMENT
દિલ્હીમાં ચીફ ઇલેક્શન કમિશનર (CEC) જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ કૉન્ગ્રેસના નેતૃત્વમાં થઈ રહેલા વિરોધ-પ્રદર્શનની વચ્ચે કૉન્ગ્રેસ, આમ આદમી પાર્ટી (AAP) અને અકાલી દળે પંજાબમાં તાજેતરમાં સમાપ્ત થયેલી મતદારયાદીની સ્પેશ્યલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) પ્રક્રિયા માટે સંતોષ વ્યક્ત કર્યો છે. કૉન્ગ્રેસના નેતા હરદીપ સિંહ કિંગરાએ જણાવ્યું હતું કે મેં પંજાબના ચૂંટણી વિભાગના ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર (CEO) આનંદિતા મિત્રા સમક્ષ કેટલાક મુદ્દાઓ રજૂ કર્યા હતા અને મારી વાત સાંભળવામાં આવી હતી.
આ ઘટનાક્રમ પર પ્રતિક્રિયા આપતાં ભારતીય જનતા પાર્ટી (BJP)એ સવાલ કર્યો હતો કે આ તે કેવો દંભ છે, એક તરફ જ્ઞાનેશ કુમારને હટાવવા માટે વિરોધ-પ્રદર્શન થઈ રહ્યું છે અને બીજી તરફ પંજાબમાં SIR પ્રક્રિયા માટે સંતોષ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે.
૧૩ લાખ મતદારોનાં નામ હટાવવામાં આવ્યાં
પંજાબમાં ૧૨ ઑક્ટોબરે રાજ્યના તમામ ૧૧૭ વિધાનસભા મતવિસ્તારો માટેની અંતિમ મતદારયાદી પ્રકાશિત કરવામાં આવી હતી. આ અંતિમ યાદીમાં મતદારોની સંખ્યા ૨,૦૧,૦૦,૭૬૭ છે. SIRમાં ૭,૯૭,૨૬૩ નવા મતદારો ઉમેરાયા હતા. જૂન મહિનામાં જ્યારે SIR પ્રક્રિયા શરૂ થઈ ત્યારે પંજાબમાં મતદારોની સંખ્યા ૨,૧૪,૬૧,૦૪૩ હતી. કુલ ૧૩ લાખ મતદારોનાં નામ હટાવવામાં આવ્યાં છે.
